Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તેમણે અવગણી છે.
મહાત્મા બુદ્ધ પોતાના અનુયાયીઓને આધ્યાત્મિક પ્રગતિનો સાધનામાર્ગ ઉપદેશે છે અને નહીં કે કોઈ ધાર્મિક માન્યતાના સિદ્ધાંતોનો સમૂહ. જીવનને લગતા અંતિમ પ્રશ્નોનો જવાબ વાણી અને મનથી પર છે એમ કહીને મૌન સેવવાનું તેમણે ઉચિત માન્યું એ માલંકપુત્ર સાથેના પ્રસંગથી જોવા મળે છે. તર્કવિચાર અને બૌદ્ધિક નિરૂપણ એ ગૂઢતાની એક મર્યાદા છે. મન સાથે શબ્દો તેનું વર્ણન નહીં કરી શકવાથી પાછા ફરે છે. પોતાના શબ્દો અતિચાર દોષ ન કરી બેસે તેની ખાસ ચીવટ રાખીને બધી બાબતોમાં મહાત્મા બુદ્દે મૌન જ સેવ્યું. તાત્ત્વિક પ્રશ્નો પરત્વે મહાત્મા બુદ્ધનું વલણ કેવા પ્રકારનું હતું તે તેમણે વાપરેલી એક ઉપમા દ્વારા સુંદર રીતે સ્પષ્ટ થાય છે. તેઓ કહેતા કે પરમ તત્ત્વ વિષેના આપણા સિદ્ધાંતો, કોચલું ફોડીને બહાર નહીં આવેલાં મરઘીના બચ્ચાએ બહારની દુનિયા વિષે બાંધેલા સિદ્ધાંતો જેટલા જ કિંમતી છે. સત્યને જાણવા માટે તો તેના સાક્ષાત્કારના માર્ગે જ જવું જોઈએ. તેથી તાત્ત્વિક ચર્ચા પ્રત્યે ઉદાસીન રહી મહાત્મા બુદ્ધે દુઃખ, દુ:ખનું કારણ, દુઃખનિરોધ તથા દુઃખનિરોધમાર્ગ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર ઉપદેશ આપ્યો. તેમનું કહેવું હતું કે આવાં પ્રકારનાં વિવેચનોથી જ લાભ થાય છે અને આવી વિચારણાને જ ધર્મના મૂળ સિદ્ધાંતો સાથે સંબંધ છે. આવી વિચારણાથી અનાસક્તિ, તૃષ્ણાઓનો નાશ, દુ:ખોનો અંત, માનસિક શાંતિ, જ્ઞાન, પ્રજ્ઞા તથા નિર્વાણ સંભવ છે. મહાત્મા બુદ્ધની શિક્ષાનો સારાંશ તેમના ચાર આર્ય સત્ય'ના ઉપદેશમાં સમાવિષ્ટ પામે છે. (૨) ચાર આર્ય સત્યો (the four noble truths)
ત્રિપિટકમાં ચાર આર્ય સત્યોનો ઉલ્લેખ જોવા મળે છે. તે બૌદ્ધ ધર્મનો પાયો છે. મહાત્મા બુદ્ધે એનો ઉપદેશ વારાણસીમાં પોતાના પહેલા પાંચ શિષ્યોને કર્યો હતો, જે “ધર્મચક્રપ્રવર્તન'ના નામે પ્રસિદ્ધ થયો છે. ઉત્તમ ગુણોથી યુક્ત શ્રેષ્ઠ સત્ત્વવિશેષને આર્ય' કહેવાય છે અને જેમાં અનુભવનો બાધ ન આવે તેને સત્ય કહેવાય છે, અર્થાત્ જે કોઈ આધ્યાત્મિક સાધક સૂક્ષ્મ વિવેકપૂર્વક પોતાના જીવનનો વિચાર કરે અને જે એ વિવેકને સંપૂર્ણ વફાદારીપૂર્વક અનુસરે, તે સાધક કોઈ પણ દેશ, કાળ કે જાતિનો કેમ ન હોય, છતાં એ સત્યોની બાબતમાં તેનો અનુભવ એકસરખો જ હશે. દેશ, કાળ કે જાતિનાં મર્યાદિત બંધનથી પર થઈ આધ્યાત્મિક સાધના કરતો પુરુષ તે ‘આર્ય' અને તે જેને વફાદારીપૂર્વક અનુસરે તે “સત્ય'. આર્યના સત્યો ચાર હોવાથી મહાત્મા બુદ્ધના ઉપદેશને “ચાર આર્ય સત્યો' કહેવાય છે, તે આ પ્રમાણે – ૧) દુઃખ – જગતમાં દુઃખો છે. ૨) દુ:ખસમુદય – દુઃખોનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org