________________
૫
સિદ્ધ
મહામંત્ર નવકારનું દ્વિતીય પદ સિદ્ધનું છે. જે આત્મા સમસ્ત કર્મબંધનોથી મુક્ત થઈને જન્મ-જરા-મરણના ચક્રથી સદાયને માટે છુટકારો પામીને અજર, અમર, સિદ્ધ, બુદ્ધ થઈને મોક્ષ પ્રાપ્ત કરી ચૂક્યા છે, તેઓ ‘સિદ્ધ' કહેવાય છે. ‘આવશ્યક નિર્યુક્તિ'માં સિદ્ધપદની વ્યુત્પત્તિ કરતાં કહેવાયું છે -
दीहकालरयं जं तु कम्मसे सिअमहा । सिअं घतंति सिद्धस्सः सिद्धत्तमुवजाय ॥
આવ. નિયુક્તિ-૯૫૩
ચિરકાળથી જીવ આઠ પ્રકારનાં કર્મોનું બંધન કરતો રહે છે. એ કર્મરજને જે સર્વથા ભસ્મીભૂત કરી દે છે તેઓ સિદ્ધત્વને પ્રાપ્ત કરી લે છે. સિદ્ધ ભગવાન આઠ ગુણોના ધારક હોય છે.
-
સિદ્ધ ભગવાનના આઠ ગુણો
:
૧. પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંત કેવળજ્ઞાન પ્રગટ થયું, જેનાથી સિદ્ધ ભગવાન બધાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે.
૨. નવ પ્રકારના દર્શનાવરણ કર્મનો ક્ષય થવાથી અનંત કેવળ દર્શન-ગુણ પ્રગટ થયો, જેનાથી બધાં દ્રવ્યો વગે૨ે દેખે છે. (સામાન્ય ધર્મને જાણે છે.)
૩. બંને પ્રકારના વેદનીય કર્મ નષ્ટ થઈ જવાથી નિરાબાધ સુખી (વ્યાધિ-વેદનાથી રહિત) થઈ ગયા.
૪. બે પ્રકારનાં મોહનીય કર્મ નષ્ટ થઈ જવાથી ક્ષાયિક-સમ્યક્ત્વ તથા ક્ષાયિક-ચારિત્રના ધારક
થયા.
૫. ચારેય પ્રકારનાં આયુ કર્મનો ક્ષય થવાથી અમર થઈ ગયા.
૬. બંને પ્રકારનાં નામ-કર્મ ક્ષીણ થઈ જવાથી અમૂર્તિક થયા.
૭. બંને પ્રકારનાં ગોત્ર કર્મ નષ્ટ થઈ જવાથી અગુરુલઘુ (ગુરુતા અને લઘુતાથી રહિત) થયા. ૮. પાંચ પ્રકારનાં અંતરાય કર્મ ક્ષીણ થઈ જવાથી અનંત શક્તિમાન થયા.
સિદ્ધત્વ આત્માની સર્વ વિશુદ્ધ અવસ્થા છે. આધ્યાત્મિક પવિત્રતાનું સર્વોત્કૃષ્ટ અને સર્વોચ્ચ સોપાન સિદ્ધત્વ જ છે. આ જ સંપૂર્ણ વિશુદ્ધ અવસ્થા છે, જેને મુમુક્ષુ આત્મા પોતાનું લક્ષ્ય બનાવીને સાધનાના પથ પર ત્યાં સુધી ચાલતો રહે છે જ્યાં સુધી એ સ્વયં સિદ્ધ સ્વરૂપ ન થઈ જાય.
અહીં આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જ્યારે સિદ્ધત્વ આત્માની સર્વોચ્ચ સ્થિતિ છે, તો સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત સિદ્ધોને સર્વ પ્રથમ નમસ્કાર ન કરતાં અહંતોને પહેલાં નમસ્કાર કેમ કરવામાં આવ્યા છે ? સમાધાન એ છે કે સિદ્ધ ભગવાનના સ્વરૂપને બતાવનારા અને જગતને સત્યની અખંડ જ્યોતિનાં દર્શન કરાવવાવાળા પરમોપકારી શ્રી અરિહંત ભગવાન છે. માટે એમને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યા છે. આ વ્યાવહારિક દૃષ્ટિની વિશેષતા છે.
જિણધમ્મો
39