Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષડ્દર્શનપરિચય - જૈન દર્શન
૫૩૫
ધર્મના અનુયાયીઓ તે જૈનો છે. તીર્થંકર શબ્દ જૈન દર્શનમાં વિશિષ્ટ અર્થમાં વપરાય છે. તેમના જેવું સ્વરૂપ પામવા માટે, કર્મના બંધનથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરવા માટે જૈનો તીર્થંકરની આરાધના-ભક્તિ કરે છે. ભગવાન ઋષભદેવથી માંડીને ભગવાન મહાવીરસ્વામી સુધી ચોવીસ તીર્થંકરો પ્રસિદ્ધ છે. તેઓ ઈશ્વરના અવતાર નથી કે અનાદિસિદ્ધ ઈશ્વર પણ નથી, પરંતુ સામાન્ય મનુષ્યરૂપે જન્મેલા છતાં વિશેષ પ્રકારની સાધના અંગીકાર કરીને તેઓ તીર્થંકરપદને પામ્યા છે.
જૈન દર્શનમાં મુક્તાત્મા, શુદ્ધાત્મા અથવા પરમાત્માના ચાર પ્રધાન ગુણ માનવામાં આવે છે. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય અને અનંત સુખ. સંસારનાં નિયમો, કાર્યો, પાપ-પુણ્ય આદિથી મુક્ત હોવાના કારણે પરમાત્મા ન તો કર્મફળ ભોગવે છે, ન કોઈને પણ કર્મફળ આપે છે. સંસારની કોઈ પણ વસ્તુ સાથે તેમને કોઈ સંબંધ નથી. તેઓ હાનિ-લાભ, ભય-વિસ્મય, માન-અપમાન, ક્રોધ-લોભ, મોહભ્રમ આદિથી સર્વથા રહિત, સર્વજ્ઞ, અજર અને અમર છે. સંસારનાં ઉત્પત્તિ, વિકાસ અને વિનાશ સાથે તેમને કોઈ સંબંધ નથી. તેઓ તો પોતાના જ અનંત ગુણોમાં રમમાણ રહે છે. તેઓ જીવને તેના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે.
જૈન દર્શન સૃષ્ટિને અનાદિ-અનંત માનતું હોવાથી સૃષ્ટિની ઉત્પત્તિના કારણરૂપે ઈશ્વરને માનતું નથી. બીજાં દર્શનો તો સૃષ્ટિની ક્યારેક પણ ઉત્પત્તિ થઈ એમ માને છે અને તેથી એ દર્શનોમાં કોઈ ને કોઈ રીતે સૃષ્ટિની ઉત્પત્તિની સાથે તેના કર્તા તરીકે ઈશ્વરનો સંબંધ જોડી દેવામાં આવે છે. વળી, જીવોને ફળ ભોગવાવવા માટે જૈન દર્શન ઈશ્વરને એટલે કે તીર્થંકરને કર્મના પ્રેરક માનતું નથી, કારણ કે જૈન દર્શનના કર્મવાદ પ્રમાણે જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે અને તે જેવાં કર્મ કરે તેવાં તેને ફળ ભોગવવાનાં આવે છે. તેથી જૈન દર્શન ઈશ્વરને તીર્થંકરને સૃષ્ટિના અધિષ્ઠાતા પણ માનતું નથી, કેમ કે એની માન્યતા મુજબ સૃષ્ટિ અનાદિ-અનંત હોવાથી એ ક્યારે પણ ઉત્પન્ન થઈ નથી તથા સૃષ્ટિ પોતે જ પરિણમનશીલ હોવાથી એને ઈશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા રહેતી નથી.
જૈન દર્શન ઈશ્વરના અસ્તિત્વમાં માનતું નથી માટે તે નાસ્તિક દર્શન છે એવો ટીકાકારોનો આક્ષેપ છે. તેઓ દ્વારા પ્રયોજેલ ‘નાસ્તિક' શબ્દ સર્વશક્તિમાન જગતકર્તા તથા કર્મફળદાતા ઈશ્વરના સંદર્ભમાં વપરાયો હોય તો આ આક્ષેપ સત્ય ઠરે છે, કારણ કે જૈન દર્શનમાં એવી સર્વોપરી સત્તાને કોઈ સ્થાન નથી, પરંતુ જૈન દર્શનને એ અર્થમાં નાસ્તિક ન કહી શકાય કે તે ઈશ્વરત્વ કે ઈશ્વરીય સ્વરૂપમાં શ્રદ્ધા ધરાવતું નથી. જે આત્માની સહજ શક્તિઓ પૂર્ણપણે આવિર્ભાવ પામી હોય એમને તે ઈશ્વર ગણે છે. વળી, રાગાદિ દોષોથી રહિત, સર્વજ્ઞ અને લોકના ઉદ્ધારક એવા ભગવાન ઋષભદેવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org