Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમ્યજ્ઞાન એ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે. બધાં દુઃખોનું મૂળ કારણ અજ્ઞાન કે અવિવેક છે. આ અજ્ઞાનને દૂર કરવા માટે વિવેકજ્ઞાનની જરૂર છે. વિવેકજ્ઞાન એ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે. પુરુષ પ્રકૃતિથી ભિન્ન છે, છતાં પોતાને પ્રકૃતિ સાથે ગૂંચવી નાખી, પ્રકૃતિની ક્રિયાઓને અહંકારવશ તે પોતાની માની લે છે અને એ રીતે તે સ્વયં પોતાના માર્ગમાં દુઃખ ઊભાં કરે છે. પુરુષ પોતે પ્રકૃતિથી જુદો છે એમ માનવું, એનું નામ છે વિવેકજ્ઞાન કે વિવેકખ્યાતિ. જેમ પ્રકાશથી અંધકાર નાશ પામે છે, તેમ વિવેકજ્ઞાનથી અજ્ઞાન, જે સર્વ દુઃખનું કારણ છે તે નાશ પામે છે. અહીં જે સમ્યજ્ઞાનની વાત કરી છે તે પુસ્તકલબ્ધ પરોક્ષ જ્ઞાન નહીં પણ પુરુષનો બુદ્ધિ, અહંકાર અને તન્માત્રાઓથી ભિન્ન હોવાનો અપરોક્ષાનુભવ. અપરોક્ષાનુભવ માટે સાંખ્ય શાસ્ત્ર તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાનું સૂચવે છે. તત્ત્વના ઉપદેશનું શ્રવણ કરી, તેના ઉપર મનન કરી, નિદિધ્યાસન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પુરુષ-પ્રકૃતિના ભેદનું જ્ઞાન, માત્ર સાંભળવાથી થતું નથી. આ સત્યની સાક્ષાત્ અનુભૂતિ હોવી જોઈએ કે ‘શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી હું ભિન્ન છું.' દેહ અને મનમાં જે હું બુદ્ધિ થઈ ગઈ છે તે દૂર કરવા માટે ભેદજ્ઞાનનું નિરંતર મનન અને નિદિધ્યાસન થવું જોઈએ. વસ્તુતઃ પુરુષ નથી બદ્ધ કે નથી મુક્ત અને નથી એ જન્માંતરોના ચક્રમાં. બંધન, મુક્તિ અને જન્માંતર પ્રકૃતિને જ છે. પ્રેક્ષકોનું મનોરંજન સાધી લીધા પછી જેમ કોઈ નર્તકી રંગમંચ ઉપરથી વિદાય લે છે, તેમ પ્રકૃતિ પુરુષની પાસે પોતાનું સ્વરૂપ પ્રત્યક્ષ કર્યા પછી આપોઆપ વિદાય લે છે. પ્રકૃતિ કરતાં વધુ શરમાળ સુંદરીની કલ્પના કરવી મુશ્કેલ છે. પુરુષે પોતાને જોઈ લીધી છે એમ જ્યારે એને લાગે છે, ત્યારે એટલી બધી શરમાઈ જાય છે કે પછી ફરી કોઈ વાર પોતાનું મોં તેને બતાવતી જ નથી!
આ પ્રમાણે સાંખ્યમત અનુસાર જ્ઞાન મોક્ષનો સીધો ઉપાય છે. પ્રકૃતિ અને તેની વિકૃતિઓથી પોતે સર્વથા પ્રકારે ભિન્ન છે એવું ભાન તે જ વિવેકજ્ઞાન. વિવેકજ્ઞાનથી એક ઉચ્ચ કોટિનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને સર્વ ચિત્તવૃત્તિઓનો નિરોધ થવાથી મોક્ષનો લાભ થાય છે. આમ, સાંખ્ય દર્શન જ્ઞાનને મોક્ષનો મુખ્ય ઉપાય બતાવે છે.
(V) ઉપસંહાર
સાંખ્ય દર્શન વસ્તુવાદ (realism) તથા દ્વિતત્ત્વવાદ(dualism)નું પ્રતિપાદન કરે છે. સમગ્ર જગતનું સ્પષ્ટીકરણ તે પુરુષ અને પ્રકૃતિ એવાં બે તત્ત્વો દ્વારા કરે છે. તેના પ્રમાણે સૃષ્ટિ આ બે તત્ત્વોનો જ ખેલ છે. પ્રકૃતિને જગતનું નિમિત્ત તથા ઉપાદાનકારણ માનેલ છે અને પુરુષને શુદ્ધ, ચૈતન્યસ્વરૂપ, નિત્ય તથા અવિકારી માન્યો છે. સાંખ્ય દર્શનમાં પ્રકૃતિ અને પુરુષને સ્વતંત્ર અને નિરપેક્ષ તત્ત્વો માન્યાં છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org