________________
‘અવયવોથી અવયવીને જો સર્વથા ભિન્ન માનવામાં આવે છે તો તે અવયવી એ અવયવોમાં સર્વાત્મના રહે છે કે અંશતઃ ?' આ પ્રશ્ન થાય છે. જો તે એમાં સંપૂર્ણ રૂપથી રહે છે તો જેટલા અવયવ છે, એટલા જ અવયવી માનવા પડશે. જો એકદેશ-અંશથી રહે છે તો જેટલા અવયવ છે - એટલા પ્રદેશ તે અવયવીને સ્વીકારવા પડશે. જો અવયવોથી અવયવીને સર્વથા અભિન્ન માનવામાં આવે તો અવયવ-અવયવી એવો વ્યવહાર નહિ થઈ શકે. બેમાંથી કોઈ એક જ રહી શકશે. તેથી ઉક્ત દૂષણોથી બચવા માટે એના સિવાય કોઈ માર્ગ નથી કે એમાં કથંચિત્ ભેદ અને કચિત્ અભેદ માનવામાં આવે. એવું માનવાથી જ દ્રવ્ય-પર્યાય, ગુણ-ગુણી વગેરેની બધી વ્યવસ્થાઓ સંગત હોઈ શકે છે અન્યથા નહિ. ગુણ-પર્યાય દ્રવ્યને છોડીને નથી રહેતા અને દ્રવ્યગુણ પર્યાય પણ છોડીને નથી રહેતા, માટે એમાં અભેદ છે. દ્રવ્ય-ગુણપર્યાય એવો અલગ-અલગ નિર્દેશ હોવાના કારણે સ્વરૂપ ભિન્ન હોવાના કારણે એમાં ભેદની સંગતિ થાય છે. તેથી પદાર્થમાં ભેદાભેદત્વ જ ઘટિત થાય છે, સર્વથા ભેદ કે અભેદ નથી. આ રીતે પદાર્થોનો આ સ્વભાવ છે કે તે અનેકાંત દૃષ્ટિ દ્વારા જ સમ્યક્ રૂપથી ગૃહીત થઈ શકે છે.
ત્રયાત્મક પદાર્થ
‘તત્ત્વાર્થ સૂત્ર’માં સત્ પદાર્થનું લક્ષણ કરતા કહેવામાં આવ્યું છે -
‘उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ।' તત્ત્વાર્થ, અ.-૫, સૂ-૩૦
જેમાં પ્રતિક્ષણ ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતા વિદ્યમાન હોય તે સત્ છે. જે પણ અસ્તિત્વ રાખનાર પદાર્થ છે, તે સદા-સર્વદા ત્રયાત્મક હોય છે. ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યની ક્રિયા પ્રતિક્ષણ પ્રત્યેક પદાર્થમાં ચાલતી રહે છે. જેમાં આ ગતિવિધિ નથી, તે પદાર્થ જ નથી. જેમ કે ખરવિષાણ. ખર-વિષાણમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય નથી. માટે તે પદાર્થ જ નથી, તે અસત્ છે. જે સત્ છે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળો છે.
-
પદાર્થની સ્થિતિ જ એવી છે કે એમાં પૂર્વ પર્યાયનો વિનાશ, ઉત્તર પર્યાયની ઉત્પત્તિ નિરંતર ચાલતી રહે છે છતાં તે પદાર્થ પોતાની ધ્રુવતાને - પોતાની મૌલિકતા બનાવી રાખે છે. ઉદાહરણ માટે સુવર્ણ દ્રવ્યને લો. સુવર્ણના કટકી(ટુકડા)ને તોડીને સોનીએ એનો હાર બનાવ્યો. અહીં સુવર્ણની પૂર્ણ પર્યાય કટકીનો વિનાશ થયો ઉત્તર પર્યાય હારનો ઉત્પાદ થયો અને બંને અવસ્થાઓમાં સુવર્ણ રૂપી દ્રવ્ય એ જ બની રહ્યું.
સ્વામી સમંતભદ્રે એક બીજા લૌકિક ઉદાહરણ દ્વારા એ વાતને વિશેષતઃ સ્પષ્ટ કરી છે. એમણે લખ્યું છે -
૨૦૦
घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् । शोक प्रमोद माध्यस्थं जनो याति सहेतुकम् ॥
આપ્તમીમાંસા
જિણધર્મો