________________
જીવે પહેલાં જે કંઈ સારાં અથવા ખરાબ કર્મ કર્યા છે, તેનાં જ શુભાશુભ ફળ પ્રાપ્ત કરે છે. કોઈ બીજું સારું-ખોટું કરે છે, જો તે માની લેવામાં આવે તો સ્વયંના કરેલ કર્મ નિરર્થક થઈ જાય છે.
આ તાત્ત્વિક વિચારધારાના કારણે સમ્યગ્દષ્ટિ જીવ ન તો કોઈના પર રુષ્ટ થાય છે અને ન તુષ્ટ થાય છે. ન તે શુભ સંયોગોમાં હર્ષવિભોર થાય છે અને ન તો તે અશુભ સંયોગોમાં દુઃખ કરે છે. તે શુભાશુભ સંયોગોને જડકર્મોની મનોજ્ઞ-અમનોજ્ઞ પરિણતિમાત્ર સમજે છે. શુભ પુદ્ગલ અશુભ પુદ્ગલ બની જાય છે અને અશુભ પુદ્ગલ શુભમાં પરિણત થાય છે. આ શુભાશુભ પરિણમન પુદ્ગલોનો સ્વભાવ છે. એમાં શું રાગ અથવા દ્વેષ કરી શકાય ? આ પ્રકારે શમભાવથી અથવા સમભાવથી સમ્યક્ત્વની ઓળખ થાય છે.
(ર) સંવેગ : સાંસારિક સુખો પર રતિભાવ ધારણ ન કરવા, સ્વપ્ન અને ઇન્દ્રજાળના સમાન ક્ષણભંગુર સંસારની સંપદા પર રાગ ન કરવો સંવેગ છે. માનવીય અને દિવ્ય સુખોમાં રતિભાવ છોડીને મોક્ષ-સુખની અભિલાષા કરવી સંવેગ છે. મોક્ષની અભિલાષા રૂપ અધ્યવસાયને સંવેગ કહે છે. સમ્યક્ત્વી આત્મા સાંસારિક સુખોથી વિરક્ત થઈ મોક્ષ-સુખની અભિલાષા રાખે છે, તેથી મોક્ષના અનિર્વચનીય સુખના પ્રતિ ઉત્કટ અભિલાષા સંવેગ છે.
(૩) નિર્વેદ : સંસારથી વિરક્તિની ભાવના રાખવી નિર્વેદ છે. આરંભ-પરિગ્રહનું અનર્થનું કારણ સમજવા અને એનાથી નિવૃત્તિ થવાય એવી અભિલાષા કરવી નિર્વેદ છે. દુ:ખ બહુલ સંસારને ભયકારી માનીને સમ્યગ્દષ્ટ આત્મા સંસારમાં રૂક્ષવૃત્તિ ધારણ કરી ઉદાસીન ભાવમાં રમણ કરે છે.
(૪) અનુકંપા : કોઈ પ્રાણીને દુઃખી જોઈને તેના પ્રતિ દયાનો ભાવ હોવો, તેના દુઃખને દૂર કરવા માટે નિઃસ્વાર્થ પ્રવૃત્તિ કરવી, તે અનુકંપા છે. કહેવાય છે -
सत्त्वं सर्वत्र चित्तस्य दयार्द्रत्वं दयावतः । धर्मस्य परमं मूलम् अनुकम्पां प्रवक्ष्यते ॥
પ્રત્યેક સમ્યક્ત્વી-ધર્માત્માના અંતઃકરણમાં ધર્મનું ઉત્કૃષ્ટ મૂળ અનુકંપા હોય છે. અનુકંપા ધર્મનું પરમ મૂળ છે. અનુકંપાથી આર્દ્ર હૃદયમાં જ ધર્મના અંકુર પ્રગટ થાય છે. જેમ આર્દ્ર કાળી માટી આદિમાં વાવેલું બીજ જ અંકુરિત થાય છે, સૂકી, પડતર જમીનમાં નાંખેલું બીજ નિષ્ફળ થાય છે. તેવી રીતે અનુકંપાથી આર્દ્ર હૃદયમાં જ ધર્મનું બીજ અંકુરિત થાય છે, કઠોર અને શુષ્ક હૃદયમાં નહિ. સમ્યક્ત્વીનું હૃદય અનુકંપાથી ઓત-પ્રોત થાય છે તેથી અંતઃકરણમાં સંસારના બધા દુ:ખી જીવોના પ્રતિ અનુકંપાનો સરસ-શીતળ પ્રવાહ પ્રવાહિત થયા કરે છે. તેથી અનુકંપાને સમ્યક્ત્વના લક્ષણના રૂપમાં સ્વીકાર કર્યો છે.
૧૪૬
જિણધમ્મો