Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પદર્શનપરિચય - સમાપન
૬૬૫ શંકરાચાર્ય તર્ક વડે જ તર્કની પ્રતિષ્ઠા કરે છે. શ્રુતિમાં પરસ્પર વિરોધ જણાય ત્યારે તર્કનો આશ્રય લેવાની વાત તેમણે કરી છે. ભારતીય દર્શનનું સ્વરૂપ ધાર્મિક છે અને તેમાં સત્યની શોધ સ્વતંત્રપણે કરવામાં આવી છે. સર્વ મતમતાંતરોને તેમાં સ્થાન મળેલ છે. ખંડન-મંડનની પ્રવૃત્તિથી સિદ્ધાંતોની પુષ્ટિ કરી તેને વ્યવહારનો પુટ આપવામાં આવ્યો છે. આમ, તર્કશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર તથા અધ્યાત્મ અને વ્યવહારુ શાસ્ત્રદષ્ટિ - બધાંનો સમાવેશ તેમાં થાય છે.
કર્મના નિયમમાં આસ્થા એ ભારતીય દર્શનનું અગત્યનું લક્ષણ છે. જગતની નૈતિક સુવ્યવસ્થાના મૂળ કારણરૂપ કર્મસિદ્ધાંતને ચાર્વાક સિવાય પ્રત્યેક દર્શન સ્વીકારે છે. ધર્માધર્મરૂપ (શુભાશુભ) કર્મફળ દ્વારા રોજિંદા જીવનની ઘટમાળનું સંચાલન થતું રહે છે. કર્મનો નિયમ સર્વને બંધનકારક છે. દરેકને પોતાનાં કરેલાં કર્મનું ફળ મળે જ છે. એ આ જન્મમાં મળે કે પછીના જન્મમાં પણ મળે. કર્માનુસાર જીવને ભિન્ન ભિન્ન શક્તિ-વાળાં શરીર અને બાહ્ય સાધનો પ્રાપ્ત થાય છે, તેમજ તે ભિન્ન ભિન્ન વાતાવરણ અને પરિસ્થિતિમાં મુકાય છે; પરંતુ પ્રાપ્ત સાધનાદિનો શું ઉપયોગ કરવો અને અમુક વાતાવરણ કે પરિસ્થિતિમાં કેવી પ્રતિક્રિયા કરવી તેમાં જીવ સ્વતંત્ર છે. જીવ પોતાના પ્રયત્નથી પૂર્વકની અસરને હળવી કે નષ્ટ કરી શકે છે. આત્મા ઉપર કર્મનું નહીં, પણ કર્મ ઉપર આત્માનું આધિપત્ય છે. કર્મના સિદ્ધાંત જોડે જ પુનર્જન્મનો સિદ્ધાંત જોડાયેલ છે. પાપ-પુણ્યનો ઉપભોગ અનિવાર્ય છે. ચાર્વાક દર્શનને બાદ કરતાં સર્વ વૈદિક-અવૈદિક દર્શનો કર્મસિદ્ધાંત અને પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવે છે.
ભારતીય ઋષિઓની વિશાળ અને સર્વતોમુખી જીવનદૃષ્ટિએ ભારતીય તત્ત્વજ્ઞાનને એકાંગી થતું બચાવ્યું છે અને એને સર્વદેશીયતા બક્ષી છે. સમગ્ર જગતમાં એક ભારત જ એવો દેશ છે કે જ્યાં પરસ્પર વિરોધી મત પણ એકીસાથે ફૂલીફાલી શકે છે. પરમસહિષ્ણુતા એ ભારતીય સંસ્કૃતિનું ભૂષણ છે. ભારતમાં સામાજિક બંધનો એટલાં તો કડક હતાં કે એને તોડવાનું કામ સહેલું ન હતું; તેમ છતાં ધાર્મિક શ્રદ્ધા પરત્વે સ્વતંત્રતા હતી. ધર્મનું બંધન સામાજિક ન હતું, પરંતુ વ્યક્તિગત હતું. તેથી તો આ ભૂમિમાં એકસાથે વૈદિક-અવૈદિક, વૈત-અદ્વૈત વગેરે વાદો અસ્તિત્વમાં આવ્યા; એટલું જ નહીં પણ પાખંડીઓ, નાસ્તિકો, ભૌતિકવાદીઓ, સુખવાદીઓ વગેરે પણ અહીં નિર્વિઘ્ન પોતપોતાની માન્યતાનો પ્રચાર કરવાની છૂટ લઈ શકતા. વિભિન્ન દાર્શનિક સિદ્ધાંતોની ક્રિયા-પ્રતિક્રિયા વચ્ચે પણ ભારતીય દર્શન સદૈવ પ્રગતિશીલ રહ્યું છે, તે એની ઉદાર, સહિષ્ણુ, વ્યાપક અને વિશાળ દષ્ટિનું દ્યોતક છે અને તેથી ભારતીય દર્શન આજ પર્યત જીવંત રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org