Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પપર
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ‘માધ્યમિક કારિકા' નામની કૃતિ આ મતની આધારશીલા ગણાય છે. આ મતના અન્ય આચાર્યોમાં શ્રી આર્યદેવ, શ્રી બુદ્ધપાલિત, શ્રી ચંદ્રકીર્તિ, શ્રી શાંતિદેવ, શ્રી શાંતરક્ષિતનું નામ લેવામાં આવે છે. શ્રી અશ્વઘોષ પણ શૂન્યવાદના સમર્થક હતા.
(II) પ્રમાણમીમાંસા
બૌદ્ધમત પ્રત્યક્ષ અને અનુમાનજન્ય જ્ઞાનને જ પ્રમાણ કહે છે. આથી પ્રત્યક્ષ અને અનુમાન એમ બે પ્રકારના પ્રમાણો તેઓ સ્વીકારે છે. આ બન્ને પ્રમાણો દ્વારા સમ્યજ્ઞાન થાય છે અને તે વડે જ સર્વ પુરુષાર્થની સિદ્ધિ થાય છે એવો તેમનો મત છે. ચાર્વાકમતવાદીઓ માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ તરીકે સ્વીકારે છે. જ્યારે બૌદ્ધમતવાદીઓ પ્રત્યક્ષ ઉપરાંત અનુમાનને પણ પ્રમાણભૂત, એટલે કે વિપરીત નહીં એવા અવિસંવાદી જ્ઞાન તરીકે સ્વીકારે છે.
પ્રત્યક્ષ વિષયથી જે ભિન્ન તે બધો પરોક્ષ વિષય છે. એટલે વિષયમાત્રનું વૈવિધ્ય જ થયું અને વિષયકૈવિધ્ય થયું એટલે જ્ઞાન પણ દ્વિધા જ થાય, ન્યૂનાધિક થાય નહીં. જે પરોક્ષાર્થવિષયક પ્રમાણભૂત જ્ઞાન છે, તે પોતાથી સાધવાનો જે ધર્મી, તેની સાથે સંબંધિત એવા અન્ય ધર્મથી સામાન્ય પ્રકારે કરીને થાય છે અને એમ તે પરોક્ષાર્થની પ્રતિપત્તિ કરાવે છે. એ જ્ઞાન અનુમાનમાં સમાય છે. એટલે પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ સિદ્ધ છે. બૌદ્ધમત પ્રમાણે પ્રત્યક્ષ અને અનુમાનનું ક્ષેત્ર પરસ્પર તદ્દન ભિન્ન હોવાથી પ્રત્યક્ષનો વિષય એ અનુમાનનો વિષય બની શકતો નથી તથા અનુમાનનો વિષય એ પ્રત્યક્ષનો વિષય બની શકતો નથી. વળી, બૌદ્ધો આ બન્ને સિવાય અન્ય કોઈ પ્રમાણ સ્વીકારતા નથી. તેમના મત અનુસાર પ્રત્યક્ષપ્રમાણ સિવાયનાં બધાં પ્રમાણ જેવાં કે ઉપમાન, શબ્દ, અભાવ, યુક્તિ, સંભવ વગેરે બધાં એક કે બીજા રૂપમાં અનુમાન ઉપર જ આધારિત છે. તેથી પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ છે એમ તેમનું કહેવું છે.
બૌદ્ધમત અનુસાર પ્રત્યક્ષ જ્ઞાન કલ્પના તથા ભાંતિથી રહિત હોય છે. પ્રત્યક્ષ જ્ઞાનના ચાર પ્રકાર છે – (૧) ઇન્દ્રિયજ્ઞાન – જે ઇન્દ્રિયો વડે પ્રાપ્ત થાય છે. (૨) મનોવિજ્ઞાન – મનોવિજ્ઞાન વિષય તથા વિજ્ઞાન એમ બન્ને દ્વારા ઉત્પન્ન થાય છે. (૩) આત્મસંવેદના – ચિત્ત તથા સુખ-દુઃખ વગેરેનું પોતાના સ્વરૂપમાં પ્રગટ થવું તે. આ આત્મસાક્ષાત્કારી, નિર્વિકલ્પ તથા અભાંત જ્ઞાન છે. (૪) યોગિજ્ઞાન – પ્રમાણો દ્વારા ઇષ્ટ અર્થનું ચરમ સીમા સુધીનું જ્ઞાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org