________________
સાત મૂળ નય
નયોના મૂળ સાત ભેદ છે - ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર ૪. ઋજુસૂત્ર ૫. શબ્દ ૬. સમભિરૂઢ અને ૭. એવંભૂત. આચાર્ય સિદ્ધસેને ‘અભેદગ્રાહી નૈગમ'ના સંગ્રહમાં અને ભેદગ્રાહી નૈગમના વ્યવહારમાં અંતર્ભાવ કરીને નયોની મૂળ સંખ્યા છ બતાવી છે. ‘તત્ત્વાર્થ ભાષ્ય'માં નયોના મૂળ ભેદ પાંચ માનીને પછી શબ્દનયના ત્રણ ભેદ કરીને નયોના સાત ભેદ ગણાવ્યા છે. નૈગમનયના દેશ-પરિક્ષેપી અને સર્વપરિક્ષેપી ભેદ પણ ‘તત્ત્વાર્થ ભાષ્ય’માં જોવા મળે છે. આ રીતે સાત નય માનવું પ્રાયઃ સર્વસંમત છે.
૧. નૈગમનય :
સંકલ્પમાત્રને ગ્રહણ કરનાર નૈગમનય છે. જેમ કોઈ પુરુષ દરવાજા બનાવવા માટે લાકડાં કાપવા જંગલમાં જઈ રહ્યો છે. એને કોઈ પૂછે કે - “ક્યાં જઈ રહ્યા છો ?” તે જવાબ આપે છે : “દ૨વાજા લેવા જઈ રહ્યો છું.” આ દરવાજા બનાવવાના સંકલ્પમાં જ ‘દ૨વાજા’નો વ્યવહાર કરવામાં આવ્યો છે. સંકલ્પ સમાં પણ હોય છે અને અસમાં પણ. આ નૈગમનય જ પરિધિમાં અનેક ઔપચારિક વ્યવહાર પણ આવે છે. જેમ કે આજ મહાવીર જયંતી છે, ચૂલો સળગી રહ્યો છે, આ રસ્તો ક્યાં જાય છે ? આ બધા ઔપચારિક વ્યવહાર છે, કારણ કે મહાવીર તો લગભગ અઢી હજાર વર્ષ પહેલાં જન્મ્યા હતા, ચૂલો નથી સળગતો, લાકડા સળગે છે, રસ્તો નથી જતો, પથિક (યાત્રી) જાય છે. પરંતુ નૈગમનયની દૃષ્ટિમાં એ બધા ઔપચારિક કથન સત્ય છે.
‘નિગમ’ શબ્દનો અર્થ છે જનપદ અથવા ગ્રામ વગેરે. જે જનપદની જનતામાં જે શબ્દ જે અર્થના માટે નિયત (નક્કી) છે, ત્યાં એ શબ્દ અને અર્થના સંબંધને જાણવો નૈગમનય છે. શબ્દોના જેટલા અને જેવા અર્થ લોકમાં માનવામાં આવે છે, એમને માનવાની દૃષ્ટિ નૈગમનય છે. નૈગમનયની દૃષ્ટિમાં પદાર્થ સામાન્ય-વિશેષ અને ઉભયાત્મક છે. નૈગમનય ત્રણેય કાળ અને ચારેય નિક્ષેપોને માને છે. નૈગમનય ધર્મ અને ધર્મી બંનેને ગ્રહણ કરે છે. સંક્ષેપમાં બે પર્યાયોની, બે દ્રવ્યોની તથા દ્રવ્ય અને પર્યાયની પ્રધાન તથા ગૌણભાવથી વિવક્ષા કરનાર નયને નૈગમનય કહે છે. નૈગમના બે ભેદ છે - (૧) સર્વગ્રાહી અને (૨) દેશગ્રાહી. સામાન્ય અંશનો આધાર લઈને પ્રયુક્ત થનારા નયને સર્વગ્રાહી નૈગમનય કહે છે. જેમ કે ‘આ ઘટ છે.’ વિશેષ અંશનો આશ્રય લઈને પ્રયુક્ત થનારા નય દેશગ્રાહી-નૈગમનય કહે છે. જેમ કે ‘આ ઘટ ચાંદી કે સોનાનો છે.'
એક બીજી અપેક્ષાને લઈને નૈગમનયના ત્રણ ભેદ કરવામાં આવ્યા છે - (૧) ભૂતનૈગમનય, (૨) ભાવિ-નૈગમનય અને (૩) વર્તમાન-નૈગમનય. અતીત કાળના વર્તમાનકાળમાં સંકલ્પભૂત નૈગમનય છે. જેમ, આ કહેવું કે - ‘આજ મહાવીર જયંતી છે.’ અહીં આજનો અર્થ છે - વર્તમાન દિવસ, પરંતુ એમાં સંકલ્પ અઢી હજાર વર્ષ પહેલાના દિવસનો કરવામાં આવ્યો છે.
૨૫૪
જિણધમ્મો