________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૯૭
રોગ શરીરની શક્તિને ક્ષીણ કરી નાંખે છે. તેનાથી અંગોપાંગ ઢીલા પડી જાય છે. શરીર કૃશ થઈ જાય છે. તેમ કુતર્કથી મનની ચિંતન શક્તિ નબળી પડી જાય છે તેથી આત્મિકગુણોને અનુસરનારી બુદ્ધિમાં ઉપઘાત થાય છે અને તેથી અહિતમાં હિત અને હિતમાં અહિત જણાય છે. આમ કુતર્ક એ ભાવ આરોગ્ય, આત્માના ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, સંતોષ, નમ્રતા, સરળતાદિમાં ઉપઘાત કરે છે તેથી તે રોગ સમાન છે.
જેમ માંદો માણસ ભારે ખોરાક પચાવી શકર્તા નથી. જીરવી શકતો નથી તેમ કુતર્કગ્રહરૂપ રોગ જેને લાગુ પડ્યો છે તેવો જીવ ઉત્તમ શ્રુતજ્ઞાન રૂપી પરમાન્નને પચાવી શકતો નથી. શ્રુતજ્ઞાનને પામીને તે ગંભીર બનતો નથી. જ્યાં ત્યાં પોતાની વિદ્વત્તા બતાવવાનો પ્રયત્ન કરે છે. જે વાત જેને કહેવા યોગ્ય નથી તેની આગળ પણ તે ઓકી કાઢે છે. બીલાડીના પેટમાં જેમ ખીર ન રહે તેમ તેના પેટમાં કોઈ ગંભીર વાત ટકતી નથી માટે એવા જીવોને શ્રુતજ્ઞાનનો ભવ્ય વારસો આપી શકાતો નથી કારણ કે તેને આપેલ શ્રુત બંનેનો નાશ કરનાર થાય છે. કુતર્કથી જેની બુદ્ધિ ગ્રસાઈ ગઈ છે તેવા વિમૂઢ આત્માને જે હિતોપદેશ આપવા જાય છે તે કૂતરીના શરીર પર કસ્તૂરીના લેપ કરવા જેવું કરે છે, કષ્ટથી પ્રાપ્ત થયેલ શાસ્ર બોધને જે કુતર્કથી દૂષિત કરે છે, તે સેંકડો પ્રયત્નથી મેળવેલ બીજને ઉખરભૂમિમાં વાવવા જેવું કરે છે. કુતર્ક વાળો જીવ શાસ્ત્રો સાંભળે છે પણ તેની આજ્ઞાને પાળતો નથી. તે અસારગ્રાહી હોય છે. જેમ ચાલણી અસાર એવા કાંકરાને પકડી રાખે છે તેમ આ અસદ્ગહવાન કાંકરા જેવા અસાર દોષોને પકડી રાખે છે. પોતાની બડાઈ હાંકે છે. મિથ્યાભિમાન કરે છે.
(૨) શમાપાય - કુતર્ક શમને માટે અર્થાત્ આત્મશાંતિને માટે હાનિરૂપ થાય છે. અસદ્ અભિનિવેશ જન્માવે છે. અસમભાવમાં રૂચિ લાવે છે. કુતર્ક ચિત્તમાં ખોટા તરંગો ઉપજાવે છે. ચિત્તની શાંતિને ડહોળી નાંખે છે. જીવને ભ્રમમાં નાંખે છે. સમતા રૂપી શીતલ બાગને માટે કુતર્ક અગ્નિની જવાળા સમાન છે જે સમતામય અંતઃકરણને ઉજ્જડ બનાવે છે. વેરાન કરે છે. તેથી ત્યાં તત્ત્વજ્ઞાન પ્રવેશ પામતું નથી. સમભાવ નાશ પામી જાય છે. આત્મના ગુણોને કાપી નાંખવા માટે કુતર્ક દાંતરડા જેવો છે. દોષના મૂળિયાને મજબૂત કરી મોહના સામ્રાજ્યને પુષ્ટ કરે છે. (૩) શ્રદ્ધાભંગ - કુતર્ક શ્રદ્ધાનો ભંગ કરનાર છે. જે વસ્તુ જેવી છે તેવી પોતાને પ્રતીતિ થવા દેતો નથી. શાસ્ત્રના મર્મને પામવા દેતો નથી. દરેક વસ્તુને ઉપર ઉપરથી જ સ્પર્શ કરાવીને આગળ વધારે છે તેથી શાસ્ત્રીય તત્ત્વોના સ્વીકારમાં ખોટા વિકલ્પો પેદા કરવા દ્વારા શ્રદ્ધાનો ભંગ કરે છે. કુતર્ક દ્વારા પેદા થતાં વિકલ્પો એ વંધ્યાપુત્ર જેવા છે. ભોજન વિનાના અજીર્ણ જેવા છે. ભૂમિ વિનાની વેલડી જેવા છે. રોગ વિનાની મરકી જેવા છે. જેના કારણે જીવ “વિણ ખાધે વિણ ભોગવે” તંદુલિયામત્સ્યની જેમ નરકમાં જાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org