Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
સમ્યક્ત્વનો જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ શેષ રહે ત્યારે મહાન ભયના ઉત્પન્ન થવા રૂપ અનંતાનુબંધિકષાયનો ઉદય થાય છે. તેના ઉદયથી ઉપશમસમ્યક્ત્વથી પડી સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે. અથવા ઉપશમશ્રેણીથી પડતા પણ કેટલાએક સાસ્વાદને આવે છે. અંતરકરણનો જેટલો કાળ શેષ હોય અને સાસ્વાદને આવે તેટલો કાળ ત્યાં રહી ત્યારપછી મિથ્યાત્વમોહનો ઉદય થવાથી અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે.
૩૬
૩. મિશ્રદૅષ્ટિ ગુણસ્થાન—સમ્યગ્યથાર્થ મિથ્યા-અયથાર્થ-દૃષ્ટિ-શ્રદ્ધા છે જેને તે સભ્યગ્મિથ્યાદૃષ્ટિ, તેના જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપ વિશેષને સભ્યમિથ્યાર્દષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. હમણાં જ કહેલ ત્રણ કરણ દ્વારા પ્રાપ્ત થયેલ ઉપશમસમ્યક્ત્વરૂપ વિશિષ્ટ ઔષધિ સમાન આત્મપરિણામ વડે મદનકોદરા સરખા મિથ્યાત્વમોહનીય કર્મને શુદ્ધ કરી તેને ત્રણ વિભાગમાં વહેંચી નાખે છે. ૧. શુદ્ધપુંજ, ૨. અવિશુદ્ધપુંજ, ૩ અશુદ્ધપુંજ, મિથ્યાત્વમોહનીયના એક સ્થાનક અને મંદ બે સ્થાનક રસવાળાં પુદ્ગલોને સમ્યક્ત્વમોહનીય કહે છે, તેના ઉદયથી જિનેશ્વરોના વચન પર શ્રદ્ધા થાય છે, તે વખતે આત્મા ક્ષાયોપશમિકસમ્યક્ત્વી હોય છે. મઘ્યમ બે સ્થાનક રસવાળાં મિથ્યાત્વનાં પુદ્ગલોને મિશ્રમોહનીય કહેવામાં આવે છે. તેના ઉદયથી જિનપ્રણીત તત્ત્વ પર શ્રદ્ધા કે અશ્રદ્ધા હોતી નથી. અને તીવ્ર બે સ્થાનક ત્રણ અને ચાર સ્થાનક રસવાળાં પુદ્ગલો મિથ્યાત્વમોહનીય કહેવાય છે, તેના ઉદયથી જિનપ્રણીત તત્ત્વ પ્રત્યે અરુચિ જ થાય છે. ઉપરોક્ત ત્રણ પુંજમાંથી જ્યારે અર્ધવિશુદ્ધપુંજનો ઉદય થાય ત્યારે તેના ઉદયથી જીવને અરિહંતે કહેલ તત્ત્વની અર્ધવિશુદ્ધ શ્રદ્ધા થાય છે. અર્થાત્ જિનપ્રણીત તત્ત્વ પ્રત્યે રુચિ કે અરુચિ હોતી નથી, ત્યારે સભ્યગ્મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તેનો કાળ (જઘન્યથી અને ઉત્કૃષ્ટથી) અંતર્મુહૂર્ત પ્રમાણ છે. ત્યારપછી ત્યાંથી પરિણામને અનુસરી પહેલે કે ચોથે ગુણસ્થાનકે જાય છે.
૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન—સંપૂર્ણપણે પાપવ્યાપારથી જેઓ વિરમ્યા હોય તે વિરત કે વિરતિ કહેવાય છે, અને જેઓ પાપવ્યાપારથી બિલકુલ વિરમ્યા નથી તે અવિરત કે અવિરતિ કહેવાય છે. પાપવ્યાપારથી સર્વથા નહિ વિરમેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ અવિરતિ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આ સમ્યગ્દષ્ટિ આત્માઓ અવિરતિ નિમિત્તે થતાં દુરંત નરકાદિ દુઃખ જેનું ફળ છે એવા કર્મબંધને જાણવા છતાં, અને પરમ મુનીશ્વરોએ પ્રરૂપેલ સિદ્ધિરૂપ મહેલમાં ચડવાની નિસરણી સમાન વિરતિ છે એમ જાણવા છતાં પણ તેનો સ્વીકાર કરી શકતા નથી, તેમ તેના પાલન માટે પ્રયત્ન પણ કરી શકતા નથી.૨ કારણ કે અપ્રત્યાખ્યાનાવરણ કષાયોદયથી
૧. મિશ્રગુણસ્થાને પહેલે અને ચોથે એ બંને ગુણસ્થાનેથી આવે છે. પહેલેથી આવનારને જે અરુચિ હતી તે હઠી જાય છે, રુચિ તો હતી જ નહિ. ચોથેથી આવનારને રુચિ હતી તે દૂર થાય છે, અરુચિ તો હતી જ નહિ. એટલે જ ત્રીજે ગુણસ્થાને રુચિ કે અરુચિ નથી હોતી તેમ કહેવાય છે. તેનું નામ જ અર્ધવિશુદ્ધ શ્રદ્ધા છે.
૨. જેઓ ૧. વિરતિના સ્વરૂપને યથાર્થ જાણતા નથી. ૨. સ્વીકાર કરતા નથી અને, ૩. તેનું પાલન કરતા નથી એ ત્રણ પદોના આઠ ભાંગા થાય છે.
૧. જેઓ વિરતિના સ્વરૂપને યથાર્થ સમજતા નથી, સ્વીકાર કરતા નથી, અને પાલન કરતા. નથી તે સામાન્યથી સઘળા જીવો.