Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 469 ગાથા ૧૨૮માં “વિચારતાં વિસ્તારથી', ગાથા ૧૨૯માં “ઔષધ વિચાર ધ્યાન', ગાથા ૧૪૧માં “સ્થાનક પાંચ વિચારીને' એમ કુલ 15 વાર વિચાર' શબ્દનો પ્રયોગ કર્યો છે. “કર વિચાર તો પામ' એ સૂત્રમાં તો સમસ્ત જ્ઞાનયોગનો સાર સમાઈ જાય છે. આત્મવિચાર એ આત્મજ્ઞાનનું કારણ છે, પરંતુ આત્મવિચાર છૂટ્યા પછી જ આત્માનુભૂતિ થાય છે. જેમ વાંદરાને કોઈ એક ઝાડની પહેલી ડાળથી પચ્ચીસમી ડાળે પહોંચવું હોય તો તે પહેલી ડાળથી બીજી ડાળ ઉપર અને બીજીથી ત્રીજી ઉપર, એમ પહેલાંની ડાળોને છોડતો છોડતો વચ્ચેની ડાળો ઉપર પક્કડ જમાવીને કૂદતો કૂદતો પચ્ચીસમી ડાળ ઉપર પહોંચે છે. જેમ વચ્ચેની ડાળોને પકડ્યા વિના પચ્ચીસમી ડાળે પહોંચાતું નથી, તેમ તે ડાળો છોડ્યા વિના પણ પચ્ચીસમી ડાળે પહોંચાતું નથી. તેવી જ રીતે વિચારને છોડ્યા વિના સ્વસંવેદન થતું નથી, પરંતુ એ ભૂમિકા સુધી પહોંચવા માટે આત્મવિચાર આવશ્યક પણ છે જ. વિસ્તારપૂર્વક વિચાર કરવાથી જીવાજીવનું સ્વરૂપ યથાર્થપણે સમજાય છે, જ્ઞાન અને ક્રિયાની વિશુદ્ધિ થવાથી સમ્યકત્વનો ઉદય થાય છે, સંયમમાં દઢતા થાય છે અને પરિણામે મોક્ષ થાય છે; તેથી શ્રીમદે મુમુક્ષુઓને વારંવાર આત્મવિચારણા કરવાની ભલામણ કરી છે. વિચારનું મહત્ત્વ દર્શાવવા સાથે શ્રીમદે કેવા પ્રકારના વિચાર કરવા એ પણ આ ગ્રંથમાં સમજાવ્યું છે. તેમણે સાદી સરળ ભાષામાં તત્ત્વજ્ઞાનનો વિષય ગૂંથી, તેની વિચારણા કરવા જણાવ્યું છે. તત્ત્વજ્ઞાનથી સભર એવા આ શાસ્ત્રમાં તેમણે આત્મતત્ત્વની પ્રાપ્તિનું રહસ્ય દર્શાવ્યું છે. દેહભાવ છોડીને આત્મામાં સ્થિતિ કરવાનું તેઓ ભારપૂર્વક જણાવે છે. તેમનો ઉદ્દેશ આત્મા અને પુદ્ગલ વચ્ચે ભેદજ્ઞાન કરાવવાનો છે, તેથી આત્મા કેવો છે અને તેનું યથાર્થ રૂપ કેવું છે તે તેમણે પ્રગટ કર્યું છે. તેમણે સમગ્ર દર્શન અને તત્ત્વજ્ઞાનના આધારભૂત એવાં આત્માનાં છ પદનું સ્પષ્ટ અને સચોટ આલેખન કર્યું છે. આ છ પદનું નિરૂપણ તેમણે સુવિચારણા પ્રગટાવવા કર્યું છે. આ પ્રયોજન દર્શાવતાં તેઓ લખે છે - ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી.” (42) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છ પદ સંબંધીનું ક્રમબદ્ધ, તર્કબદ્ધ, સુવ્યવસ્થિત, વિકાસોન્મુખી, અત્યંત વ્યાપક અને ગહન જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમણે છ પદ સંબંધી ઊઠનારા પ્રશ્નોનાં સહજ સમાધાન આપ્યાં છે, કારણ કે એવા પ્રકારની શંકાઓ રહે તો જીવને આત્મસ્વરૂપ સંબંધી નિઃશંકતા આવતી નથી. મુક્તિમાર્ગે છ પદની ઉપયોગિતા અને મહત્તાનો નિર્ણય ન થયો હોય તો આત્મમય રહેવાનો પુરુષાર્થ જાગૃત થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org