Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 459 બને એ કલ્યાણકારી હેતુપૂર્વક કર્મનાશના ઉપાયના ઉપદેશ દ્વારા તેમણે દિવ્ય પ્રકાશ પાથર્યો છે. આ ગ્રંથના અવગાહનથી જે જીવ સ્વસ્વરૂપ અને કર્મસ્વરૂપની ભિન્નતા વિચારી, કર્મબંધ તોડવાનો ઉપાય કરી, આત્માનો અબંધ ધર્મ પ્રગટ કરવાની સન્મુખ થાય છે; તે જીવ અનાદિ કાળથી આત્મપ્રદેશ સાથે ક્ષીરનીરવતુ સંબંધને પામેલાં કર્મોનો ક્ષય કરી અક્ષય, અવ્યાબાધ, પરમાનંદરૂપ મુક્તાવસ્થાને પ્રાપ્ત કરે છે અને તેનાં જન્મમરણનો શાશ્વતપણે અંત આવે છે. (6) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સનાતન મોક્ષમાર્ગ જેમણે આત્મસાક્ષાત્કાર કર્યો છે એવા જ્ઞાનીપુરુષોએ જનકલ્યાણાર્થે ભિન્ન ભિન્ન રીતે આત્મસાધનાનો માર્ગ બતાવ્યો છે. શ્રીમદે પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' દ્વારા કલ્યાણકામી આત્માઓને વર્તમાન વિષમ કાળમાં સનાતન મોક્ષમાર્ગ દર્શાવવાનું મહાન સુકૃત કર્યું છે. તેમણે પથપ્રકાશક દીપકની જેમ ભવ્ય જીવો માટે સન્માર્ગદર્શક પ્રકાશ પ્રસરાવ્યો છે. શ્રીમનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રરૂપ મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરતો અભૂતપૂર્વ શિક્ષાગ્રંથ. શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ની સુંદર અને આકર્ષક ગાથાઓમાં સચોટ તેમજ અસરકારક ભાષામાં આત્મસન્મુખ થવાનો અમૂલ્ય હૃદયસ્પર્શી બોધ આપ્યો છે. હૃદયંગમ શૈલીથી ઉત્તમ ઉપદેશરૂપે લખાયેલ આ ગ્રંથ આત્માનું વાસ્તવિક સ્વરૂપ બોધે છે, મોક્ષમાર્ગને સ્પષ્ટપણે દર્શાવે છે અને મોક્ષાર્થીને મોક્ષમાર્ગમાં વિદનભૂત થતાં કારણોથી મુક્ત થવા અપૂર્વ જાગૃતિ અને પ્રેરણા આપે છે. મુમુક્ષુએ કર્મનું નિકંદન કાઢવા અને મોક્ષ મેળવવા માટે કેવી સાધના કરવી જોઈએ તેની સુંદર પ્રક્રિયા આ ગ્રંથમાં બતાવી છે. સચોટ ભાષામાં મોક્ષમાર્ગના સિદ્ધાંતો સમજાવી શ્રીમદે જીવોની રૂઢ ધર્મની ખોટી માન્યતાઓ દૂર કરી, સ્વધર્મની સાચી સમજણ કરાવી છે. તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પોતે અંતરંગ દૃષ્ટિથી અનુભવેલા શુદ્ધ આત્મતત્ત્વનો બોધ કરી, સાધક જીવોને ભવજળથી તારનાર સમુન્નતિનો માર્ગ બતાવી અપાર ઉપકાર કર્યો છે. વર્તમાન દુષમ કાળમાં પરમાર્થમાર્ગ અત્યંત દુર્લભ, અપ્રાપ્યવત્ છે. આ પંચમ કાળમાં અતિ અલ્પ જીવોને જ મોક્ષમાર્ગ ઉપલબ્ધ છે. મોટા ભાગના જીવોને તો મોક્ષમાર્ગના યથાર્થ સ્વરૂપનું ભાન પણ નથી. આત્માનું કલ્યાણ કરવા માટે અનેક મતદર્શન-સંપ્રદાય વિધવિધ પ્રકારનાં સાધનો બતાવે છે, તેમાંથી પોતાને શું કલ્યાણકારી છે તે તેઓ સમજી શકતા નથી. વિપર્યય અને ભ્રાંતિમૂલક અવસ્થામાં તેમને મોક્ષમાર્ગનું સ્વરૂપ યથાર્થ સમજાતું નથી. આ કાળમાં જીવોનું પ્રવર્તન બહુધા ક્રિયાજડત્વ અથવા શુષ્કજ્ઞાન પ્રતિ છે. ક્રિયા અને જ્ઞાનનું સમતોલપણું સાચવનારા જીવો બહુ ઓછા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org