Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૦૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
દર્શનનો મત ન્યાયમતથી વિપરીત છે. સાંખ્યમત સતૃકાર્યવાદનો સ્વીકાર કરે છે. તે મુજબ કારણની અંદર પ્રથમથી જ કાર્ય રહેલું છે. કોઈ પણ નવી વસ્તુ અસત્ અથવા શૂન્યમાંથી ઉત્પન્ન થતી નથી. કાર્ય નિત્ય છે અને ભૂત, ભવિષ્ય તેમજ વર્તમાન કાળમાં તેની જુદી જુદી ત્રણ અવસ્થાઓ છે. દા.ત. સોનાનું કડું. તે પ્રથમ મૂળ ધાતુ સોનામાં સમાઈ ગયેલ હોવાથી કાર્ય(પરિણામ)રૂપે બાહ્યમાં જણાતું ન હતું, પરંતુ વર્તમાન સ્થિતિમાં તેની ઘાટરૂપે માત્ર ‘અભિવ્યક્તિ' થાય છે અને સમય જતાં તે તેના મૂળ કારણમાં વિલીન થઈ જશે. સત્કાર્યવાદ સિદ્ધ કરવા માટે શ્રી ઈશ્વરકૃષ્ણ તેમની ‘સાંખ્યકારિકા'માં અનેક દલીલો રજૂ કરે છે
૧) કારણવ્યાપારની પહેલાં જો કાર્યનો અભાવ જ હોય તો ગમે તે ઉપાયે પણ તેની ઉત્પત્તિ સંભવે નહીં. વસ્તુના મૂળ કારણરૂપમાં જે નથી તેને કાર્યરૂપે કેવી રીતે નિપજાવી શકાય? બીજ આદિ કારણોમાં જ અંકુર આદિ કાર્ય અસ્તિત્વ ધરાવે છે. તલમાં જો તેલ ન હોય તો ગમે તેટલા તલ પીલવાથી પણ તેલ મળે નહીં. રેતીને પીલવાથી કાંઈ તેલ મળતું નથી, તેમ જગત જો કારણાવસ્થામાં ન હોય તો તેનું કાર્યાવસ્થામાં અસ્તિત્વ ન સંભવે.
૨) રોજિંદા અનુભવ દ્વારા કહી શકાય છે કે અમુક કારણમાંથી અમુક જ કાર્યની ઉત્પત્તિ થાય છે. આથી પણ એ હકીકત સાબિત થાય છે કે કારણ અને કાર્ય વચ્ચે અમુક ચોક્કસ પ્રકારનો સંબંધ રહેલો છે. દૂધમાંથી દહીં બને છે, તંતુમાંથી કપડાં બને છે; તેવી જ રીતે જગતરૂપી કાર્ય તેના કારણ સાથે ચોક્કસ સંબંધ ધરાવે છે, તેથી તે સત્ છે. ઘડો બનાવવો હોય તો કુંભાર માટીનો ઉપયોગ કરે છે, દૂધનો નહીં.
૩) જો કાર્ય અને કારણ વચ્ચે કોઈ સંબંધ જ ન હોત તો પછી કોઈ પણ વસ્તુ, કોઈ પણ વસ્તુમાંથી નિપજાવી શકાત. પરંતુ માટીમાંથી ઘડો બને છે, વસ્ત્ર નહીં. તલને પીલવાથી તેલ નીકળે છે, પાણી નહીં.
૪) જે કારણ જે કાર્ય નિપજાવવાને શક્તિમાન હોય છે, તે કારણમાંથી તે જ કાર્ય ઉત્પન્ન થાય છે. માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય છે, કારણ કે માટીમાં તેમ કરવાની શક્તિ છે. ટૂંકમાં કાર્ય કારણમાં અવ્યક્ત રીતે રહેલ છે. જો એમ ન હોત તો પાણીમાંથી છાશ, નેતરમાંથી કપડાં વગેરે બનાવી શકાત. આમ, જગતરૂપી કાર્ય (પરિણામ) જે કારણમાંથી આવિર્ભાવ પામ્યું છે, તે કારણ તે(જગત)ને ઉત્પન્ન કરવા માટે શક્તિમાન છે, માટે જગત સત્ય છે.
૫) જેને ‘કાર્ય' એવું નામ આપવામાં આવે છે તે તો કારણનું માત્ર રૂપાંતરિત રૂપ છે. મૂળ કારણથી તે ભિન્ન નથી. કારણ અને કાર્ય સાંખ્યમત પ્રમાણે અભિન્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org