Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૫
પ્રથમદાર
આત્માને સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં અટકાવે છે તેનો ભેદ કરી શકતા નથી. આવશ્યક ટીકામાં કહ્યું છે કે—‘કેટલાક અભવ્યો પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મ ખપાવીને ગ્રંથિદેશ પર્યંત આવે છે. અને અરિહંતાદિની વિભૂતિને જોવાથી એવા જ પ્રકારની વિભૂતિ પ્રાપ્ત થાય એ હેતુથી કે કોઈ અન્ય હેતુથી ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરતા તેને શ્રુત સામાયિકનો લાભ થાય છે, અને કંઈક અધિક નવપૂર્વ સુધી અભ્યાસ કરે છે. પરંતુ સર્વવિરતિ (દેશવિરતિ કે સમ્યક્ત્વ રૂપ) સામાયિક કે અન્ય કોઈ આત્મિક લાભ થતો નથી. યથાપ્રવૃત્તિકરણ થયા પછી જેને મોક્ષનું સુખ નજીકમાં છે, અને ઉત્પન્ન થયેલો જેના વીર્યનો તીવ્ર વેગ ન રોકી શકાય તેવો છે, એવો કોઈ મહાત્મા તીક્ષ્ણ કુહાડાની ધાર જેવા અપૂર્વકરણરૂપ પરમ વિશુદ્ધિ વડે ઉપરોક્ત સ્વરૂપવાળી ગ્રંથિનો ભેદ કરીને અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે ઉદયસમયથી આરંભી તે સંખ્યાતમા ભાગ જેવડી અંતર્મુહૂર્તપ્રમાણ સ્થિતિને છોડીને ઉ૫૨ અંતર્મુહૂર્તૃકાળ પ્રમાણ અંતરક૨ણ કરે છે. અંતરકરણ એટલે અંતર્મુહૂર્તકાળમાં વેદવાયોગ્ય મિથ્યાત્વમોહનીયકર્મના પુદ્ગલોને ,અભાવ કરવા રૂપ ક્રિયા. અંતકરણ કરે ત્યારે મિથ્યાત્વમોહનીયકર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. અંતરકરણની નીચેની અંતર્મુહૂર્તપ્રમાણ પ્રથમ સ્થિતિ, અને અંતરકરણની ઉપરની મોટી બીજી સ્થિતિ. અંતરકરણમાંનાં મિથ્યાત્વનાં પુદ્ગલોને પહેલી અને બીજી સ્થિતિમાં નાખી દૂર કરે છે અને તેટલી ભૂમિ તદ્દન શુદ્ધ કરે છે, એટલે કે અંતર્મુહૂર્તમાં ભોગવવા યોગ્ય મિથ્યાત્વમોહના દલિકોને દૂર કરે છે. હવે જ્યાં સુધી આત્મા પહેલી નાની સ્થિતિને અનુભવે છે ત્યાં સુધી તે મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. તે નાની સ્થિતિ દૂર થઈ જાય ત્યારે અંતરકરણમાં-શુદ્ધ ભૂમિમાં પ્રવેશ કરે છે અને ત્યાં મિથ્યાત્વનો રસ કે પ્રદેશ વડે ઉદય નહિ હોવાથી ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે—જેમ દાવાનળ ઉખર ભૂમિ કે બળેલા લાકડાને પ્રાપ્ત કરી શાંત થાય છે, તેમ મિથ્યાત્વનાં ઉદયરૂપ દાવાગ્નિ અંતરકરણરૂપ ઉખરભૂમિને પ્રાપ્ત કરી શાંત થાય છે, અને આત્મા ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે.' ત્રણે કરણોનો ક્રમ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યો છે-‘ગ્રંથિ પર્યંત પહેલું યથાપ્રવૃત્તિકરણ હોય છે, આ કારણે ગ્રંથિનો ભેદ થતો નથી. ગ્રંથિ ભેદતાં બીજું અપૂર્વકરણ હોય છે, આ કરણે ગ્રંથિનો ભેદ થાય છે. અને સમ્યક્ત્વની પ્રાપ્તિ જેને નજીક છે એવા આત્માને ત્રીજું અનિવૃત્તિકરણ થાય છે. અનિવૃત્તિકરણમાં અંતરકરણ કરી પહેલી સ્થિતિ ભોગવી લીધા બાદ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે.' પરમનિધિના લાભ સમાન તે ઉપશમ
૧. અભવ્યોને અરિહંતાદિની વિભૂતિ જોવાથી તેવી પૌદ્ગલિક સંપત્તિની ઇચ્છા થાય, પરંતુ અરિહંતની આત્મસંપત્તિની જેવી આત્મસંપત્તિની ઇચ્છા ન થાય, કારણ તેઓ અભવ્ય છે.
૨. કર્મગ્રંથકારોના અભિપ્રાયે અનાદિ મિથ્યાર્દષ્ટિ આ રીતે ઉપશમ સમ્યક્ત્વ પામે છે. પરંતુ સિદ્ધાંતકારોના અભિપ્રાયે અનાદિ મિથ્યાર્દષ્ટિ યથાપ્રવૃત્તકરણ કરી તથાપ્રકારના વિશુદ્ધ અધ્યવસાયરૂપ અપૂર્વકરણ દ્વારા જ મિથ્યાત્વના ત્રણ પુંજ કરી ઉપશમ સમ્યક્ત્વ પામ્યા વિના જ પ્રથમથી શુદ્ધપુંજને અનુભવતો ક્ષયોપશમ સમ્યક્ત્વ પામે છે. અને બૃહત્કલ્પભાષ્યકારાદિના અભિપ્રાયે તો અનાદિ મિથ્યાર્દષ્ટિ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરી અંતકરણમાં ત્રણ પુંજ કર્યા વિના જ ઉપશમ સમ્યક્ત્વ પામે છે. તેમ જ તે જીવને અર્ધવિશુદ્ધ અને શુદ્ધપુંજ સત્તામાં ન હોવાથી અંતકરણના અંતે મિથ્યાત્વનો ઉદય થવાથી ફરીથી મિથ્યાત્વે જ જાય છે. જુઓ વિશેષાવશ્યક ગાથા ૫૩૦ની ટીકા.