________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૩૪૭
વહેંચાયેલા રસને ત્યાંથી ઉપયોગપૂર્વક ખેંચી લઈ આત્માના વિષયમાં જ એ રસને જોડવામાં આવે તો જ આત્માનું કલ્યાણ થઈ શકે. આત્માને પામવા માટે આત્મા સિવાય બીજા બધાને ભૂલવા પડે.
વેદાંત દર્શન બ્રહ્મને સત્ય કહીને વારંવાર તેનું સ્મરણ કરવાનું કહે છે અને જગતને મિથ્યા કહીને તેને ભૂલવાનું કહે છે. બ્રહ્મસત્ય એટલે તું જ બ્રહ્મ છે એમ નહિ પણ આખું વિશ્વ બ્રહ્મરૂપ લાગે અબ્રહ્મ કાંઈ લાગે જ નહિ. જ્યાં અબ્રહ્મ કાંઈ છે નહિ ત્યાં દુઃખ લાગે કેવી રીતે?
પંચમહાવ્રત જેવા મહાન ચારિત્રનું પાલન કરવા છતાં દેહાધ્યાસ અને લોકૈષણાના અહં-મમમાં પડીને આજે આપણે આત્માનો અનુભવ પામી શકતા નથી અને તેનું આપણને દુઃખ પણ નથી આ કેટલી કરૂણ બીના છે. ઘરબારને છોડીને પંચ મહાવ્રતનું પાલન કરનારા જો આત્માનંદી નહિ બને તો પછી તે આશા બીજા કોની પાસે રાખી શકાશે ? વ્યવહારનયે જેમ ચારિત્રના પાલનની કિંમત છે તેમ નિશ્ચયનયે આત્માના સિદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર સ્વરૂપની અનુભૂતિની કિંમત તેથી પણ વિશેષ છે.
સ્વરૂપના લક્ષ્ય, સ્વરૂપની રૂએ, સ્વરૂપની શરતે, સ્વરૂપના વ્યવહારે મન, વચન, કાયાના યોગને પ્રવર્તાવવા તે ચરણકરણાનુયોગ છે. સ્વરૂપને વારંવાર યાદ કરવાથી વીર્યંતરાયનો ક્ષયોપશમ વધે છે. આત્મબળ વધે છે.
ક્ષયોપશમ સમકિત વિના આગળ વધાતું નથી માટે બોધિલાભ માંગવાનો છે અને ધર્મના ઉત્તરોત્તર અધ્યવસાય પામી શકાય અને જ્ઞાન ધ્યાન થઈ શકે માટે આરોગ્ય માંગવાનું છે. પણ દેહના ભોગ માટે નહિ.
જે બહિર્મુખી દૃષ્ટિથી જગત રચાયું છે તે જ દૃષ્ટિને અંતર્મુખી કરવા દ્વારા જગતને ભૂલવાનું છે. જ્ઞાન અને ધ્યાન દ્વારા જીવ સમાધિમાં નથી જતો માટે સંયોગ-વિયોગનું દુ:ખ રહે છે. ભેદજ્ઞાનના લક્ષ્ય, નિર્વિકલ્પતાના લક્ષ્ય જ્ઞાન, ધ્યાન કરવાથી તે દુ:ખ રહેતું નથી.
અધ્યાત્મ એ ખંડન-મંડનની ચીજ નથી પરંતુ જાત તપાસની ચીજ છે. અધ્યાત્મનો માર્ગ એ સાધનાનો માર્ગ છે. સાધનામાં જીવે પોતાના મનોયોગને તપાસવાનો છે. આપણે આપણા સચ્ચિદાનંદ સ્વરૂપને નથી વેદતા તેથી આપણે આપણા વિરોધી છીએ. જેમાં આપણા જ અજ્ઞાન અને મોહ કારણ છે. પૂર્ણ દૃષ્ટિવાળાનું જગતમાં કોઈ વિરોધી હોતું નથી. દૃષ્ટિ અપૂર્ણ હોય તેના વિરોધી હોઈ શકે છે. હકીકત તો એ છે કે દૃષ્ટિ અપૂર્ણ હોતે છતે મૈત્રી, પ્રેમ, વાત્સલ્ય અને ઉદારતાના બળે આપણે જગતને આપણું બનાવશું. વિરોધી મટાડશું ત્યારે આપણે પૂર્ણ દૃષ્ટિ પામી શકીશું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org