________________
નયના બે ભેદ
સામાન્ય રીતે અભિપ્રાયોની અનંતતા હોવા છતાંય વર્ગીકરણના સિદ્ધાન્ત પર નયના વિભિન્ન ભેદ બતાવવામાં આવ્યા છે. એક વિવક્ષા અનુસાર નયોને બે ભાગોમાં વિભક્ત કરી શકાય છે - (૧) અભેદને ગ્રહણ કરનાર અને (૨) ભેદને ગ્રહણ કરનાર. વસ્તુમાં સ્વરૂપતઃ અભેદ છે, તે અખંડ છે અને પોતાનામાં એક તથા મૌલિક છે. એને અનેક ગુણ, પર્યય અને ધર્મો દ્વારા અનેક રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. અભેદ-ગ્રાહિણી દૃષ્ટિ દ્રવ્યદૃષ્ટિ કહેવામાં આવે છે અને ભેદગ્રાહિણી દૃષ્ટિ પર્યાયદૃષ્ટિ કહેવાય છે. દ્રવ્યને મુખ્ય રૂપથી ગ્રહણ કરવાથી નય દ્રવ્યાર્થિક કહેવાય છે અને પર્યાયને મુખ્ય રૂપથી ગ્રહણ કરનાર નય પર્યાયાર્થિક કહેવામાં આવે છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયોને દ્રવ્યાર્થિકનય અને ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયોને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે.
જગતમાં સ્પષ્ટ અને મૌલિક અસ્તિત્વ જો કે દ્રવ્યનું છે અને એ જ પરમાર્થથી અર્થ કહેવાય છે, છતાં જગત-વ્યવહાર માત્ર પરમાર્થ અર્થથી નથી ચાલતો, માટે વ્યવહાર માટે પદાર્થોનો નિક્ષેપ કરવામાં આવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ છે. નામ શબ્દાત્મક અર્થનો આધાર છે. સ્થાપના જ્ઞાનના આકારોનો આધાર છે. દ્રવ્ય અને ભાવ અર્થનો આધાર છે. આ રીતે જ્યારે પ્રત્યેક પદાર્થને અર્થ, શબ્દ અને જ્ઞાનના આકારોમાં વહેંચે છે, તો એમનું ગ્રાહક જ્ઞાન પણ સ્વભાવતઃ ત્રણ વિભાગોમાં વહેંચાઈ જાય છે જ્ઞાન(સંકલ્પ)નય, અર્થનય અને શબ્દનય. કેટલાક વ્યવહાર માત્ર સંકલ્પના બળથી ચાલે છે, તે જ્ઞાનાશ્રયી હોય છે, એમાં અર્થના તથાભૂત હોવાની ચિંતા નથી હોતી - જેમ કે આજ મહાવીર જયંતી છે. અર્થના આધારે ચાલનાર વ્યવહારમાં એકાંત અભેદવાદી વેદાંતી એકાંત ભેદવાદી બૌદ્ધ અને ભેદાભેદને સ્વતંત્ર માનનાર નૈયાયિક વૈશેષિક વગેરે છે. શબ્દભેદથી અર્થભેદ માનનાર નય શબ્દનય છે. આ બધા પ્રકારના વ્યવહારોના સમન્વય માટે જૈન પરંપરાએ નય પદ્ધતિ સ્વીકારી છે. નયનો અર્થ છે - અભિપ્રાય, દૃષ્ટિ, વિવક્ષા કે અપેક્ષા.
ઉપર જે જ્ઞાનનય, અર્થનય અને શબ્દનય બતાવવામાં આવે છે, એમાંથી જ્ઞાનનયનો સમાવેશ સંકલ્પમાત્ર ગ્રાહી નૈગમનયમાં હોય છે. અર્થાશ્રિત અભેદ વ્યવહારના સંગ્રહનયમાં, ભેદાભેદ વ્યવહારના વ્યવહારનયમાં, એકાંત ભેદવાદી બૌદ્ધના ‘ઋજુસૂત્ર’નયમાં સમાવેશ થઈ જાય છે. કાળ, કારક, સંખ્યા, ઉપસર્ગ વગેરેના ભેદથી અર્થભેદ માનનારી દૃષ્ટિનો સમાવેશ શબ્દનયમાં થાય છે. પર્યાયવાચી શબ્દોમાં અર્થભેદ માનનારી દૃષ્ટિના સમભિરૂઢનયમાં અંતર્ભાવ થાય છે જે સમયે અર્થ ક્રિયા પરિણત હોય (થાય) ત્યારે જ તે અર્થ છે - આ દૃષ્ટિનો સમાવેશ એવંભૂત-નયમાં થાય છે. નયોના અભિપ્રાય એકાંતતાની નિવૃત્તિ સાથે સંદેશનું ગ્રહણ કરવું છે. નૈગમનય જ્ઞાનનય છે, સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર અર્થનય છે અને શબ્દ, સમભિરૂઢ એવંભૂત નય શબ્દનય છે. આ રીતે જ્ઞાનાશ્રયી, અર્થાશ્રયી અને શબ્દાશ્રયી સમસ્ત વ્યવહારોનો સમન્વય આ સાત નયોમાં કરવામાં આવ્યો છે.
નયવાદ
૨૫૩