Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 455 ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ.' (82) કર્મબંધની પ્રક્રિયા સમજાવવાની સાથે સાથે શ્રીમદે તે બંધાયેલાં કર્મ જીવને કેવી રીતે ફળ આપે છે, અર્થાત્ જીવ કર્મનો ભોક્તા કેવી રીતે બને છે, તે પણ સુંદર રીતે સમજાવ્યું છે. શ્રીમદે ઝેર-સુધાના દૃષ્ટાંત દ્વારા દર્શાવ્યું છે કે જેમ ઝેર અને સુધા જડ હોવા છતાં તેને ગ્રહણ કરનારને તે પ્રકારે, તે પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે; તેમ જીવ જેવાં કર્મ કરે છે તેવાં ફળ તેને મળે છે. કર્મ જડ છે, પરંતુ જીવના સંગથી કર્મમાં એક એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે જેથી તે જીવને સારો-ખરાબ વિપાક આપી શકે છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી શ્રીમદ્ જણાવે છે કે ઈશ્વરની ફળદાતા તરીકે જરૂર રહેતી નથી. કાર્મણ વર્ગણાનો આત્મા સાથે બંધ થતી વખતે જીવનાં જેવાં પરિણામ હોય છે તે અનુસાર નક્કી થાય છે કે તે કર્મનો સ્વભાવ કેવો હશે, તે કેટલાં વર્ષ સુધી આત્મા સાથે રહેશે, તે કેટલાં વર્ષ સુધી ફળ આપશે, તે ફળ કેવા પ્રકારે ભોગવવું પડશે, તેનું પ્રમાણ કેટલું હશે ઇત્યાદિ. તે વખતે તે કર્મમાં ફળ આપવાની શક્તિ પ્રગટ થાય છે અને તે અનુસાર જીવને તે કર્મ ફળ આપે છે. કર્મ જડ હોવાથી ઈશ્વરની પ્રેરણા વિના જીવ ફળ ભોગવી શકે નહીં એવી માન્યતાની અયથાર્થતા સમજાવતાં શ્રીમદ્ લખે છે - ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર.' (85) આત્માનું કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું સ્થાપન કરવા સાથે શ્રીમદે એ પણ બતાવ્યું છે કે આત્મા સ્વસત્તાએ જ્ઞાતા-દ્રષ્ટાપણે રહે તો તે નિજસ્વરૂપનો કર્તા અને ભોક્તા છે. વાસ્તવમાં જીવ સ્વભાવથી કર્મનો કર્તા-ભોક્તા નથી. કર્મનું કર્તા-ભોક્તાપણું તો જીવનો વિભાગ છે. જ્ઞાતાપણે ન રહેવાના કારણે તે કર્મનો કર્તા-ભોક્તા બને છે. જો તે સ્વભાવમાં રહે તો કર્મનું કર્તા-ભોક્તાપણું ટળે છે. આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં શ્રીમદ્ લખે છે - કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય.” (121) ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.” (78) આત્મા કર્મનો કર્તા છે અને ભોક્તા છે તે સિદ્ધ કર્યા પછી શ્રીમદ્ જણાવે છે કે તે કર્તા-ભોક્તાપણાનો પણ અંત આવી શકે છે, અર્થાત્ તે કર્મથી સર્વથા પ્રકારે છૂટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org