Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૯
૪૧
રાગાદિ પરિણામ આવવા-જવાવાળાં છે, તેથી તે મહેમાન છે. હું તો ત્રિકાળ ટકનારો ભગવાન આત્મા છું.'
આ રીતે મુમુક્ષુને આત્મા સંબંધી વિચારધારા ઊપડે છે. પોતાના જ્ઞાનસ્વભાવનો મહિમા લક્ષમાં આવ્યો હોવાથી તેને સ્વભાવ સંબંધીના વિચારોની શૃંખલા સતત ચાલે છે. પરનો રસ તૂટે અને ચૈતન્યનો રસ ઘૂંટાય એવી વિચારણા વર્તી રહી હોય છે. તેની પર પ્રત્યેની દોડ બંધ થઈ જાય છે. સુખ-શાંતિ-સલામતી શોધવા માટે તેની દૃષ્ટિ બહાર જતી નથી. બહારનું આકર્ષણ વિલીન થઈ જાય છે. તેને પોતાના શુદ્ધ અસ્તિત્વનું નિરંતર સ્મરણ રહે છે.
આ વિચારની ભૂમિકા છે, પરંતુ વિચારથી આંતરિક ઉપલબ્ધિ થઈ શકતી નથી. વિચારમાં મનની દોડ છે અને તેથી વિચારની સાથે જીવ સમગ્રરૂપે વિશ્રામમાં નહીં ઊતરી શકે. આત્માનુભવ એટલે તો પૂર્ણ વિશ્રામ પૂર્ણપણે શાંત થવું, વિરામ પામવું. જ્યાં વિચાર હોય ત્યાં વિશ્રામપૂર્ણ સ્થિતિ સંભવતી નથી, તેથી નિર્વિચાર સ્થિતિ ઉપલબ્ધ કરવાની છે. આ કહેવાનો આશય એમ નથી કે વિચાર જ ન કરો. જીવે પ્રારંભમાં વિચાર તો કરવા જ પડશે. કેવળ વિચાર કરવાથી જ આત્મા ઉપલબ્ધ નહીં કરી શકાય એ યથાર્થ રીતે સમજાવા છતાં પણ વિચાર કરવા પડશે. આરંભમાં વિચાર કરવા જરૂરી બનશે. તેને છોડી નહીં શકાય, કારણ કે તેના વડે વસ્તુતત્ત્વનો નિર્ણય કરવાનો છે. વિચારની પ્રક્રિયામાંથી પસાર થવું જ પડશે, પરંતુ ત્યાં અટકવાનું નથી, પણ તેમાંથી પસાર થઈને તેની પાર જવાનું છે. વિચારનું અતિક્રમણ કરવાનું છે. આમ, વિચાર કરવાનો છે, પરંતુ પૂરી રીતે એ જાણીને કરવાનો છે કે માત્ર વિચાર કરવાથી કંઈ થવાનું નથી. વિચાર દ્વારા તત્ત્વનિર્ણય કરી, ઉપયોગની અંતર્મુખતા દ્વારા વિચારનું પણ અતિક્રમણ કરી લક્ષ્યપ્રાપ્તિ કરવાની છે. આ જ સ્વસંવેદનની ઉપલબ્ધિનો સન્માર્ગ છે. જીવ જો આ પૃષ્ઠભૂમિને લક્ષમાં રાખીને પ્રયત્ન કરે તો તે વિચારનું અતિક્રમણ કરવામાં સમર્થ થઈ જાય છે.
આત્માર્થી જીવ વિચારના અતિક્રમણ અર્થે તેનો જ્ઞાતા રહે છે. તે વિચારોને જ્ઞાતાભાવે જુએ છે. તે અંતરમાં આગળ વધીને ઉપયોગને જ્ઞાયકતત્ત્વસન્મુખ કરે છે. તેનો ઉપયોગ આત્મા તરફ ઝૂકે છે. તેના પરિણામના પ્રવાહની દિશા સ્વભાવસન્મુખ વહે છે. તેની પરિણતિ સ્વભાવ તરફ ઉલ્લસતી જાય છે. જેમ જેમ સ્વરૂપસન્મુખતા વધતી જાય છે, તેમ તેમ આત્મા સંબંધીનું ચિંતન પણ છૂટતું જાય છે.
જેનો ઉપયોગ અંતર્મુખ થયો છે તે સાધકની માનસિક સ્થિતિ બદલાઈ જાય છે. તે કોઈ જુદી જ અવસ્થામાં પહોંચી જાય છે. તેને એક વિશિષ્ટ અવસ્થાની પ્રાપ્તિ થાય છે, જેને ધ્યાન કહે છે. ધ્યાનની આ અવસ્થામાં મન એટલું શાંત હોય છે, જેટલું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org