Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
મુકાય છે, તોપણ મોક્ષપ્રાપ્તિનું લક્ષ્ય સર્વનું એક જ રહ્યું છે. જૈન ધર્મમાં નાના નાના વિસંવાદો હોવા છતાં ભગવાન મહાવીરસ્વામીએ આપેલા અનેકાંત વિષેના ઉપદેશના કારણે એકંદરે સામંજસ્ય સચવાયું છે.
(II) પ્રમાણમીમાંસા
અનેકાંતશૈલી - સ્યાદ્વાદ
જૈન દર્શન પ્રમાણે જેનાથી વસ્તુનો નિર્ણયાત્મક બોધ થાય તે જ્ઞાન.૧ કોઈ પણ વસ્તુનો નિર્ણયાત્મક બોધ પ્રમાણ અને નય દ્વારા થાય છે. આથી પ્રમાણ અને નય જ્ઞાનસ્વરૂપ જ છે. પ્રમાણ અને નય બને જ્ઞાનસ્વરૂપ હોવા છતાં એ બન્નેમાં ભેદ છે. જેનાથી વસ્તુના નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મો (ગુણો)નો નિર્ણયાત્મક બોધ થાય તે પ્રમાણ. જેનાથી વસ્તુનો નિત્ય આદિ કોઈ એક ધર્મ (ગુણ)નો નિર્ણયાત્મક બોધ થાય તે નય. પ્રમાણથી વસ્તુનો પૂર્ણ બોધ થાય છે, જ્યારે નયથી અપૂર્ણ - આંશિક બોધ થાય છે. આથી નય એ પ્રમાણનો અંશ છે.
જૈનમત અનુસાર કોઈ એક વસ્તુ અંગે જુદી જુદી દષ્ટિએ વિચારવામાં આવે તો તેમાં અનેક ગુણો રહેલા છે એમ જણાશે. તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા ગુણો પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે - નિર્બળતા અને બળ એ બન્ને પરસ્પર વિરોધી છતાં એક જ વ્યક્તિમાં રહેલાં હોય છે. આ સાંભળી કોઈને આશ્ચર્ય થાય કે આ શી રીતે સંભવે? આ શંકાનું સમાધાન જૈનો અનેકાંતના સિદ્ધાંત દ્વારા કરે છે. અનેકાંત કહે છે કે એક જ વસ્તુમાં રહેલા ધર્મો કે જે પરસ્પર વિરોધી ભાસે છે તે ધર્મો પરસ્પર વિરોધી છે જ નહીં. જો પરસ્પર વિરોધી હોય તો એક જ વસ્તુમાં તે એકસાથે રહી જ ન શકે. એક જ વસ્તુમાં રહેલાં નિર્બળતા અને બળ વગેરે વિરુદ્ધ ધર્મો અપેક્ષાભેદથી અવિરુદ્ધ છે. કોઈ પણ ધર્મમાં અપેક્ષાભેદથી વિરોધ છે જ નહીં.
‘અનેકાંત' શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે. “અનુ’, ‘એક’ અને ‘અંત'. અન્ = નહીં, એક = એક, અંત = ગુણધર્મ. એકથી પૂર્ણતા નહીં તે અનેકાંત. કોઈ પણ વસ્તુની પૂર્ણતા કોઈ એક ગુણધર્મથી નહીં પણ અનેક ગુણધર્મોથી છે. અપેક્ષાભેદે વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે. તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા ધર્મો પણ હોય છે. અનેકાંતવાદ એટલે એક જ વસ્તુમાં રહેલા વિરુદ્ધ ધર્મો અપેક્ષાભેદથી અવિરોધ છે એમ બતાવનાર સિદ્ધાંત. એક ઉદાહરણ વડે આ વાત સમજીએ. જ્યારે કોઈ તમને પૂછે કે હાથી બળવાન છે કે નિર્બળ? તો તમે તરત કહેશો કે હાથી બળવાન. એટલે કે ૧- યથાર્થ જ્ઞાનના સાધન તરીકે પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણોને જૈન દર્શન સ્વીકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org