Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સત્યસંકલ્પી કહેતા હોય તો સત્યસંકલ્પી ભગવાન વડે સર્જિત કોઈ પણ પદાર્થ (અર્થાત્ જગત) કેમ મિથ્યા હોઈ શકે? તેમના મત અનુસાર સૃષ્ટિ એ સ્વયં ભગવાનની લીલા છે. સૃષ્ટિનું સર્જન કોઈ પણ પ્રયોજનાર્થે નથી, પરંતુ એ ઈશ્વરની નિત્ય વહેતી કરુણા અને આનંદની અભિવ્યક્તિ છે. પ્રકૃતિ વિશ્વનું ઉપાદાનકારણ છે. પ્રકૃતિ જડરૂપ છે, નિત્ય છે, અવ્યાપ્ત છે, પરિણામી છે, ઈશ્વરાધીન છે, તેથી હરિની ઇચ્છા અથવા હરિનું બળ કહેવાય છે. સૃષ્ટિના જન્મ પહેલાં કેવળ પ્રકૃતિ જ અસ્તિત્વમાં હતી. પછી ઈશ્વરે નિર્માણની ઇચ્છા પ્રકટ કરી અને પ્રકૃતિમાંથી સત્ત્વ, રજસ્ અને તમસૂનો સમૂહ બહાર આવ્યો તથા મહતું વગેરે સૃષ્ટિનો વિસ્તાર થતો ગયો, જે શ્રી મધ્વાચાર્યે પૌરાણિક રીતે કહ્યો છે. ઈશ્વર – શ્રી મધ્વાચાર્ય લક્ષ્મી સહિત નારાયણની ઉપાસનાના પ્રવર્તક છે. તેમના મત મુજબ ભગવાન વિષ્ણુ મુક્તિદાતા છે. મધ્વસંપ્રદાયમાં શ્રીવિષ્ણુ જ સર્વોચ્ચ તત્ત્વ છે. તેમના મત મુજબ “શ્રુતિ', ‘મૃતિ', ‘પુરાણ' આદિ સર્વેમાં વિષ્ણુને પરબહ્મ દર્શાવ્યા છે. બહ્મા, શિવ આદિથી વિષ્ણુ શ્રેષ્ઠ છે. તેઓ માયાના દોષ અને ખામીથી રહિત છે; સર્વોપરી અને અંતર્યામી છે; દેશ અને કાળ દ્વારા મર્યાદિત નથી. તેઓ અસીમ, અનંત છે; સર્વજ્ઞ, અનંતશક્તિસંપન્ન છે; અપરિમિત દિવ્ય કલ્યાણગુણોના આશ્રય છે. અનંત ગુણોથી શ્રીવિષ્ણુ પરિપૂર્ણ છે. તેમનો પ્રત્યેક ગુણ અનંત, અપરિમિત, નિરતિશય રૂપમાં છે. આ અર્થમાં બહ્મ (વિષ્ણુ) સગુણ છે. તેમના અપાર, અસીમ ગુણોની ગણના થઈ શકતી નથી એ અર્થમાં નિર્ગુણ છે. ચેતન જીવ અને અચેતન જગત એ બને ભગવાનને આધીન છે. ભગવાન તે બન્નેથી સર્વથા પૃથક્ છે. તેઓ જગતના સર્જક, પાલક અને સંહારક છે. તેઓ સૃષ્ટિનું ઉપાદાનકારણ નથી, પણ નિમિત્તકારણ છે. ભગવાન વિષ્ણુ, તેમના શ્રેષ્ઠ ઉત્તમ ભક્ત લક્ષ્મી સહિત વૈકુંઠધામમાં બિરાજમાન હોય છે. મોક્ષ ઉપાય – શ્રી મધ્વાચાર્યના મત પ્રમાણે મોક્ષનું મુખ્ય સાધન અમલા ભક્તિ છે. ભગવાનમાં મલરહિત અસાધારણ પ્રીતિ એ જ મુક્તિનો પ્રધાન ઉપાય છે. શ્રી મધ્વાચાર્ય ભગવાનની સેવા ત્રણ પ્રકારે દર્શાવે છે - ૧) ભગવાનના આયુધોની છાપ શરીર ઉપર લેવી. ૨) ઘરમાં પુત્રાદિનાં નામ ભગવાનના નામ ઉપરથી પાડવાં. ૩) દશવિધભજન, જે વાચિક, કાયિક અને માનસિક એમ ત્રણ પ્રકારે થઈ શકે છે. સત્ય બોલવું, હિતવચન બોલવું, પ્રિયભાષણ અને સ્વાધ્યાય. આ ચાર વાચિક ભજન છે. સુપાત્રે દાન, વિપન વ્યક્તિનો ઉદ્ધાર અને શરણાગતની રક્ષા. આ ત્રણ શારીરિક ભજન છે. દયા - દરિદ્રનું દુઃખ દૂર કરવું, સ્પૃહા - કેવળ ભગવાનના દાસ બનવાની સ્પૃહા તથા શ્રદ્ધા - ગુરુવચન અને શાસ્ત્રમાં વિશ્વાસ. આ ત્રણ માનસિક ભજન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org