________________
(૩) અવધિલબ્ધિથી મૂર્ત પદાર્થોનો સામાન્ય બોધ અવધિદર્શન અને (૪) કેવળલબ્ધિથી સમસ્ત પદાર્થોનો સામાન્ય બોધ કેવળદર્શન છે.
પ્રશ્ન કરી શકાય છે કે ચેતનાશક્તિ બધા જીવોમાં સમાન હોવા છતાંય ઉપયોગ(બોધ વ્યાપાર)માં અંતરનું શું કારણ છે ? જવાબ સહજ છે કે ઉપયોગની વિવિધતાનું કારણ બાહ્ય-આત્યંતર કારણો પર આધારિત છે. વિષય-ભેદ, ઇન્દ્રિય વગેરે સાધનોના ભેદ, દેશકાળ-ભેદ વગેરે બાહ્ય-સામગ્રીની વિવિધતા છે અને આવરણની તીવ્રતા મંદતાનું તારતમ્ય આંતરિક સામગ્રીની વિવિધતા છે. આ સામગ્રીની વિચિત્રતાના કારણે બોધ વ્યાપારમાં વિવિધતા આવી જાય છે. જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષ રૂપથી જાણનાર છે તે સાકારોપયોગ છે. આ જ્ઞાન કે સવિકલ્પક બોધને કહેવાય છે. જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્ય રૂપથી જાણનાર હોય છે, તે અનાકરોપયોગ છે. આને દર્શન કે નિર્વિકલ્પક બોધ કહે છે. ઉપયોગના સમયે બાર ભેદોમાંથી કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપથી ઉપયોગ-ભેદ માનવાનું કારણ માત્ર ગ્રાહ્ય વિષયની દ્વિરૂપતા છે. અર્થાત્ પ્રત્યેક વિષય સામાન્ય અને વિશેષ રૂપથી ઉભય સ્વભાવી છે, માટે એને જાણનાર ચેતના વ્યાપાર પણ જ્ઞાન અને દર્શનના રૂપમાં બે પ્રકારના હોય છે.
પ્રશ્ન કરી શકાય છે કે જેમ કે સાકારોપયોગમાં જ્ઞાનના પ્રતિપક્ષી અજ્ઞાનને પણ ગ્રહણ કરવામાં આવ્યું છે એમ અનાકારોપયોગમાં દર્શનના પ્રતિપક્ષી અદર્શનનું કથન કેમ નથી કરવામાં આવ્યું. સમાધાન એ છે કે ચાર દર્શનોમાંથી કેવળદર્શન સમ્યક્ત્વના વિના નથી થતું, પણ શેષ ત્રણ દર્શન સમ્યક્ત્વના અભાવમાં પણ થાય છે. છતાં એમના પ્રતિપક્ષી અદર્શન ન કહેવાના કારણે એ છે કે દર્શન સામાન્ય માત્રનો બોધ છે, તેથી સમ્યક્ત્વી અને મિથ્યાત્વીના દર્શનમાં કોઈ ભેદ નથી બતાવી શકાતો. સાકારોપયોગમાં જ્ઞાન અને એના પ્રતિપક્ષી અજ્ઞાનનો ઉલ્લેખ સમ્યક્ત્વના સહભાવ અને અસહભાવનું કારણ છે.
ઉપયોગ આત્માનો એવો અસાધારણ ધર્મ છે જે બધા આત્માઓમાં જોવા મળે છે. તેથી એ જ આત્માનો પ્રમુખ અસાધારણ ધર્મ કહેવામાં આવે છે. એમ આત્મામાં અન્ય અસાધારણ ધર્મ, જેમ કે ઔપમિકાદિ પાંચ ભાવ ચારિત્ર-તપ વગેરે પણ જોવા મળે છે, પરંતુ એ બધા આત્માઓમાં સમાન રૂપથી નથી જોવા મળતા, કોઈક આત્માઓમાં જોવા મળે છે અને કોઈક આત્માઓમાં નથી જોવા મળતા. તેથી એવા અસાધારણ ધર્મોને ઉપલક્ષણ કહેવામાં આવે છે. જેમ કે અગ્નિનું અસાધારણ લક્ષણ ઉષ્ણત્વ અને પ્રકાશત્વ છે, જે બધી અગ્નિઓમાં જોવા મળે છે. પરંતુ ધુમાડો જો અગ્નિ વગર નથી થતો, માટે એ પણ એનો અસાધારણ ધર્મ છે છતાં તે બધી અગ્નિઓમાં જોવા નથી મળતો, કારણ કે ધગધગતા અંગારાઓમાં ધુમાડો નથી જોવા મળતો. તેથી ધુમાડાને અગ્નિનું ઉપલક્ષણ કહેવાય છે. એ જ રીતે ઔપમિક વગેરે પાંચ ભાવ વગેરે આત્માના અસાધારણ ધર્મ હોવા છતાંય ઉપલક્ષણ છે. આત્માનું મુખ્ય લક્ષણ અસાધારણ ધર્મ ઉપયોગ જ છે. કારણ કે બધા આત્માઓમાં ઉપયોગ જ જોવા મળે છે.
જીવ તત્ત્વ : એક વિવેચન
૨૯૧