Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આસ્તિક દર્શનની માફક સાંખ્ય દર્શન પણ દુઃખમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટે મૂલ્યવાન ઠરે છે. સાધકને તે જીવનનું પરમ લક્ષ્ય - મોક્ષનો પરમ માર્ગ બતાવે છે. સાંખ્ય દર્શનનું તર્કમૂલક વિવેચન દાર્શનિકોમાં પણ પ્રશંસાપાત્ર બનેલ છે. તેનું તત્ત્વવિશ્લેષણ પણ દૂરગામી અને તલસ્પર્શી છે. સાંખ્યસૂત્રકાર શ્રી કપિલ મુનિ, તેમની સૂકમ શાસ્ત્રસાહિણી વિવેકબુદ્ધિના કારણે જ દર્શનજગતમાં “આદિ વિદ્વાન'નું બિરુદ પામેલ છે.
તત્ત્વશોધનના વિષયમાં સાંખ્ય દર્શનનો ફાળો નિઃસંશય ઘણો વિશેષ છે. કોઈ પણ પ્રયોગશાળા કે યંત્રની મદદ વગર પણ મનુષ્ય કેવળ પોતાની ઇન્દ્રિયોની મદદથી કેટલું ઊંડું અવલોકન અને સૂક્ષ્મ વિચાર કરી શકે છે અને બ્રહ્માંડના સ્વરૂપને લગતો સ્પષ્ટ, બુદ્ધિગમ્ય નિશ્ચય કરાવી શકે છે તેનું સાંખ્યશાસ્ત્ર એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
વેદાંત દર્શન અને સાંખ્ય દર્શનના દૃષ્ટિબિંદુઓ વિચારતાં એમ જણાયા વિના નહીં રહે કે વેદાંત દર્શને સાંખ્ય દર્શનના અંતિમ નિર્ણયનું ખંડન કર્યું એ વાત સાચી, પરંતુ તેણે સાંખ્ય દર્શનના સિદ્ધાંતને સર્વથા ઉત્થાપ્યો નથી, પણ તેને વિશેષપણે સંશોધિત કર્યો છે. તત્ત્વોનું સ્વરૂપ તપાસતાં પુરુષ અને પ્રકૃતિ એવાં બે મૂળભૂત તત્ત્વો છે એવો સાંખ્યમત છે. વેદાંત દર્શનનો મત યોગ્ય રીતે દર્શાવવામાં આવે તો એટલો જ થાય કે એ બે તત્ત્વોનાં સ્વરૂપને પણ વધારે ઊંડાણથી વિચારતાં એ શક્તિઓ જુદી નથી, પણ તે એક જ શક્તિ છે અને જગત એક જ તત્ત્વનું બનેલું છે એવો નિર્ણય થાય છે. શ્રી રામાનુજાચાર્ય ચિત્ અને અચિત્ને તદ્દન ભિન માનીને તેને બ્રહ્મનું શરીર માને છે અને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને ઉપદેશે છે. સાંખ્ય દર્શનના પ્રકૃતિ-પુરુષ અને ચિત્-અચિત્ વચ્ચે ઝાઝો તફાવત જણાતો નથી. શુદ્ધાદ્વૈતના પ્રતિપાદક શ્રી વલ્લભાચાર્ય પણ બહ્મની કારણકોટિ સમજાવતાં ૨૮ તત્ત્વોનો સ્વીકાર કરે છે, જે સાંખ્ય દર્શનને મળતાં આવે છે. આમ, સાંખ્ય દર્શનની અસર વેદાંત દર્શનની વિવિધ દાર્શનિક શાખાઓ ઉપર પડેલી સ્પષ્ટપણે દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org