Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પદર્શનપરિચય - વૈશેષિક દર્શન
૫૯૫
નાશ તે મોક્ષ. મોક્ષાવસ્થામાં જીવને સુખ કે દુઃખનો લેશમાત્ર પણ અનુભવ થતો નથી. સુખ-દુ:ખથી પર તે મોક્ષ અવસ્થા છે.
- પાપ-પુણ્યના ક્ષયથી આત્મા શરીર અને મનથી પૃથક્ થઈ જાય છે અને ઇચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, જ્ઞાન, સંસ્કાર ઇત્યાદિ આગંતુક ગુણોથી રહિત થઈને પોતાના સ્વાભાવિક રૂપમાં તે આવી જાય છે. જ્ઞાન ઇત્યાદિ ગુણ આત્મામાં શરીર અને મનના સંયોગથી આવે છે. મોક્ષની અવસ્થામાં આત્મા શૂન્ય થઈ જાય છે. મોક્ષમાં સુખનો અનુભવ થતો નથી, કારણ કે સુખ તો મનના સંયોગથી થાય છે. મોક્ષમાં દુઃખ બિલકુલ રહેતું નથી. આત્માનું પરમાત્મામાં વિલય થઈ જવું તે મોક્ષ નથી. મોક્ષમાં આત્માનું પરમાત્માથી સામ્ય થઈ જાય છે તો પણ તેની પૃથકતા રહે છે. મોક્ષ જીવાત્માની સ્વરૂપસ્થિતિનું નામ છે, જેમાં આત્મા વિશેષ ગુણોથી રહિત થઈ જાય છે. (૨) મોક્ષ ઉપાય
શ્રી ગૌતમ મુનિની જેમ શ્રી કણાદ મુનિએ પણ તત્ત્વજ્ઞાન દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ શક્ય માની છે. આ મત જ્ઞાનકર્મસમુચ્ચયવાદનો પક્ષપાતી નથી, પણ તે જ્ઞાનવાદ જ છે. ઉત્તમ કુળમાં જન્મ થવાથી મનુષ્ય શ્રદ્ધાળુ બને છે. અકુલીન વ્યક્તિમાં શ્રદ્ધાનો અભાવ હોય છે. શ્રદ્ધા વિના જિજ્ઞાસા થતી નથી અને જિજ્ઞાસા વિના તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આથી જ્ઞાનપ્રાપ્તિમાં કુલીનતા, શ્રદ્ધા અને જિજ્ઞાસા આવશ્યક મનાય છે. તત્ત્વજ્ઞાનના સાક્ષાત્કાર માટે શ્રવણ, મનન, નિદિધ્યાસનની જરૂર છે. યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થવાથી વાસનાનો ક્ષય થાય છે અને વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. રાગ-દ્વેષના સંસ્કાર દૂર થવાથી ધર્મ-અધર્મની ઉત્પત્તિ થતી નથી. જેમ બીજની ઉત્પાદનશક્તિ નષ્ટ થઈ જાય તો તેમાંથી વૃક્ષ થતું નથી, તેમ વાસનાક્ષય થવાથી મુક્તિ મળે છે. મુક્ત થવાથી જીવ આ સંસારમાંથી નિવૃત્તિ મેળવે છે.
(V) ઉપસંહાર
વૈશેષિક દર્શનના વિવિધ ખ્યાલો અંગે ટીકાકારોએ ટીકા કરી છે. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે વૈશેષિક દર્શનમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એમ સાત પદાર્થો માનવામાં આવેલા છે, પરંતુ ખરું જોતાં ફક્ત દ્રવ્યને જ પદાર્થ માની શકાય તેમ છે. ગુણ અને કર્મ તો દ્રવ્ય વગર રહી શકે જ નહીં. સામાન્ય, વિશેષ અને સમવાય પણ વિચાર ઉપર આશ્રિત છે. અભાવ એટલે ભાવથી ઊલટો પદાર્થ, તે પણ સાપેક્ષ છે; તેથી દ્રવ્ય સિવાય બાકીના છ પદાર્થોને પદાર્થ જ કહી શકાય નહીં. આમ, વૈશેષિકમતની પદાર્થવિચારણા ઘણી જ મહત્ત્વપૂર્ણ હોવા છતાં તે વિભિન્ન પદાર્થો વચ્ચે સામંજસ્ય સ્થાપી શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org