Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પદર્શનપરિચય - સાંખ્ય દર્શન
૬૧૩ સાંખ્ય દર્શન પુરુષ તેમજ પ્રકૃતિ - બન્નેનું સ્વરૂપ, બન્નેનો પરસ્પર સંબંધ, હેતુલક્ષી વિકાસવાદ, મોક્ષની કલ્પના વગેરે પ્રશ્નોનું નિરાકરણ સફળતાપૂર્વક કરી શક્યું નથી એવો કેટલાક વિદ્વાનોનો મત છે.
સાંખ્ય દર્શનમાં થયેલ ‘પ્રકૃતિતત્ત્વ'ના નિરૂપણમાં કેટલીક ક્ષતિઓ રહેલી છે. સાંખ્ય દર્શન પ્રકૃતિને સ્વતંત્ર તથા નિરપેક્ષ માને છે. પરંતુ તેની સ્વતંત્રતા તથા નિરપેક્ષતા અનેક સ્થળે જોખમાય છે. વળી, સંસારના નિમિત્ત તેમજ ઉપાદાનકારણરૂપે પ્રકૃતિને સક્રિય તથા નિરંતર પરિવર્તનશીલ કહી છે, પરંતુ સાથે સાથે તેને અચેતન કે જડ માની છે. આ વાત તર્કસંગત નથી. વેદાંતીઓ સાંખ્ય દર્શનના પ્રકૃતિતત્ત્વની ટીકા કરતાં કહે છે કે પ્રકૃતિને એક બાજુ સગુણ પણ માનવી અને બીજી બાજુ તેને સ્વતંત્ર તથા નિત્ય માનવી એ યોગ્ય નથી. જે વસ્તુ સગુણ હોય તે અવશ્ય નાશવંત હોય.
સાંખ્ય દર્શને સ્વીકારેલ બીજા તત્ત્વ પુરુષ' અંગેના ખ્યાલમાં પણ પ્રકૃતિની માફક કેટલીક વિસંગતિઓ રહેલી છે. સાંખ્ય દર્શન જગતને સત્ય માને છે અને સાથે સાથે પુરુષના નિત્યમુક્ત સ્વભાવને પણ સત્ય માને છે. સાંખ્ય દર્શને પારમાર્થિક અને વ્યાવહારિક એવા બે પુરુષની કલ્પના કરવી જોઈતી હતી. સાંખ્ય દર્શન સાંસારિક જીવ (ભોક્તા પુરુષો અને ગુણાતીત, નિષ્ક્રિય, દ્રષ્ટા પુરુષના વર્ણનમાં ક્યારેક સેળભેળ કરે છે.
એક બાજુથી પ્રકૃતિ અને પુરુષને સ્વતંત્ર તથા નિરપેક્ષ માનવાં અને બીજી બાજુથી ‘વિશ્વના વિકાસક્રમ માટે તેમનો સંયોગ માનવો એ તર્કયુક્ત નથી. પ્રકૃતિપુરુષના સંયોગ માટે કોઈ ત્રીજું જ તત્ત્વ માનવું પડે છે કે જે દ્વારા બન્નેનો સંબંધ યોજાય. પરંતુ સાંખ્ય દર્શનને આવું કોઈ ત્રીજું તત્ત્વ મંજૂર નથી.
- ત્રિવિધ તાપથી છૂટવા રૂપ “મોક્ષ ની જે કલ્પના સાંખ્ય દર્શન રજૂ કરે છે તે નિષેધાત્મક છે. મોક્ષાવસ્થામાં સાત્ત્વિક આનંદ પણ રહેતો નથી, કારણ કે સત્ત્વ પણ વિકાર છે, ગુણોનું પરિણામ છે. પરંતુ સાંખ્યમતવાદીઓને ભૌતિક સુખ અને નિજાનંદનો અર્થ સ્પષ્ટ હોય એમ લાગતું નથી. શાશ્વત સુખ અને ક્ષણિક ભૌતિક સુખ બન્ને એક નથી. સાંખ્ય દર્શનનો મોક્ષનો સિદ્ધાંત પણ તર્કસંગત નથી.
આમ, વિવેચનાત્મક દૃષ્ટિએ જોતાં સાંખ્ય દર્શનમાં અનેક શંકાસ્થળો છે, જેનું યોગ્ય સમાધાન સાંપડતું નથી. તેના આપેલા ખુલાસાઓ તાત્ત્વિક દૃષ્ટિએ સંતોષકારક જણાતા નથી.
સાંખ્ય દર્શનની ટીકા થઈ છે એનો અર્થ એવો નથી કે તે દર્શનનું કશું મૂલ્ય જ નથી. આત્મોન્નતિ તથા મુક્તિના સાધનરૂપે તેનું મૂલ્ય કાંઈ ઓછું નથી. કોઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org