Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પ્રદર્શન પરિચય - ન્યાય દર્શન
૫૮૧
જગત એક નિપ્રયોજન યંત્ર નથી. કારણના નિયમની સાથે સાથે કર્મના નિયમ પણ જગતનું શાસન કરે છે. જગતની સર્વ ઘટનાઓ કારણની સાથે સાથે ધર્માધર્મના નિયમનું પણ પાલન કરે છે. ન્યાય દર્શન જગતને નૈતિક પ્રયોજનનું સાધક માને છે. કારણનો નિયમ કર્મના નિયમ અથવા નૈતિક નિયમને આધીન છે. ઈશ્વર ભૌતિક વ્યવસ્થાને નૈતિક વ્યવસ્થાને આધીન રાખે છે. ઈશ્વર પ્રકૃતિને આધ્યાત્મિક પ્રયોજન અનુસાર ચલાવે છે.
ન્યાય દર્શન સેશ્વર પરમાણુવાદ(theistic atomism)ને માને છે. તે નિત્ય પરમાણુઓને પણ માને છે અને ઈશ્વરને પણ માને છે. આ બન્નેનું અસ્તિત્વ પરસ્પર આશ્રિત નથી. ન્યાય દર્શન સૃષ્ટિના પ્રભાવ અને પ્રલયને પણ સ્વીકારે છે. (૩) ઈશ્વર વિષે વિચાર
ન્યાય દર્શન સેશ્વરવાદી છે. મહર્ષિ ગૌતમનાં ન્યાયસૂત્રોમાંથી ઈશ્વરના અસ્તિત્વ અંગે માત્ર આછો ખ્યાલ મળે છે. તેમણે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા કોઈ સભાન પ્રયત્ન કર્યો જણાતો નથી. તે છતાં ન્યાયસૂત્રો ઉપરના ભાષ્ય રચનારાઓએ એવાં ઘણાં સૂત્રો ટાંકી એમ બતાવવા પ્રયત્ન કર્યો છે કે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માન્ય કરે છે. ખાસ કરીને ઉત્તરકાલીન નૈયાયિકોએ ઈશ્વરના અસ્તિત્વ અંગે ઘણી વિશદ ચર્ચાઓ કરેલી છે. તેમના મત અનુસાર કોઈ પણ વ્યક્તિને સત્તત્ત્વોનું જ્ઞાન મેળવવા માટે તેમજ પદાર્થોનું સમ્યજ્ઞાન મેળવવા માટે તથા નિઃશ્રેયસ(મોક્ષ)ની પ્રાપ્તિ અર્થે ઈશ્વરના અનુગ્રહની જરૂર રહે છે. ઈશ્વરની કૃપા વગર ન તો જ્ઞાનપ્રાપ્તિ શક્ય છે, ન તો મોક્ષપ્રાપ્તિ. ઈશ્વર જગતનો સર્જક છે. તે જગતનું નિમિત્તકારણ છે, ઉપાદાનકારણ નથી. તે અનંત અને સર્વશક્તિમાન છે, ઐશ્વર્યયુક્ત અને અનાસક્ત છે. તેમણે ઈશ્વરને પરમાત્મા કહ્યો છે. ન્યાય દર્શનમાં જીવાત્મા અને પરમાત્મા એમ આત્માનાં બે રૂપો નિરૂપાયેલાં છે. જીવાત્માઓ અનેક છે અને પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન છે. પરમાત્મા એક છે, નિત્ય છે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન તથા સર્વવ્યાપક છે. ઈશ્વર અનંત ગુણોથી યુક્ત છે, જેમાં છ ગુણો પ્રધાન છે - આધિપત્ય (ઐશ્વર્ય), વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આથી ઈશ્વરને પકૈશ્વર્યયુક્ત કહે છે. આ ગુણો ઈશ્વરમાં પૂર્ણપણે વ્યાપ્ત છે. ઈશ્વર જ્ઞાન, ગુણ, ઇચ્છા અને યત્નથી રહિત નથી; પરંતુ માત્ર સુખ, દુઃખ, ગમા, અણગમાથી રહિત છે અને તેથી હંમેશાં પ્રવૃત્તિશીલ હોવા છતાં તે કદી કોઈ પણ પ્રવૃત્તિ સ્વાર્થથી કરતો નથી.
ઈશ્વર જગતકર્તા છે. તે આ સૃષ્ટિના સર્જનહાર દેવ છે, તેમજ પ્રલયકારી પણ તે જ છે. તે સૃષ્ટિને જાળવી રાખે છે અને વિશ્વનો તે પ્રયોજનકર્તા છે. અવિનાશી એવા પદાર્થો - અણુઓ, આકાશ, કાળ, દિશા, મન અને આત્મામાંથી તે સૃષ્ટિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org