Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 482 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન યથાર્થ નિર્ણય કરવા માટે પોતાની વિચારણા શ્રીગુરુ સમક્ષ રજૂ કરે છે. તેને મતિકલ્પનાએ કંઈ ધારી લેવું નથી, પરંતુ સદ્ગુરુએ કહેલ સત્ય મનનપૂર્વક સમજવું છે. શિષ્યની આ વર્તણુક તેની જિજ્ઞાસાવૃત્તિ, સત્ જાણવાની ધગશ બતાવે છે. આત્માની પ્રતીતિ કઈ રીતે થાય? તેની સમજણ કઈ રીતે કરી શકાય? એ જાણવાની રુચિ પણ લોકો કરતા નથી, તો એ બાબતના પ્રશ્ન તો કરે જ ક્યાંથી? પરંતુ શિષ્ય તો જિજ્ઞાસુ છે, અધ્યાત્મપ્રેમી છે, તત્ત્વનો રસિક છે, તેથી તે તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષયમાં પણ ઊંડો રસ લઈને ઉચ્ચ કોટિના પ્રશ્નો પૂછે છે. તેને તત્ત્વજ્ઞાનનું રહસ્ય સંપૂર્ણપણે જાણવાની જિજ્ઞાસા છે. જ્યાં સુધી રહસ્ય પૂર્ણપણે ન સમજાય ત્યાં સુધી શંકા રહ્યા કરે અને જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી તે શલ્યની પેઠે ખટક્યા કરે, તેથી શિષ્ય સુવિચારશ્રેણીને રોકતાં શંકારૂપ અવરોધોને શ્રીગુરુની કૃપા વડે દૂર કરતો જાય છે. આવી જિજ્ઞાસા વિના મોક્ષમાર્ગે આગળ વધી શકાતું નથી. વળી, શ્રીમદે શિષ્યને વિશિષ્ટ ગુણવાળો દર્શાવ્યો છે. તે શ્રીગુરુને પ્રશ્નો પૂછે છે, પરંતુ અહંકાર વધારવા કે પ્રસિદ્ધિ મેળવવા માટે પૂછતો નથી. તેનામાં વસ્તુ સમજવાની ખરેખરી ઇચ્છા અને તત્પરતા છે. તે અંતરની ભાંતિ ટાળવા ગુરુ સાથે તત્ત્વચર્ચા કરે છે. પ્રશ્ન પૂછવાથી મારી ભૂલ ઉઘાડી થશે, મારું માન નહીં રહે અને મારી હીણપ કહેવાશે' એવો તેને ભાવ નથી; પણ પોતાની શંકા ટાળવાનું તેનું લક્ષ છે. તે પોતાની શંકા લજ્જા, સંકોચ કે શરમથી છુપાવ્યા વિના બાળકની જેમ ખુલ્લા હૃદયથી કહે છે. હઠાગ્રહ, મતાગ્રહ છોડીને સમજવાની યથાર્થ કામના સહિત તે પોતાના પ્રશ્નો શ્રીગુરુ સમક્ષ રજૂ કરે છે. તે શંકાઓ વ્યક્ત કરતાં નમતા પણ બરાબર જાળવે છે. તે વિનય અને ભક્તિભાવ સહિત સ્પષ્ટપણે પ્રશ્નો પૂછે છે અને પોતાના અંતરની શંકાનું સમાધાન કરવા સદ્ગુરુને વિનંતી કરે છે. શંકા રજૂ કરવામાં શિષ્યનો વિનય દર્શાવતાં શ્રીમદ્ લખે છે - માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય.’ (48) શિષ્યની દરેકે દરેક દલીલો ન્યાયયુક્ત છે. તેના કેટલાક સવાલો તો નાસ્તિક જેવા લાગે છે, પરંતુ હૈયામાં સ્ફરેલી શંકાઓને દાબી દઈ જાણે સમાધાન થઈ ગયું હોય એવો ઢોંગ કરવો, તે કરતાં નાસ્તિકતાનો આરોપ વહોરી લેવો વધારે ઉચિત છે એમ તે સમજે છે. જ્યાં સુધી હૃદયમાં તત્ત્વની નિઃશંકતા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જિજ્ઞાસુના હૃદયમાં અવારનવાર શંકાઓ અને પ્રશ્રવૃત્તિ ઉદ્ભવે છે. જો કે તે પ્રશ્નો અને શંકાઓ નાસ્તિકતાને સમર્થિત કરતાં નથી, ઊલટું તે તો અંતરના ઊંડાણમાં દબાઈ રહેલી આસ્તિકતાનો ઉપર આવવાનો સળવળાટ છે. એ સળવળાટ સત્યના પ્રાકટ્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org