Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ જડ તત્ત્વોમાંથી સંભવી શકે છે. જડ તત્ત્વોમાં ચૈતન્યનો અભાવ જણાતો હોય તોપણ અમુક પ્રકારે તેમનો સંયોગ થતાં તેમાં ચૈતન્યનો સંચાર થાય છે.૧ દા.ત. જેમ ગોળ વગેરેમાં માદકતા નથી, પણ અમુક સમય જતાં કે અમુક પરિસ્થિતિમાં, અમુક તત્ત્વો સાથે તેનો સંયોગ થતાં તેમાં દારૂ જેવા માદક તત્ત્વનો સંચાર થાય છે; અથવા તો જેમ કાથા, ચૂના વગેરેના મિશ્રણથી પાનમાં લાલ રંગ આવે છે; તેમ પૃથ્વી, જળ, તેજ, વાયુ એમ ચાર જડ તત્ત્વોમાંથી જ ચૈતન્યવિશિષ્ટ એવા શરીરનો પ્રાદુર્ભાવ થાય છે. જેમ ધાન્ય અને ગોળ જેવી વસ્તુઓ સડી જતાં મદિરારૂપે પરિણમે છે, તેમ ચૈતન્ય પણ ઉપર જણાવેલ ચાર મહાભૂતોમાંથી પરિણમે છે. યકૃત(liver)માંથી જેમ એક પ્રકારનો રસ ઝરે છે, તેમ મગજમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. માટે જડ પદાર્થોથી જુદો, આત્મા નામનો કોઈ સ્વતંત્ર એવો ચિદ્રૂપ પદાર્થ માનવાની જરૂર નથી. ચાર્વાકમત પ્રમાણે જડ તત્ત્વોનું કોઈ વિશેષ પ્રકારે સંમિશ્રણ થાય તો તેમાં ચૈતન્ય ગુણનો આવિર્ભાવ થવાની શક્યતા ઊભી થાય છે. જો શરીરથી ભિન્ન એવા આત્મતત્ત્વનું અસ્તિત્વ નથી તો તેની નિત્યતાનો પ્રશ્ન જ ઊઠતો નથી, કારણ કે મૃત્યુ પછી શરીર તો નષ્ટ થઈ જાય છે. આમ, પુનર્જન્મ, સ્વર્ગ, નરક સર્વ મિથ્યા ઠરે છે.૨
(૨) વિશ્વ વિષે વિચાર
ચાર્વાકમત મુજબ આ વિશ્વ શાશ્વત, નિત્ય તેમજ વાસ્તવિક છે, કારણ કે તેનું દર્શન થઈ શકે છે. જડ જગતના નિર્માણના સંબંધમાં અનેક ભારતીય દાર્શનિકોનો મત છે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ તથા પૃથ્વી એમ પાંચ ભૂતોમાંથી આ જગતનું નિર્માણ થયું છે. ચાર્વાકમતવાદીઓ વિશ્વના નિર્માણમાં આકાશ તત્ત્વનો સ્વીકાર કરતા નથી, કારણ કે આકાશનું જ્ઞાન અનુમાન દ્વારા થાય છે, પ્રત્યક્ષ દ્વારા થતું નથી. તેથી વિશ્વની ઉત્પત્તિ પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એમ ચાર મૂળ તત્ત્વોના સંયોગથી ૧- જુઓ : શ્રી માધવાચાર્યપ્રણીત, ‘સર્વદર્શનસંગ્રહ’, ચાર્વાક દર્શન, શ્લોક ૧ની ટીકા ‘किण्वादिभ्यः मदशक्तिवत् चैतन्यमुपजायते ।'
૨- જુઓ : શ્રી જયંત ભટ્ટકૃત, ‘ન્યાયમંજરી', પૃ.૪૬૭
શ્રી જયંત ભટ્ટે ‘ન્યાયમંજરી’માં ચાર્વાકમતવાદીઓની બે શાખાઓનો ઉલ્લેખ કર્યો છે ૧) ધૂર્ત ચાર્વાક (uncultured) અને ૨) સુશિક્ષિત ચાર્વાક (cultured). ધૂર્ત ચાર્વાક શરીરને ચાર ભૌતિક તત્ત્વોના સમૂહ તરીકે અને આત્માને શરીરથી અભિન્નરૂપે માને છે. એથી ઊલટું, સુશિક્ષિત ચાર્વાકના મત પ્રમાણે શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ છે અને તે જ્ઞાતા તથા ભોક્તા છે, પરંતુ શરીરનો નાશ થતાં તેનો પણ નાશ થઈ જાય છે, અર્થાત્ આત્માની સત્તા શરીરના સત્તાકાળ સુધી જ રહે છે. શરીરના નાશ પછી આત્માની સ્થિતિ રહેતી નથી, તેથી પુનર્જન્મ જેવું કંઈ છે જ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org