Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન
૬૬૧ બાળ શ્રીકૃષ્ણની પ્રૌઢ ગોપીઓ સાથેની પ્રેમલીલાઓને દેહની ભૂમિકાએ વિચારવી એ મનોવિકૃતિ છે. તેમના મત અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ પરબહ્મનું સગુણ (શરીરધારી) રૂપ છે અને ગોપી એ પરમાત્માને પામવા તલસતા જીવોનું પ્રતીક છે. પરમાત્મા ભક્ત જીવોને આનંદની અનુભૂતિ કરાવવા રાસ રમે છે અને ભક્તજીવરૂપી ગોપીઓ દેહભાન ભૂલીને એ આનંદની ભાગીદાર બને છે. પરમાત્માના આનંદમય રૂપનું નિત્ય સાનિધ્ય અનુભવવા માટે તલસતો જીવ, એનો લેશમાત્ર વિયોગ થતાં વ્યાકુળ થઈ જાય છે અને પરમાત્માના સંયોગ માટે કોઈ પણ દુન્યવી વિપત્તિ સહર્ષ વહોરી લે છે. એ ગોપીઓના વર્તનનો ધ્વનિ છે. બુદ્ધિના સમાધાનપૂર્વક નિર્મળ ભક્તિને રજૂ કરતી યુક્તિઓથી શ્રી વલ્લભાચાર્યે કૃષ્ણભક્તિને ઉચ્ચાસને પ્રતિષ્ઠિત કરી છે. શ્રી રામાનુજાચાર્યે ઉપાસનાપ્રધાન ભક્તિનો પુરસ્કાર કર્યો છે, જ્યારે શ્રી વલ્લભાચાર્ય અર્ચનકીર્તનમયી પ્રેમભક્તિને પ્રાધાન્ય આપ્યું છે. મોક્ષ ઉપાય – શ્રી વલ્લભાચાર્ય વિદ્વાન તર્કપ્રધાન ભક્ત હતા. તેમણે અન્ય દાર્શનિકો અને લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરી કૃષ્ણભક્તિ ઉપર તર્કસંગતિ તેમજ શાસ્ત્રસમ્મતિની મહોર મારી. તેમણે શ્રીનાથજીની પ્રતિષ્ઠા કરી તેની પૂજનવિધિ નિશ્ચિત કરી. તેમના મત મુજબ જ્ઞાનના બળ વડે પ્રભુને પામવાનું સર્વસુલભ નથી. અનેક મર્યાદાઓ તેમજ નબળાઈઓથી સંસારસાગરમાં ડૂબકાં ખાતો જીવ પરમાત્માનાં અનુગ્રહ અને કરુણા વગર ડગલું પણ આગળ ભરી શકે નહીં. અનાલંબ જીવ માટે પરમાત્માના અનુગ્રહરૂપી પુષ્ટિ જ તરણોપાય છે. શ્રી વલ્લભાચાર્યે પ્રવર્તાવેલા સંપ્રદાયને “પુષ્ટિમાર્ગ' કહેવામાં આવે છે. પાપના પરિણામે મનુષ્યનો આત્મા ક્ષીણ અને દુર્બળ બન્યો છે. એને આધ્યાત્મિક પોષણની ખૂબ જરૂર છે. આ આધ્યાત્મિક પોષણ ઈશ્વરકૃપા જ આપી શકે છે. આ પુષ્ટિમાર્ગનો સંકેત છે. શ્રીકૃષ્ણપ્રીતિ જ્યારે ઉત્કટ બને છે ત્યારે ભક્ત
જ્યાં ત્યાં સર્વત્ર શ્રીકૃષ્ણને જ જુએ છે. પરિણામે પ્રત્યેક વસ્તુ તેને માટે પ્રેમનું મંદિર બની રહે છે. સૌની સાથે તે તાદામ્ય સાધે છે. ગોપીઓને આવો અનુભવ થયો હતો. સર્વત્ર તે શ્રીકૃષ્ણને જ જોતી હતી. આનું નામ છે પરાભક્તિ. જેમ વેદાંતીઓનું બ્રહ્મજ્ઞાન, તેવી વૈષ્ણવોની - પુષ્ટિમાર્ગીઓની પરાભક્તિ. પુષ્ટિમાર્ગીઓનું અંતિમ લક્ષ્ય મુક્તિ નથી, પણ સતત શ્રીકૃષ્ણસેવન અને દિવ્ય વૃંદાવનમાં ચાલતી હરિની નિત્ય લીલાઓનું દર્શન છે. ઉપસંહાર – શ્રી વલ્લભાચાર્ય શ્રીનાથદ્વારામાં સ્વહસ્તે પ્રતિષ્ઠિત થયેલી ભગવાન વિષ્ણુની મૂર્તિના આરાધક હતા. તેઓ પરમાત્માની પ્રેમભક્તિના પુરસ્કર્તા હતા. તેમના અનુયાયીઓ બાળકૃષ્ણની પૂજા કરે છે. વૃંદાવનમાં વસી તેમણે અનેક વિદ્વાનો તેમજ ચિંતકોને ભક્તિમાર્ગે વાળ્યા હતા. અકબરે પણ તેમનાં દર્શન કરી કૃતકૃત્યતા અનુભવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org