Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૧૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કે સંસારની સૃષ્ટિ માટે જડ તત્ત્વોનું મિશ્રણ કઈ રીતે થયું? કોઈ પણ કાર્યની સિદ્ધિ અર્થે ઉપાદાન અને નિમિત્ત એમ બે કારણોની આવશ્યકતા રહે છે. ઘડારૂપી કાર્યમાં માટીરૂપ ઉપાદાનકારણ તથા કુંભારરૂપ નિમિત્તકારણ હોય છે. જગતનું ઉપાદાનકારણ જો ચાર ભૂત છે તો નિમિત્તકારણ કોણ છે? અર્થાત્ કોણ આ ઉપાદાનકારણને લઈને આ વિચિત્ર સંસારની રચના કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ચાર્વાકમતવાદીઓ કહે છે કે જડ તત્ત્વોનું જોડાણ પોતાના સ્વભાવ અનુસાર જ થાય છે અને તેના સંમિશ્રણથી જગતની ઉત્પત્તિ થાય છે. તે માટે ઈશ્વરની આવશ્યકતા નથી. જગતની ઉત્પત્તિ કોઈ ઉદ્દેશની પૂર્તિ માટે થઈ છે તેવું કોઈ પ્રમાણ નથી. યુક્તિસંગત તો એ જ છે કે જગતની ઉત્પત્તિ જડ તત્ત્વોના આકસ્મિક સંયોગથી થઈ છે. ચાર્વાકમત મુજબ જડ ભૂતોના સ્વાભાવિક જોડાણથી જ જગતની ઉત્પત્તિ થઈ હોવાથી આ મત ‘સ્વભાવવાદ' કે યદચ્છાવાદ' પણ કહેવાય છે.
(IV) આચારમીમાંસા
માનવજીવનના ઉદ્દેશના સંબંધમાં મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓ તપાસીને હિન્દુ ધર્મના શાસ્ત્રકારોએ માનવજીવનના ચાર મુખ્ય ઉદ્દેશો શોધ્યા છે, જેને પુરુષાર્થ કહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થો ગણાવવામાં આવ્યા છે. આ ચાર પુરુષાર્થમાંથી ધર્મ અને મોક્ષનું ખંડન કરી, ચાર્વાકવાદીઓ અર્થ અને કામનો જ સ્વીકાર કરે છે. આ ચાર પુરુષાર્થના સંબંધમાં તેમનો મત જોઈએ.
વૈદિક દર્શનો વેદને ઈશ્વરરચિત સ્વીકારી, તેને પ્રમાણ માને છે અને વેદાનુકૂળ જે કર્મો તે ધર્મ તથા વેદને પ્રતિકૂળ જે કર્મો તે અધર્મ, એમ ધર્મ-અધર્મની પરિભાષા આપે છે. ચાર્વાકમતવાદીઓ ધર્મને માનવજીવનનું પરમ લક્ષ્ય માનતા નથી. તેમને વેદનું પ્રામાણ્ય સ્વીકાર્ય નથી. તેમના મત અનુસાર વેદોની રચના તો ધૂર્ત અને પાખંડી લોકોએ કરી છે. વેદ ધર્મનો આશય તો લોકો પાસેથી ધન મેળવી બાહ્મણોના પેટ ભરવાનો છે. સ્વર્ગ કે નરક જેવું કોઈ સ્થાન છે જ નહીં, માટે દાન-દક્ષિણા દ્વારા સ્વર્ગપ્રાપ્તિનો અર્થ જ રહેતો નથી. આ જગતમાં સુખ એટલે જ સ્વર્ગ અને દુઃખ એટલે જ નરક. ચાર્વાકમતવાદીઓ કહે છે કે શ્રાદ્ધ પ્રસંગે મૃતાત્માઓને પિંડ–દાન કરવાની જરૂર નથી. જો મરી ગયેલાં પિતૃઓનું શ્રાદ્ધ તેમને સ્વર્ગમાં તૃપ્ત કરતું હોય તો નીચે જમીન ઉપરથી મહેલની અગાશી ઉપર રહેલાને આપી શકાવું જોઈએ. ૧- જુઓ : શ્રી દયાનંદ સરસ્વતીકૃત, ‘સત્યાર્થ પ્રકાશક', અગિયારમી આવૃત્તિ, શ્લોક ૫, પૃ.૫૬૧
'स्वर्गस्थिता यदा तृप्ति नच्छेयुस्तत्र दानतः । प्रासादस्योपरिस्थानामत्र कस्मान्न दीयते ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org