Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
બને છે અને આત્મોજ્વળતાના પંથે પ્રગતિ કરાવે છે. તે આત્મામાં રહેલા અનાદિ
મિથ્યાત્વરૂપ વિષને દૂર કરવા ગારુડી મંત્ર સમાન છે. આ સર્વના કારણે આ ગ્રંથ મુમુક્ષુઓના હ્રદયમાં વસી જાય છે.
-
આત્મોન્નતિ સાધવામાં ઉપકારક એવું આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' મોક્ષાભિલાષી જીવોએ નિત્ય સ્વાધ્યાય કરવા યોગ્ય છે. તે દ્વારા આત્મા અનાદિ મોહનિદ્રા તજી જાગૃત થાય અને મોક્ષમાર્ગની સીડીએ ચડવાની શરૂઆત કરે તે અર્થે શ્રીમદ્દ્ની અર્થગાંભીર્યપૂર્ણ વાણી અવગાહન કરવા યોગ્ય છે. આ ગ્રંથને વાંચી-વિચારી હૃદયમાં ઉતારવા જેવો છે. તેમાંથી ઘણો આત્મહિતકર નિર્મળ પ્રકાશ મળી શકે તેમ છે. તે અનેક શાસ્ત્રોનાં અનેક સૂક્ષ્મ તત્ત્વોને સ્પર્શીને ઘણી ધણી ગહન વાતો કહી જાય છે. તે સરળ અને સુબોધ ભાષામાં અનેક ભ્રમોનું નિરાકરણ કરે છે, શંકા-સમાધાન દ્વારા હૃદયને નિઃશંકિત બનાવે છે. આ ગ્રંથ અધ્યાત્મ-અમૃતરસના પિપાસુઓને તેમની પિપાસા પરિતૃપ્ત કરવા અત્યંત ઉપયોગી થઈ પડે છે. વીતરાગમાર્ગપ્રદ્યોતક, અધ્યાત્મયુગપ્રવર્તક, પરમ કૃપાળુ, પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ના આ ગ્રંથનું અનુશીલન જિજ્ઞાસુઓને કર્તવ્યરૂપ છે.
આ ગ્રંથ કેવળ વાંચવાનો જ નથી, પરંતુ વિસ્તારથી તેને સમજીને, તેનો અભ્યાસ કરવાનો છે. તે વારંવાર વિચારવા યોગ્ય છે, ચિંતન કરવા યોગ્ય છે, જીવનવ્યવહારના પ્રત્યેક પ્રસંગ સાથે વણવા યોગ્ય છે. સંસારનું મૂળ જાણવું હોય, મોક્ષમાર્ગનો મર્મ વિચારવો હોય, ધાર્મિક પ્રવૃત્તિઓની પાછળનો હેતુ સમજવો હોય, જીવનનો લક્ષ બાંધવો હોય તો તેને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી ઊંડા સદ્વિચારમાં પ્રેરે તેવી અનેક હકીકતો આ ગ્રંથમાં છે. તેમાં સુવિચારણા જાગે તથા તેમાં બળ મળે, તેમજ સહાયક અને પ્રેરક થઈ ઉપકારક થાય એવી અમૂલ્ય શિક્ષા સ્થળે સ્થળે દૃષ્ટિગોચર થાય છે, તેથી વિવેકપૂર્વક તેનું મનન કરવું જોઈએ. તેનો એક એક શબ્દ વિચારણીય છે, તેથી તત્ત્વપ્રેમી સાધકોએ તેનું અવશ્ય ઊંડાણથી અધ્યયન કરવું જોઈએ. સંપૂર્ણ ગ્રંથ એક વાર નહીં, અનેક વાર મનન કરવો ઘટે છે. તેના ઊંડાણમાં ગયા વિના તેની ગહનતા જાણી શકાતી નથી. વાંચનારને ઊંડી વિચારણાથી જડી આવે એવાં અનેક રત્નો તેમાં ઠાંસી ઠાંસીને ભર્યાં છે. તેને શોધવા અને પચાવવા માટે તેનું અવગાહન કરવા યોગ્ય છે. તેનું સાદ્યંત અનુશીલન કરતાં તેની એક એક ગાથા અદ્ભુત શાસ્ત્રરહસ્ય તથા આત્મોન્નતિકા૨ક અમૂલ્ય અમૃતથી ભરપૂર છે તેનું ભાન થયા વિના રહેતું નથી. વારંવાર તેનું વાંચન કરતાં તેમાં રસનો ઊંડો પ્રવાહ છલકાતો-ઊછળતો અનુભવાય છે. પ્રત્યેક વાંચનમાં નૂતનતા અને પ્રત્યેક વિચારણામાં અધિકતર માધુર્ય એ આ ગ્રંથની વિશેષતા છે. આ ગ્રંથના અધ્યયનથી જીવ એક વિલક્ષણ ખુમારીનો અનુભવ કરે છે અને પોતાની પાસે બહુમૂલ્ય આધ્યાત્મિક મૂડી છે એવો વિશ્વાસ તેને આવે છે. શેરડીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org