Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૯
૩૯
પરપદાર્થથી આત્માનો સ્વભાવ જુદો છે એમ નિશ્ચય કરવા માટે થાય છે. પરપદાર્થનું એક ચિંતન તેના પ્રત્યેના આકર્ષણના કારણે થાય છે અને બીજું ચિંતન પરપદા સ્વરૂપનો વિચાર કરી, તેનાથી પાછા હટવા માટે થાય છે. મુમુક્ષુ જીવ જડ-ચેતનની ભિન્નતાનો અને સ્વતંત્રતાનો નિર્ણય કરે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એવા વસ્તુસ્વભાવનો તે સ્વીકાર કરે છે. તે વિચારે છે કે હું જ્ઞાનસ્વભાવી છું, માત્ર જાણનાર છું. શેયમાં કશે પણ રાગ-દ્વેષ કરીને અટકવાનો મારો જ્ઞાનસ્વભાવ નથી. પરમાં થતાં પરિવર્તનોનો હું માત્ર જાણનાર છું. મારો જાણનાર સ્વભાવ પરનું કાંઈ કરી શકતો નથી. જ્ઞાન સાથે મારા સ્વભાવમાં શાંતિ, આનંદ વગેરે પણ છે. ચૈતન્યસ્વભાવી આત્મા અનંત શાંતિ અને અખંડ આનંદથી ભરપૂર છે. આત્મામાં સુખ, શાંતિ, શીતળતા ભર્યા છે. તે છતાં હું દુઃખી છું તેનું કારણ માત્ર એટલું છે કે મેં પોતાને જાણ્યો નથી અને પરમાં અહ-મમ બુદ્ધિ કરી બેઠો છું. દુઃખનિવારણ તો આત્મસ્વરૂપનું અનુસંધાન કરી, તેમાં લીન થવાથી થઈ શકે છે.'
- સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ જ્ઞાનપ્રકાશમાં તે જ્યારે જાત અને જગતનું વાસ્તવિક દર્શન કરે છે ત્યારે તેને સમજાય છે કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ તેને સુખી કે દુઃખી કરી શકતાં નથી. સ્વરૂપમાં સ્થિર થવું તે સુખનું કારણ છે અને સ્વરૂપથી દૂર જવું તે દુઃખનું કારણ છે. મિથ્યા દષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે કોઈક વસ્તુ ઈષ્ટ અને કોઈક વસ્તુ અનિષ્ટ લાગે છે, પણ સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ બોધને લક્ષમાં રાખીને જોવામાં આવે છે ત્યારે સ્પષ્ટ સમજાય છે કે કોઈ પણ વસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટપણું છે જ નહીં. વસ્તુમાં જે ઇષ્ટતા કે અનિષ્ટતા દેખાય છે તે તો જીવનો દૃષ્ટિદોષ છે. વસ્તુ તો વસ્તુરૂપ છે. સારું-ખરાબ વસ્તુમાં નથી, પણ તેવી કલ્પના જીવ પોતે કરે છે. જીવ વસ્તુને પોતાની ઇચ્છા મુજબ બદલી શકતો નથી, પણ પોતાના વિકારને ચોક્કસ મટાડી શકે છે; અને એમ કરતાં દુઃખ મટે છે અને સુખની પ્રાપ્તિ થાય છે.
જેમ વસ્તુ માટે છે, તેમ વ્યક્તિ માટે પણ છે. મિથ્યા દૃષ્ટિથી જીવ એમ માને છે કે કોઈક વ્યક્તિ તેને સુખી કરે છે અને કોઈક વ્યક્તિ તેને દુઃખી કરે છે. પરંતુ આત્માર્થીને દ્રવ્યોની સ્વતંત્રતા સમજાતાં પોતાનાં સુખ-દુઃખ માટે તે બીજાને જવાબદાર ગણતો નથી. પહેલાં તે એમ માનતો હતો કે તે બીજાના કારણે સુખી-દુઃખી થાય છે, પણ હવે સમજાય છે કે સુખી-દુઃખી થવામાં પોતે જ જવાબદાર છે. કોઈ વ્યક્તિ તેને સુખી-દુઃખી કરતી નથી. સુખ કષાયના અભાવથી થાય છે અને દુઃખ કષાયની ઊપજથી થાય છે, તેથી સુખી થવાનો એકમાત્ર ઉપાય તો કષાયનો અભાવ કરવો તે જ છે.
વસ્તુ અને વ્યક્તિ જેમ સુખ-દુઃખનું કારણ નથી, તેમ કોઈ પરિસ્થિતિ પણ સુખ-દુઃખનું કારણ નથી. દ્રવ્યોની સ્વતંત્રતાનું ભાન થતાં સમજાય છે કે પરિસ્થિતિ કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org