Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષડ્દર્શનપરિચય
ઉત્તરમીમાંસા (વેદાંત) દર્શન
૬૫૯
ત્રણે વચ્ચે શુદ્ધ અભેદ છે એવું પ્રતિપાદન કર્યું. તેમના મત અનુસાર માયા કે અવિદ્યાના સંબંધ વગર જ શુદ્ધ બ્રહ્મ લીલાથી જીવ અને જગત બનાવે છે. જીવ સાથે અજ્ઞાનનો સંબંધ તેઓ માને છે અને તે દૂર કરવા ભક્તિને તેઓ અનિવાર્ય ગણે છે. ભક્તિથી નિર્મળ બનેલા શુદ્ધ જીવના શુદ્ધ બ્રહ્મ સાથેના યોગને તેઓ શુદ્ધાદ્વૈત કહે છે. આથી તેમનો મત ‘શુદ્ધાદ્વૈતવાદ’ કહેવાય છે.
પ્રવર્તક શ્રી વલ્લભાચાર્યનો જન્મ દક્ષિણ ભારતના તેલાંગ દેશમાં કાકરખંભ નામના ગામમાં ઈ.સ. ૧૪૭૯માં થયો હતો. વૈષ્ણવો માને છે કે શ્રી વલ્લભાચાર્ય અગ્નિદેવના અવતાર હતા. બાળપણથી જ શ્રી વલ્લભાચાર્યની ચેષ્ટાઓ અન્ય બાળકો કરતાં જુદા પ્રકારની હતી. છ માસના હતા ત્યારે સામે મૂકેલાં રમકડાં છોડી તેઓ પુસ્તકો ઉપાડી લેતા અને જાણે એનું લખાણ પરિચિત હોય તેમ વાંચવાનો પ્રયત્ન કરતા. વેદાભ્યાસ ઉપરાંત તેમણે વ્યાકરણ વગેરે શાસ્ત્રોનું અને દર્શનોનું તલસ્પર્શી જ્ઞાન બાર વર્ષની વય થતાં સુધીમાં પ્રાપ્ત કરી લીધું હતું. તેઓ કાશીમાં વિદ્વાનો સાથે શાસ્ત્રચર્ચા કરી પોતાના દાર્શનિક મતની કસોટી કરી જોતા. જ્યારે તેમને પોતાના સિદ્ધાંતની સચ્ચાઈ વિષે ખાતરી થઈ ત્યારે એના પ્રચાર માટે તેઓ તૈયાર થયા. કાશીથી નીકળેલા શ્રી વલ્લભાચાર્ય રસ્તામાં સ્થળે સ્થળે લોકોને એકઠા કરી કૃષ્ણભક્તિનો પ્રચાર કરતા. તેઓ વિદ્વાનો સાથે તાત્ત્વિક ચર્ચા કરી પરમ તત્ત્વને પામવા ભક્તિ જ એકમાત્ર સાધન છે એમ સાબિત કરતા અને તેમને શ્રીકૃષ્ણની ભક્તિ તરફ વાળતા. વિજયનગરમાં રાજા કૃષ્ણદેવની સભામાં તેમણે શાંકરમતનું ખંડન અને પોતાના મત(ભક્તિમાર્ગ)નું યુક્તિઓ તેમજ શાસ્ત્રપ્રમાણોથી મંડન કર્યું. શ્રી કૃષ્ણરાયે ઊભા થઈ શ્રી વલ્લભને વંદન કર્યા, વિજયમાળા પહેરાવી અને કનકાભિષેકની જાહેરાત કરી. ઉપરાંત એમને ‘મહાપ્રભુ’ તેમજ ‘આચાર્ય’ની પદવી આપી. અભિષેકની વિધિના અંતે શ્રી વલ્લભાચાર્યે રાજાને તેમજ ઉપસ્થિત પ્રજાજનોને શ્રીકૃષ્ણ: શરણં મમ' એ અષ્ટાક્ષરમંત્રનો ઉપદેશ કર્યો તેમજ તુલસીની માળા પહેરાવી. આમ, તેમણે પુષ્ટિમાર્ગની દીક્ષા આપવાનો પ્રારંભ કર્યો. તેમણે ત્રીસ વર્ષની ઉંમરમાં ત્રણ વખત ભારત ખંડની પ્રદક્ષિણા કરી હતી. ત્રીજી પરિક્રમામાં કાશીના એક બ્રાહ્મણપુત્રી મહાલક્ષ્મી સાથે તેમનું લગ્ન હજારો ભક્તો અને રાજાઓ સમક્ષ થયું હતું. ગૃહસ્થ થયા પછી પણ તેમનું ધર્મ અને ભક્તિપ્રચારનું કાર્ય જરાયે મંદ પડ્યું ન હતું. ભવ્ય વૈષ્ણવ મંદિરોનાં નિર્માણ તથા જીર્ણોદ્ધાર અને ગ્રંથલેખન વગેરે પ્રવૃત્તિ દ્વારા પુષ્ટિમાર્ગનો પ્રચાર કરતાં કરતાં કાશીમાં ઈ.સ. ૧૫૩૦માં તેમણે દેહત્યાગ કર્યો હતો.
સાહિત્ય શ્રી વલ્લભાચાર્યે ‘બ્રહ્મસૂત્ર' ઉપર સરળ છતાં ગંભીર ભાષ્ય રચ્યું, જેને ‘અણુભાષ્ય' કહે છે. શ્રી વલ્લભાચાર્યના દાર્શનિક મતનું પ્રતિપાદન મુખ્યત્વે ‘અણુભાષ્ય'માં
Jain Education International
-
–
For Private & Personal Use Only
www.jainelibrary.org