Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૪૨
૩૫૯
અરિહંત ભગવાનની દેહ છતાં દેહાતીત દશા આત્મસિદ્ધિ માટે મુમુક્ષુ જીવને પરમ અવલંબનભૂત છે.
આત્મસિદ્ધિના કારણરૂપ એવા અરિહંત ભગવાનનું અંતરંગ પરિણમન અલૌકિક છે, વંદનીય છે. દેહથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો નિરંતર અનુભવ કરતા હોવાથી તેઓ મુક્ત જ છે, તેથી પરમ ભક્તિથી બહુમાન કરવા યોગ્ય છે. માટે શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અંતમંગળ કરતાં તેમના ચરણોમાં અગણિત નમસ્કાર કર્યા છે.
સંપૂર્ણ દેહાતીત દશા તો તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકે હોય છે, પરંતુ ચોથા ગુણસ્થાનકથી જ તે દેહાતીત દશાનો પ્રારંભ થઈ જાય છે. સમ્યગ્દર્શન થતાં જ દેહાદિમાં રહેલી તાદાત્મ્યબુદ્ધિ નિવૃત્ત થાય છે. જીવ જ્યારથી દેહાધ્યાસના સંસ્કારોનો વિલય કરવા માંડે છે ત્યારથી દેહાતીત દશાની શરૂઆત થઈ જાય છે. દેહાતીત દશાની પ્રાપ્તિ અર્થે ઉગ્ર પુરુષાર્થ કરવો ઘટે છે, કારણ કે જીવના દેહાત્મબુદ્ધિના સંસ્કારો ખૂબ પ્રગાઢ હોય છે. તેણે અનાદિ કાળથી ક્યારે પણ આત્મામાં પોતાપણું સ્થાપિત કર્યું નથી. તે તો સંયોગ સંબંધે મળેલ દેહને જ પોતાનું અસ્તિત્વ માને છે.
જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા દેહરૂપી દેવળમાં રહે છે. સંયોગ સંબંધે તે જે દેહમાં રહે છે, તે દેહ સાથેનો તેનો સંબંધ અલ્પજીવી હોય છે. કોઈનો દેહ કાયમ માટે રહેતો નથી. તેનો વિયોગ થઈને જ રહે છે. સંયોગ સંબંધે પ્રાપ્ત થયેલ દેહ પ્રત્યે જીવને જે પ્રારબ્ધ હોય છે, તે વ્યતીત થતાં તે દેહનો પ્રસંગ નિવૃત્ત થાય છે. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં અજ્ઞાની જીવ દેહને પોતાનો જાણે છે. મોહમૂઢ જીવ દેહ મારો છે' એવું મમત્વ કરે છે. તે દર્શનમોહના ઉદયને આધીન થઈ દેહમાં મમત્વ કરે છે. તેને પોતાને પ્રાપ્ત થયેલ દેહમાં સર્વ કરતાં અધિક સ્નેહ રહે છે. ‘હું દેહ છું, દેહ મારો છે' એ આધારશિલા ઉપર જ તેનો સમગ્ર વ્યવહાર ચાલતો હોય છે. તે દેહમાં રહીને અનેક કલ્પનાઓથી દુ:ખી થતો રહે છે. દેહાસક્તિના કારણે તેને દુઃખ, સંતાપ, ઉદ્વેગ, ભયાદિ ઊપજે છે.
અજ્ઞાની જીવ પોતાને દેહરૂપ માને છે, પરંતુ આત્મા કંઈ દેહરૂપ થઈ જતો નથી. ભગવાન આત્મા દેહદેવાલયમાં બિરાજમાન છતાં દેહરૂપ થયો નથી. આશ્ચર્ય અને આનંદની વાત છે કે દેહના સંયોગમાં અનાદિથી રહ્યો હોવા છતાં, દેહની સાથે અનંત કાળ ગાળ્યો હોવા છતાં તે દેહરૂપ અનાત્મરૂપ નથી થયો, ચૈતન્યરૂપ - આત્મારૂપ જ રહ્યો છે. જેમ દર્પણની સામે કોઈ વસ્તુ આવે છે ત્યારે દર્પણ અચૂકપણે તેનું પ્રતિબિંબ પાડે છે. દર્પણમાં તે વસ્તુનું પ્રતિબિંબ પડતું હોવા છતાં દર્પણ તે વસ્તુરૂપ બની જતું નથી, દર્પણ તો દર્પણ જ રહે છે. એ જ રીતે જ્ઞાનમાં દેહનું તો માત્ર પ્રતિબિંબ જ પડે છે. આત્મા કાંઈ દેહરૂપ બની જતો નથી. આત્મા સદૈવ જ્ઞાનરૂપ જ રહ્યો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org