Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષડ્દર્શનપરિચય યોગ દર્શન
૬૧૯
આવતાં ‘ઉત્પત્તિ થઈ' એમ કહેવાય છે. આમ, ઉત્પત્તિનો અર્થ આવિર્ભાવ છે. કાર્ય કારણની અંદર અવ્યક્ત રૂપથી રહે છે. ઉપાદાનકારણમાં એક વિશેષ કાર્ય કરવાની શક્તિ રહે છે. જેમ કે માટીની અંદર ઘડો બનવાની શક્તિ રહેલી છે. આ કાર્યકારી શક્તિ કોઈ નિમિત્તકારણ દ્વારા ઉન્મુક્ત થાય છે. જેમ કે કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે. ઉપાદાનકારણમાં રહેલી શક્તિને નિમિત્તકા૨ણ ઉન્મુક્ત કરે છે. નિમિત્તકારણનું કામ આવરણ ભંગ કરવાનું છે, અર્થાત્ તે પ્રતિબંધકોને દૂર કરે છે. ઉપાદાનકારણની અવ્યક્ત શક્તિને વ્યક્ત થવામાં જે પ્રતિબંધકો હોય છે તેને દૂર કરવાનું કામ નિમિત્તકારણનું છે. જગતરૂપી કાર્યનું ઉપાદાનકારણ પ્રકૃતિ છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ એ સર્વ કાર્યોનું ઉપાદાનકારણ છે. ઈશ્વર જગતનું નિમિત્તકારણ છે, કારણ કે તે સત્ત્વ, રજસ્ અને તમની સામ્યાવસ્થાનો ભંગ કરે છે અને જે આવરણો કાર્યની ઉત્પત્તિમાં બાધા પહોંચાડે છે તેનો નાશ કરે છે. ઈશ્વર જીવોના ધર્મ અને અધર્મ અનુસાર પ્રકૃતિનાં પરિણામોના પ્રતિબંધકોને દૂર કરે છે. ઈશ્વર અને ધર્મ તથા અધર્મ ઉપાદાનકારણોની કાર્યકારી શક્તિઓને ઉન્મુક્ત કરે છે.
યોગ દર્શન સૃષ્ટિના વિકાસ તથા પ્રલયની પ્રક્રિયા બાબતમાં સાંખ્ય દર્શનની સાથે સમ્મત છે. ભેદ માત્ર એટલો જ છે કે યોગ દર્શન ઈશ્વરને પ્રકૃતિ-પુરુષનો સંયોગ કરાવી આપનાર માને છે. જડ પ્રકૃતિ અને ચેતન પુરુષનો સંયોગ-વિયોગ થવાથી સૃષ્ટિનો અનુક્રમે પ્રભવ કે પ્રલય થાય છે. પરંતુ પ્રકૃતિ અને પુરુષ બન્ને સ્વભાવતઃ ભિન્ન ભિન્ન તત્ત્વો હોવાથી તેમને જોડનાર કે છૂટા પાડનાર કોણ એ પ્રશ્ન રહે છે. સાંખ્ય દર્શન કહે છે કે આ કાર્ય આકસ્મિક બને છે, જ્યારે યોગ દર્શન આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે ઈશ્વર એ બન્ને તત્ત્વોનો સંયોગ-વિયોગ કરાવવામાં કારણભૂત છે. ઈશ્વરની પ્રેરણા વિના ન તો પ્રકૃતિનો સૃષ્ટિરૂપ વિકાસ શક્ય બને છે, ન તો પુરુષ આત્મોન્નતિ તેમજ મુક્તિ માટે યોગ્ય બને છે.
ઈશ્વર પ્રકૃતિનો કર્તા-ધર્તા-હર્તા નથી. ઈશ્વર માત્ર પ્રકૃતિને આદિ ગતિ દેવાવાળો છે. તે પ્રકૃતિની સામ્યાવસ્થાનો ભંગ કરીને સૃષ્ટિનો ક્રમ શરૂ કરાવે છે. પ્રકૃતિ જગતનું ઉપાદાનકારણ છે. ઈશ્વર પ્રતિબંધકોને હટાવીને પ્રકૃતિ પાસે વિવિધ કાર્યોની ઉત્પત્તિ કરાવે છે. જેમ એક ખેડૂત ઉપરના ખેતરમાં ભરેલા પાણીની રુકાવટને દૂર કરીને નીચેના ખેતરમાં લાવે છે, તેમ ઈશ્વર આવરણ ભંગ કરીને પ્રકૃતિ પાસે કાર્ય કરાવે છે. પાણી ઉ૫૨ના ખેતરમાંથી નીચેના ખેતરમાં સ્વયં જ આવે છે, તેમ પ્રકૃતિ પણ પોતાનાં પરિણામ સ્વયં ઉત્પન્ન કરે છે. ખેડૂત પાણીની માત્ર દિશાને જ નિર્ધારિત કરે છે, તેમ ઈશ્વર પણ કેવળ પ્રકૃતિનાં પરિણામોની દિશા જ નિર્ધારિત કરે છે. ઈશ્વર પ્રકૃતિનાં પરિણામોનું નિષ્ક્રિય નિમિત્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org