Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષદર્શનપરિચય - યોગ દર્શન
૬૧૭
(practical) છે. સાંખ્યસિદ્ધાંતોનો વ્યાવહારિક જીવનમાં પ્રયોગ એ જ યોગનો ઉદ્દેશ છે, અર્થાત્ સાંખ્ય દર્શને પ્રકૃતિ-પુરુષનો વિવેક ક૨વાનો બતાવ્યો છે, તે વિવેક કઈ રીતે કરવો તે યોગ દર્શનમાં દર્શાવેલ છે. ચિત્તની ઉચ્છંખલ વૃત્તિ એ અવિવેકનું મૂળ છે અને તેથી તે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો જરૂરી છે એમ મહર્ષિ પતંજલિ કહે છે. તેઓ ચિત્તનિરોધની રીતો પણ બતાવે છે. સાંખ્યમત પ્રમાણે જ્ઞાન એ મુક્તિનો એકમાત્ર માર્ગ છે. મોક્ષપ્રાપ્તિ માટે પ્રકૃતિ અને પુરુષનું યથાર્થ જ્ઞાન મેળવવું જોઈએ. યોગ મનની એકાગ્રતા, યૌગિક પ્રક્રિયાઓ અને બૌદ્ધિક તેમજ નૈતિક શિસ્ત વડે આત્માના વિકાસ ઉપર ભાર મૂકે છે. ટૂંકમાં સાંખ્ય દર્શન જ્ઞાનનું પ્રતિપાદન કરે છે, જ્યારે યોગ દર્શન કર્મમાં, મનની શિસ્તમાં તથા ભક્તિયુક્ત સાધના કરવામાં માને છે અને તેથી જ તેને ઈશ્વરની જરૂર જણાઈ છે.
સાંખ્ય દર્શને ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્યું ન હોવાથી તે નિરીશ્વરવાદી' મનાય છે, જ્યારે મહર્ષિ પતંજલિના યોગ દર્શનમાં ૨૬મા તત્ત્વ તરીકે ઈશ્વરનો સ્વીકાર કર્યો હોવાથી તેને સેશ્વરવાદી સાંખ્ય' પણ કહેવામાં આવે છે.
(II) પ્રમાણમીમાંસા
યોગ દર્શન અનુસાર જ્યારે પ્રમાણવૃત્તિ પુરુષમાં પ્રતિબિંબિત થઈ, જે અર્થનું રૂપ અર્પણ કરે છે તે પ્રમાણનું ફળ પ્રમા સત્યજ્ઞાન કહેવાય છે. પ્રમાણવૃત્તિ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ત્રણ પેટા પ્રકારવાળી હોય છે. જેવો અર્થ છે તેવું ભાન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા કરે, જેમ કે ચાક્ષુષજ્ઞાન તે પ્રત્યક્ષપ્રમાણ. જ્યારે કોઈ લિંગ વડે એ લિંગીનું ભાન થાય, જેમ કે પર્વત વદ્ધિમાન છે, કેમ તેમાં ધૂમ જણાય છે વાક્યમાં ધૂમરૂપ ચિહ્ન વડે અગ્નિરૂપ લિંગીનું ભાન, સત્ય ઉદય થાય છે તે અનુમાનપ્રમાણ. આપ્તવાક્ય વડે ઉત્પન્ન થનારું સત્યજ્ઞાન તે આગમપ્રમાણ. પ્રમાણો જેવાં કે ઉપમાન, અર્થપત્તિ, અનુપલબ્ધિ વગેરેને સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્થાન નથી, પરંતુ તેને ઉપરનાં ત્રણે પ્રમાણોમાં સમાવી લેવામાં આવ્યાં છે.૧
અન્ય
(III) તત્ત્વમીમાંસા
(૧) આત્મા વિષે વિચાર
યોગ દર્શન અનુસાર જીવ સ્વતંત્ર પુરુષ છે, જે સ્થૂળ શરીર તેમજ સૂક્ષ્મ શરીર (ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને અહંકાર) સાથે સંબંધિત છે. જીવ સ્વભાવથી શુદ્ધ ચૈતન્ય૧- સાંખ્ય દર્શન અને યોગ દર્શનની પ્રમાણમીમાંસા બહુ મળતી હોવાથી તેનું વિસ્તૃત વિવેચન ‘સાંખ્ય દર્શન’ અંતર્ગત પ્રમાણમીમાંસાના વિભાગમાં જોઈ લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org