Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષદર્શનપરિચય - પૂર્વ મીમાંસા દર્શન
૬૩૫ મળતું નથી. કોઈ વાર તે વર્ષો સુધી પણ મળતું નથી. કર્મ આજે કરવામાં આવે અને તેનું ફળ ભવિષ્યમાં સ્વર્ગપ્રાપ્તિરૂપે મળે તે શક્ય કઈ રીતે બને? તે પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મીમાંસા દર્શનમાં ‘અપૂર્વ' નામના તત્ત્વની યોજના કરવામાં આવી છે. અપૂર્વ એટલે જે પહેલાં ન હતું તે. જીવે કરેલાં કર્મ એક અદષ્ટ શક્તિ' ઉત્પન્ન કરે છે જેને ‘અપૂર્વ' કહે છે. અપૂર્વ એટલે કર્મોનું શુભાશુભ ફળ - પુણ્ય કે પાપ. કર્મ લૌકિક હોય કે વૈદિક, પણ કર્મનું ફળ મળ્યા વગર રહેતું નથી. કર્મને લગતા વ્યાપક સિદ્ધાંતોનો જ એક અંશ આ અપૂર્વ સિદ્ધાંત છે. તેને કાર્યરત બનાવવા માટે ઈશ્વરની જરૂર મીમાંસા દર્શનને જણાઈ નથી. તે સ્વયંસંચાલિત છે. અપૂર્વની સત્તાનું જ્ઞાન વેદ દ્વારા થાય છે. ૨) સૃષ્ટિ વ્યવસ્થા – મીમાંસકો જગતની વસ્તુઓના ઉત્પત્તિ-વિનાશને માને છે, પરંતુ તે માટે તેઓ ઈશ્વરની કલ્પના વ્યર્થ માને છે. સંસારની બધી ચીજો પરસ્પર અવયવ સંયોગ દ્વારા અસ્તિત્વમાં આવે છે. તેને ઉત્પન્ન થવા માટે પોતપોતાનાં કારણો હોય છે. બધાં પરિણામો પ્રાકૃતિક કારણોની નીપજ છે. આથી તેની પાછળ કોઈ અલૌકિક કારણ માનવાની જરૂર નથી. વળી, પ્રત્યક્ષ, અનુમાન કે શબ્દ આદિ પ્રમાણ દ્વારા ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે નહીં. વેદ નિત્ય છે, એટલે વેદોનો પણ કોઈ કર્તા નથી.
ઈશ્વરવાદનું ખંડન કર્યું હોવા છતાં પૂર્વ મીમાંસામાં અનેક દેવોનો નિર્દેશ છે. પ્રત્યેક દેવ કોઈ વિશેષ કાર્ય કરવાનું સામર્થ્ય ધરાવે છે અને તેથી કોઈ વિશેષ કાર્ય પૂર્ણ કરવા તે તે દેવની અમુક વિધિઓ દ્વારા ઉપાસના કરી તેને પ્રસન્ન કરવાની રીતો પૂર્વ મીમાંસા બતાવે છે. ક્યારેક દેવતાઓને આહુતિઓ આપવાની હોય છે, તો ક્યારેક તેને બલિદાન આપવાની વાત પણ તેમાં છે. આમ, પૂર્વ મીમાંસામાં દેવોનું અસ્તિત્વ માત્ર વૈદિક યજ્ઞોના હેતુએ સ્વીકારવામાં આવ્યું છે. તે દેવો નિત્ય અને સર્વવ્યાપી હોવા છતાં જગતના કર્તા તરીકે સ્વીકારવામાં આવ્યા નથી.
(IV) આચારમીમાંસા
(૧) મોક્ષ
પ્રાચીન મીમાંસકોના મત મુજબ સ્વર્ગ જ જીવનનું અંતિમ લક્ષ હોવાથી તેમણે મોક્ષને કોઈ મહત્વ આપ્યું ન હતું. મહર્ષિ જૈમિનિ તથા શ્રી શબરસ્વામીએ ધર્મનાં અનુષ્ઠાનોને સ્વર્ગપ્રાપ્તિનું સાધન બતાવ્યું અને સર્વ કર્મોનું અંતિમ ઉદ્દેશ સ્વર્ગપ્રાપ્તિ કહ્યું. પરંતુ ધીમે ધીમે મીમાંસકો અન્ય ભારતીય દર્શનોની જેમ મોક્ષને જીવનનું ચરમ લક્ષ્ય તરીકે સ્વીકારવા લાગ્યા. શ્રી કુમારિલ ભટ્ટ તથા શ્રી પ્રભાકર મિત્રે મોક્ષનો ખ્યાલ - તેનાં સ્વરૂપ અને સાધનનો વિચાર સ્પષ્ટ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org