Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 454 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીમદે સ્પષ્ટપણે સમજાવ્યું છે. વિવિધ શંકાઓનું નિરસન કરીને શ્રીમદે આત્મા કર્મનો કર્તા છે એમ પુરવાર કર્યું છે. તેમણે જણાવ્યું છે કે જડ પદાર્થમાં ક્રિયાપ્રેરકપણું નથી, પણ તે પ્રેરણા ચેતનતત્ત્વ આપે છે. ચેતનની પ્રેરણા વિના કર્મ ગ્રહણ થઈ શકતાં નથી. કાશ્મણ વર્ગણાના કંધો પોતાની જાતે જીવને વળગવા નથી આવતા, પરંતુ શુભાશુભ ભાવો કરીને જીવ તેને પોતાની તરફ આકર્ષે છે અને પછી તે સ્કંધો આત્મપ્રદેશોમાં ચોંટી જાય છે. આમ, આત્માના કર્યા વિના કર્મ થતાં નથી, અર્થાત્ જીવ શુભાશુભ ભાવ કરે તો જ કર્મબંધ થાય છે; તેમજ કર્મ સહજ સ્વભાવે કે અનાયાસે થતાં નથી. બીજી બાજુ કર્મ કરવાં એ જીવનો મૂળ ધર્મ પણ નથી. વળી, આત્મા અસંગ છે અને પ્રકૃતિ બંધ કરે છે એમ કહેવું પણ યથાર્થ નથી, કારણ કે આત્મતત્ત્વ જો સર્વથા અસંગ હોત તો પ્રથમથી અસંગપણાનો ભાસ થવો જોઈએ. પરમાર્થથી તો તે અસંગ છે, પણ નિજસ્વરૂપનું ભાન પ્રગટ થાય ત્યારે જ તેમ જણાય છે. વળી, જીવનું કર્મકર્તુત્વ સિદ્ધ કરતાં શ્રીમદે, “પરમેશ્વર જ સર્વ કાંઈ કરે છે, તેમની ઇચ્છા વિના એક પાંદડું પણ હાલી-ચાલી શકતું નથી' એવી માન્યતાનું સદંતર નિરસન કર્યું છે. અનંતશક્તિસમન્વિત ઈશ્વર તો કામ, ક્રોધ, મોહ, રાગ, દ્વેષ, અજ્ઞાનાદિ દોષોથી રહિત હોય છે. તેને જગતકર્તા કે કર્મોનો પ્રેરક ગણવામાં આવે તો તેનામાં અનેક દોષો સ્થાપિત થાય છે. આ તથ્ય સમજાવતાં શ્રીમદ્ લખે છે - “કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષપ્રભાવ.” (77). જીવ સ્વયં કર્મબંધ કરે છે એમ દર્શાવી, શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કર્મ જીવ સાથે કેવી રીતે બંધાય છે તેની પ્રક્રિયા પણ સમજાવી છે. કર્મરૂપે પરિણમવા યોગ્ય પુદ્ગલસ્કંધની વર્ગણાને કાશ્મણ વર્ગણા કહેવાય છે. તે સૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયથી અગોચર છે. ચૌદ રાજલોકમાં તે ઠાંસી ઠાંસીને ભરેલી છે. જેમ દીવો વાટ દ્વારા તેલને ગ્રહણ કરે છે, તેમ વિભાવના કારણે જીવ આ કાર્મણ વર્ગણાને ગ્રહણ કરે છે અને તે વર્ગણા જીવના આત્મપ્રદેશ સાથે જોડાય છે. આત્મા સાથે જોડાયા પછી તે કાર્પણ વર્ગણાના સ્કંધો કર્મ' ના નામથી ઓળખાય છે. કર્મના અને જીવના આ સંબંધને કર્મબંધ કહેવાય છે. આરોગેલ આહાર જેવી રીતે રસ, લોહી, માંસ, અસ્થિ, મજ્જા, મેદ અને વીર્ય એમ સપ્ત ધાતુરૂપ બને છે, તેવી રીતે આત્મપ્રદેશ સાથે ચોંટેલાં આ કર્મ પણ વિવિધ સ્વરૂપ ધારણ કરે છે. આમ, શુભાશુભ ઉપયોગરૂપ ભાવકર્મ એ ચેતનનું પોતાનું કાર્ય હોવાથી ચેતનરૂપ છે. જ્યારે જીવનું વીર્ય સ્કુરે છે ત્યારે યોગ ચંચળ થાય છે અને જડ કર્મરજનું ગ્રહણ થાય છે. આ પ્રક્રિયાને માત્ર બે પંક્તિમાં સચોટપણે સમજાવતાં શ્રીમદ્ લખે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org