Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
(iii) જ્ઞાતૃત્વમાં બુદ્ધિ, ધર્મ, અધર્મ અને સંસ્કાર (knowing)
વૈશેષિક દર્શન પ્રમાણે આત્મા અનેક છે અને પ્રત્યેક આત્મા વિભુ તેમજ નિત્ય છે. શરીરભેદે ભિન્ન એવા અનંત જીવ દ્રવ્યોનો વૈશેષિક દર્શન સ્વીકાર કરે છે. પરંતુ જૈન દર્શનની જેમ તેનામાં સંકોચ-વિસ્તારશીલતા ન સ્વીકારતાં, સાંખ્ય-યોગપરંપરાની જેમ આત્માને સર્વવ્યાપી માને છે. વૈશેષિક દર્શન પ્રમાણે આત્મા વ્યાપક હોવાથી તે ગમનાગમન કરી શકતો નથી; પરંતુ પ્રત્યેક આત્માને એક પરમાણુરૂપ મન હોય છે અને એ મન એક દેહનો સંયોગ પૂરો થતાં જ્યાં દેહાંતર થવાનું હોય ત્યાં ગતિ કરીને જાય છે. મનનું આ સ્થાનાંતર એ જ આત્માનો પુનર્જન્મ છે. વૈશેષિકમત પ્રમાણે પુનર્જન્મનો અર્થ આત્માનું સ્થાનાંતર નહીં પણ તેના મનનું સ્થાનાંતર છે. આ રીતે વૈશેષિકપરંપરા પ્રકૃતિજન્ય એવું સૂક્ષ્મ શરીર ન માનતાં, નિત્યપરમાણુરૂપ મનને જ ગતિશીલ માની પુનર્જન્મની વ્યવસ્થા કરે છે.
(૨) વિશ્વ વિષે વિચાર
ભારતીય દર્શનપરંપરાની બધી ધારાઓએ જગતની ઉત્પત્તિ બાબત વિચારણા કરી છે, કોઈએ જગતની ઉત્પત્તિમાં પ્રકૃતિને કોઈએ પ્રકૃતિવિશિષ્ટ પરમાત્માને કારણ માન્યાં છે. શ્રી કણાદ મુનિએ ઘોષણા કરી કે જગતની રચના પ્રકૃતિથી નહીં પણ પરમાણુઓથી થયેલી છે. વૈશેષિકોનો આ સુપ્રસિદ્ધ પરમાણુવાદ છે.
વૈશેષિક દર્શનનો પરમાણુવાદ કાલાવધિમાં ઉત્પન્ન થતા તેમજ નાશ પામતા એવા અનિત્ય પદાર્થોને લગતો છે, કારણ કે જગતના નિત્ય પદાર્થો, જેવાં કે આકાશ, કાલ, દિક્, મન, આત્મા તેમજ ભૌતિક પરમાણુઓ નથી ઉત્પન્ન થતાં કે નથી તેનો નાશ થતો. અણુઓનો સંયોગ એટલે કાર્યદ્રવ્યોની ઉત્પત્તિ અને તેનો વિચ્છેદ એટલે કાર્યદ્રવ્યોનો નાશ. પરમાણુવાદનો ઉદ્દેશ અનિત્ય પદાર્થોની આ સૃષ્ટિનો ક્રમ અને લય બતાવવાનો છે. જગતની જે સાવયવ વસ્તુઓ છે તેનો ઉત્પાદ અને વિનાશ થતો જ રહે છે. કોઈ પણ અવયવી પદાર્થનો વિભાગ કરતાં છેવટનું જે અવિભાજ્ય મૂર્તરૂપ રહે, તેનું નામ પરમાણુ. પરમાણુ નિત્ય દ્રવ્ય છે. પૃથ્વી, જળ, તેજ અને વાયુનાં પરમાણુ જુદાં જુદાં હોય છે. પરમાણુ શબ્દ પરમ તથા અણુ એમ બે શબ્દોનો બનેલો છે. અણુ એટલે સૂક્ષ્મ અને પરમ એટલે અતિ સૂક્ષ્મ. પરમાણુઓ નિરવયવ તેમજ નિત્ય હોવાથી તેનો નાશ સંભવિત નથી, તે અવિચ્છેદ તેમજ અવિનાશી છે. નાશ સાવયવ દ્રવ્યોનો જ સંભવે. ઉદા.ત. પૃથ્વી, જળ આદિ દ્રવ્યો કાર્યરૂપે અનિત્ય છે, પરંતુ કારણરૂપે નિત્ય છે. દૃષ્ટિગોચર બધા જ પદાર્થોમાં કાંઈ ને કાંઈ પરિમાણ તો રહેલું જ હોય છે. કોઈનું મોટું પરિમાણ તો કોઈનું નાનું. સૌથી મોટા પરિમાણવાળા દ્રવ્યને વિભુ અને સૌથી અલ્પ પરિમાણવાળા દ્રવ્યને અણુ કહે છે. પરિમાણની સર્વોચ્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org