Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 452 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિચિત્રતાઓનું મૂળ કારણ કર્મ છે, માટે તે વિચિત્રતાઓને સમજવા માટે કર્મના સ્વરૂપને જાણવું આવશ્યક છે. કર્મસિદ્ધાંતના પરિશીલનથી અનેક આત્મહિતકર વિચારણાઓ જાગે છે અને તેથી જૈન દર્શનનું સૂક્ષ્મ રહસ્યમય સ્વરૂપ સમજાય છે. જૈન દર્શન પ્રમાણે કર્મ એટલે મિથ્યાત્વાદિ બંધના કારણને પામીને જે પગલપરમાણુ ક્ષીરનીરવત્ આત્મપ્રદેશની સાથે એકમેક થઈ જાય છે. સંસારના પ્રત્યેક જીવની સાથે કર્મનો સંબંધ અનાદિનો છે. એ કર્મસંબંધ તૂટ્યા સિવાય જીવનો મોક્ષ થતો નથી, તેથી કર્મનાં બંધ, ઉદય, ઉદીરણા, સત્તા તથા તેના ભેદ-પ્રભેદાદિનું જ્ઞાન સમ્યક રીતે મેળવવું જરૂરી છે. આ વિષય અન્ય દર્શનોમાં વિચારાયો છે, પણ તે બહુ ઉપલક છે; જ્યારે જૈન દર્શનમાં તે સુસંબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે નિરૂપાયો છે. કર્મતત્ત્વના વિચારપ્રદેશમાં જૈન દર્શનની બરાબરી કોઈ દર્શન કરી શકે એમ નથી. જૈન સાહિત્યમાં કર્મવિષયક ગ્રંથોનું સ્થાન અતિ ગૌરવભર્યું છે. જૈન શાસ્ત્રોમાં કર્મનું સૂક્ષ્મ અને સાંગોપાંગ સ્વરૂપ તથા તેના ક્ષયના ઉપાયો બતાવવામાં આવ્યાં છે. કર્મના સિદ્ધાંતને સ્કુટ કરતા અનેક ગ્રંથોની રચના થઈ છે. આ ગ્રંથો કર્મના વિષયમાં ઊંચામાં ઊંચું જ્ઞાન પ્રતિપાદિત કરનાર છે, તેમજ તે ઘણાં સૂક્ષ્મ તથ્યોથી ભરેલા છે, તેથી સામાન્ય મનુષ્યોને તે ગ્રંથો જટિલ અને મુશ્કેલ લાગે છે. વળી, સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ પણ અલ્પ સંખ્યામાં દષ્ટિગોચર થાય છે અને તેથી તે તે ભાષાના અનભ્યાસી જીવો કર્મના વિષયને બરાબર જાણી શકતા નથી. આ અગમ્ય લાગતા વિષયને તેના પ્રકાંડ જ્ઞાતા શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જનસાધારણને ગ્રાહ્ય થાય તે રીતે નિરૂપ્યો છે. કર્મને લગતી ગૂઢ બાબતો પણ એવી સરળતાથી સમજાવી છે કે ભણનાર મંદ બુદ્ધિવાળો હોય તોપણ તે સુગમતાથી સમજી શકે. કઠિન ગણાતી સમજણને તેમણે પોતાની સર્જનપ્રતિભા દ્વારા સુવાચ્ય બનાવી છે. શ્રીમની વિશેષતા એ છે કે કર્મમીમાંસા જેવા અતિ વિસ્તૃત વિષયને તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં, સર્વ જીવ સરળતાથી સમજી શકે એવી સ્પષ્ટ ભાષામાં અને જેનો અભ્યાસ કરવામાં કે યાદ રાખવામાં અભ્યાસીઓને અતિ શ્રમ ન પડે એ રીતે થોડી પરિચયાત્મક ગાથાઓ વડે સંક્ષેપમાં પ્રતિપાદન કરેલ છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પ્રાચીન કર્મગ્રંથોના વિષયોનો સમાવેશ જરૂર પૂરતો અને અતિ અલ્પ પ્રમાણમાં છે. તે છતાં આ અલ્પ ગાથાઓમાં શ્રીમદે સુવ્યવસ્થિત રીતે આત્મા અને કર્મને લગતા વિવિધ પ્રશ્નો અને તેના ખુલાસાઓ આપ્યા છે. આત્મા કઈ રીતે કર્મનો કર્તા અને ભોક્તા છે? આત્માને સુખ-દુ:ખનો અનુભવ કેમ થાય છે? કર્મનો સંસર્ગ આત્માને કઈ રીતે થઈ શકે? કર્મનો સંસર્ગ અનાદિ છે કે આદિમાન? અનાદિ હોય તો તેનો ઉચ્છેદ કઈ રીતે થઈ શકે? કર્મનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org