Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
તેમણે નિવાસ કર્યો. તેમને યશોધરા નામની પત્ની તથા રાહુલ નામે પુત્ર હતો. એક વખત વૃદ્ધ, રોગી, મૃત્યુ, પ્રવ્રજિતને જોઈને તેમના માનસ ઉપર બહુ ઊંડી અસર પડી અને તેમણે ગૃહસ્થજીવનનો ત્યાગ કર્યો. ગૃહત્યાગ કરીને તત્કાલીન સંતપુરુષો તથા દાર્શનિકોનો સમાગમ કરી, તેમની પાસે તેમણે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. છ વર્ષ સુધી સત્યપ્રાપ્તિ માટે તેમણે કઠોર તપસ્યા કરી. દુષ્કર તપસ્યા કરવા છતાં તેઓ પરમ તત્ત્વ પામ્યા નહીં, આથી તેમણે બોધિની પ્રાપ્તિ માટે કોઈ અન્ય માર્ગ વિચાર્યો. કઠિન દેહદમનની વિવિધ પ્રક્રિયાઓથી કંટાળીને તેમણે મધ્યમ માર્ગનું અનુસરણ કર્યું. ઉરૂવેલા(ગયા)માં “બોધિ'ની પ્રાપ્તિ કર્યા પછી તેમણે વારાણસી તરફ પ્રયાણ કર્યું. વારાણસીમાં પંચવર્ષીય ભિક્ષુઓને ઉપદેશ કર્યો. સારનાથમાં પ્રથમ ઉપદેશ આપી તેમણે ધર્મચક્રપ્રવર્તન' શરૂ કર્યું. તે પછી ૪૦ વર્ષ સુધી તેમણે ઉપદેશકાર્ય કર્યું. વૈશાલી નજીક કુસિનારા પાસે વૈશાખી પૂર્ણિમાના દિવસે ઈ.સ. પૂર્વે ૪૮૩માં ૮૦ વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી તેઓ નિર્વાણ પામ્યા. (૩) સાહિત્ય
સંસારમાં જેટલા મોટા ધર્મો છે તેમના અનુયાયીઓ લગભગ એકસરખો મત ધરાવે છે કે પોતાનું ધર્મશાસ્ત્ર ઈશ્વરરચિત છે અથવા સર્વજ્ઞરચિત છે અથવા જરા પણ ભૂલચૂક વિનાની દિવ્ય વાણી છે. બૌદ્ધ સાહિત્ય વિષે વિચારતાં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે મહાત્મા બુદ્ધે કોઈ ગ્રંથ લખ્યા ન હતા. તેમના નિર્વાણ પછી જે ગ્રંથ સંકલિત થયા હતા, તેમાંથી જ તેમના ઉપદેશ વિષે જાણવા મળે છે.
બૌદ્ધ દર્શન વિષે જ્ઞાન મેળવવા માટે જે પ્રાચીન ગ્રંથોનો આધાર લેવો પડે છે તે મૂળ પાલી ભાષામાં લખાયેલા છે. પાલી ભાષા એ વખતે મગધ દેશની રાજ્યભાષા હતી. આ ગ્રંથો ઘણું ખરું સંવાદોના રૂપમાં છે. તેમાં કોઈ પદ્ધતિસરની પ્રકરણબદ્ધ વિષયવિચારણા કે ચર્ચા નથી, પરંતુ વિશેષતઃ રૂપકો અને આખ્યાયિકાઓ દ્વારા મહાત્મા બુદ્ધના વિચારો રજૂ થયા છે. સમય જતાં તેમના શિષ્યોએ તેના ઉપર વિસ્તૃત ટીકાઓ રચી છે.
બૌદ્ધમતનું પ્રાચીનતમ કહી શકાય એવું સાહિત્ય ત્રણ વિશાળ ગ્રંથોમાં સંગ્રહાયેલું મળી આવે છે, જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. પિટક એટલે ટોપલી અથવા પેટી. ત્રિપિટક એટલે ત્રણ ટોપલીઓ. આ ગ્રંથો મહાભારતથી પણ મોટા છે અને તેની શ્લોકસંખ્યા લગભગ ત્રણેક લાખની છે. આ ત્રણ પિટકો નીચે મુજબ છે – ૧) વિનય પિટક – તેમાં બૌદ્ધ સદાચારને લગતા નિયમો સંગ્રહાયેલા છે. બૌદ્ધ ભિક્ષુસંઘના નિયમો તેમાં છે. પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ, નાનાં-મોટાં પાપના નિવારણના ઉપાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org