Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
વૈશેષિક દર્શન
(I) પ્રાસ્તાવિક
(૧) દર્શન પરિચય
વૈશેષિક શબ્દના મૂળમાં ‘વિશેષ' શબ્દ છે. આ દર્શન સાત પ્રકારના પદાર્થોને માને છે, જેમાં એક વિશેષ નામનો પદાર્થ છે. વિશેષ' નામક પદાર્થના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવતું હોવાથી તે ‘વૈશેષિક' તરીકે ઓળખાય છે. કેટલાકના મત અનુસાર આ દર્શન અન્ય દર્શનોથી વિશેષ અથવા વિલક્ષણ હોવાના કારણે વૈશેષિક કહેવાય છે. કેટલાક વિશેષનો અર્થ જુદાપણું અથવા ભેદ કરે છે. આ દર્શન વિશ્વના મૂળમાં અભેદ(એકત્વ)ને નહીં પણ ભેદ(અનેકત્વ)ને માનતું હોવાથી તેને વૈશેષિક કહેવાય છે.
ન્યાય દર્શનની જેમ વૈશેષિક દર્શન પણ વસ્તુવાદી (realistic) છે. તે માત્ર ઈશ્વરનું જ અસ્તિત્વ નહીં, કિંતુ અનેક જીવાત્માઓ તેમજ પરમાણુઓનું પણ અસ્તિત્વ સ્વીકારે છે. આથી વૈશેષિક દર્શનને બહુત્વવાદી (pluralistic) પણ કહેવામાં આવે છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક
વૈશેષિક દર્શનના આદ્ય પ્રવર્તક મહર્ષિ કણાદ છે. તેઓ શિવધર્મી અથવા પાશુપતમતના હતા. તેમના પિતાનું નામ શ્રી ઉલૂક ઋષિ હતું. તેમના ગુરુનું નામ શ્રી સોમશર્મા હતું. કાઠિયાવાડના પ્રભાસપાટણના તેઓ વતની હતા. મહર્ષિ કણાદ વિષે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. તેઓ આખો દિવસ આધ્યાત્મિક ચિંતનમાં એટલા ડૂબેલા રહેતા કે તેમને ભોજનના સમયનું પણ ભાન રહેતું નહીં. જ્યારે તેઓ તેમાંથી જાગૃત થતા ત્યારે પોતાની સુધા સંતોષવા બાજુના ખેતરમાં જઈ વેરાયેલા અનાજના કણથી ભૂખ સંતોષતા, આથી તેમને ‘કણભુકુ' પણ કહે છે. અન્ય દંતકથા એવી પણ છે કે શિવજીએ ઉલૂક(ઘુવડ)નું રૂપ લઈ તેમને પરમાણુવાદ જણાવ્યો હતો, તેથી તેમના દર્શનને ‘ઔલૂક્ય' દર્શન પણ કહે છે. દિવસે તત્ત્વચિંતનમાં રચ્યાપચ્યા રહેવું અને રાત્રે ઘુવડની જેમ ખોરાકની શોધ કરતા હોવાથી શ્રી કણાદ મુનિને ઉલૂક નામ અપાયું હોય એમ કેટલાક માને છે. તેમના જીવન વિષે વિશેષ માહિતી મળતી નથી. શાસ્ત્રો તેમને ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં મૂકે છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ આ દર્શન ઈ.સ. પૂર્વે ૬૦૦ વર્ષ જૂનું છે. (૩) સાહિત્ય
મહર્ષિ કણાદરચિત વૈશેષિક સૂત્રો એ આ દર્શનનું મૂળ અને આધારભૂત સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org