Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પદર્શનપરિચય - બૌદ્ધ દર્શન
૫૪૯ ફિલિપાઈન્સમાં જોવા મળે છે.
આમ, હીનયાનનો સંબંધ આદર્શની શુદ્ધતા જોડે છે અને મહાયાનનો સંબંધ તેની ઉપયોગિતા જોડે છે. આ બન્ને સંપ્રદાયોને માટે નદીનું રૂપક પ્રયોજવામાં આવે છે. નદીનો પ્રવાહ તેના મૂળ પાસે સાંકડો હોય છે, પરંતુ તેનું જળ ખૂબ નિર્મળ હોય છે. તે જ્યારે પર્વતમાળાઓની નીચે ઊતરે છે ત્યારે તેમાં બીજા અનેક પ્રવાહો મળતા હોવાથી તેનો જળભંડાર વધે છે, પણ ક્રમશઃ તે મલિન પણ થતો જાય છે. આ જળપ્રવાહનો પહેલો ભાગ તે હીનયાન છે, તો બીજો ભાગ મહાયાન છે. સમગ્ર જળપ્રવાહ એ બૌદ્ધ ધર્મ છે. ૨) બૌદ્ધમતના દાર્શનિક સંપ્રદાયો
શુષ્ક દાર્શનિક વિવાદોમાં મહાત્મા બુદ્ધને કિંચિત્ પણ રસ ન હતો. તેના પ્રત્યે તેઓ અત્યંત ઉદાસીન વલણ દાખવતા હતા તથા વિચાર કર્યા વગર કર્મો કરવાનો ઉપદેશ તેમણે તેમના અનુયાયીઓને કદી પણ આપ્યો ન હતો. તેઓ તો દલીલો વડે વસ્તુ સાબિત કરી આપતા. અંધવિશ્વાસને તેમણે કદાપિ અનુમોદન આપ્યું ન હતું. અનુભવ તથા દલીલોનો આશ્રય લઈ તેમણે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. દાર્શનિક ચર્ચાથી દૂર રહેવા છતાં પોતાના ઉપદેશમાં દુ:ખની ઉત્પત્તિ અને તેના નાશનો ઉપાય બતાવતાં તેમણે “ક્ષણભંગવાદ', “અનાત્મવાદ', 'પ્રતીત્યસમુત્પાદવાદ' જેવા સિદ્ધાંતો રજૂ કર્યા છે. મહાત્મા બુદ્ધનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ લોકોની વચ્ચે ન રહ્યું ત્યારે અને જેમ જેમ બૌદ્ધ ધર્મ વધારે વ્યાપક થતો ગયો અને બીજાઓ સાથે ચર્ચામાં ઊતરવાના પ્રસંગો પ્રાપ્ત થતા ગયા તેમ તેમ નવા સંપ્રદાયો ઊભા થતા ગયા. બૌદ્ધ ધર્મનો જેમ જેમ પ્રચાર થતો ગયો તેમ તેમ તેની કઠોર ટીકા પણ થતી ગઈ. તેથી બૌદ્ધ પ્રચારકોએ પોતાના ધર્મની રક્ષા કરવા માટે તથા અન્યને પોતાના ધર્મ પ્રતિ આકૃષ્ટ કરવા માટે મહાત્મા બુદ્ધના મતોનું પરિવર્ધન અને પરિપોષણ કરવું આવશ્યક માન્યું. પાછળથી બૌદ્ધ સિદ્ધાંતોનો વિકાસ મુખ્યત્વે બુદ્ધિવાદના ધોરણ ઉપર થયો. જેના પરિણામે દાર્શનિક શાખાઓ અસ્તિત્વમાં આવી. તેમાં તત્ત્વજ્ઞાનની દષ્ટિએ ચાર શાખાઓનું વિશેષ મહત્વ છે - (i) વૈભાષિક (બાહ્યપ્રત્યક્ષવાદ) (ii) સૌત્રાંતિક (બાહ્યાનુમેયવાદ) (iii) યોગાચાર (વિજ્ઞાનવાદ) (iv) માધ્યમિક (શૂન્યવાદ)
દાર્શનિક માન્યતાની દૃષ્ટિએ આ ચાર શાખાઓનું વિશેષ મહત્વ હોવાથી હિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org