Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૪૦૭ આ પ્રમાણે જુદા જુદા કાળના અને જુદી જુદી કક્ષાના તથા ભાષાના કવીશ્વરો તથા સાહિત્યકારોએ ગદ્ય તેમજ પદ્યમાં સંવાદની અને તેમાં પણ વિશેષત: ગુરુશિષ્યસંવાદની શૈલી અપનાવી લોકોદ્ધોધનના કાર્યમાં સફળતા સંપ્રાપ્ત કરી છે. આ શૈલીનો આશ્રય લેતાં કૃતિકાર પોતાને જે કહેવું હોય તે સંક્ષેપમાં પણ સચોટતાપૂર્વક કહી શકે છે, કૃતિના વિષયનાં જે અંગોને સ્પર્શવાં હોય તેનો યથાયોગ્ય વિસ્તાર કરી શકે છે અને તે રીતે ઇષ્ટ ચર્ચા દ્વારા વિષયને સંપૂર્ણ ન્યાય આપી શકે છે. આમ સરળતા, રોચકતા, સચોટતા, યથાર્થતા, ઇહાનુસાર સંક્ષેપ-વિસ્તાર, પ્રવાહિતા, રમણીયતા, માર્મિકતા ઇત્યાદિનાં પ્રાગટ્ય, સંવહન તથા સંવર્ધન માટે સંવાદશૈલી એક આદર્શ અને વિલક્ષણ સાધનરૂપ બનતી હોવાથી શ્રીમદ્ આદિ અનેક મૂર્ધન્ય સાહજિકતાપ્રિય કવિઓ તેનો સુયોગ્ય અને સુરમ્ય પ્રયોગ પુનઃ પુનઃ કરતા રહ્યા છે. (IV) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની લોકભોગ્યતા
અપૂર્વ આત્મસિદ્ધિમાં નિમજ્જન કરાવનાર આ યથાર્થનામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' અત્યંત લોકપ્રિય બન્યું છે. તેમાં ભાવની ગંભીરતા અને ભાષાની સુશ્લિષ્ટતા હોવાથી તે લોકભોગ્ય બની છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ઘણી પંક્તિઓ કહેવત જેવી થઈ ગઈ છે. સાધકસમાજમાં અત્યંત મહિમા સાથે તેનું અધ્યયન થાય છે અને મુક્ત કંઠે આજ દિવસ સુધી તે ગવાતું આવ્યું છે એ તેની લોકપ્રિયતા દર્શાવે છે. તત્ત્વજ્ઞાન જેવા શુષ્ક વિષય પ્રત્યે આવો વિશાળ જનાદર ઉત્પન્ન કરવાનો યશ શ્રીમની ઉન્નત આત્મદશા તથા અસાધારણ લેખનકળાને આભારી છે. વિષયવસ્તુ યદ્યપિ પ્રદર્શન સાથે સંબંધિત છે, પણ શ્રીમદે પોતાની રોચક શૈલી દ્વારા ગૂઢ વિષયોને પણ સામાન્ય વાચક માટે સુબોધક બનાવી દીધા છે. શ્રી મુકુલભાઈ કલાર્થીના નિમ્ન અભિપ્રાય સાથે સૌ સમ્મત થશે કે –
‘આવા ગૂઢ તત્ત્વને સરસ પદ્યમાં શબ્દારૂઢ કરીને સામાન્ય કક્ષાના મુમુક્ષુ જીવો પણ યથાશક્તિ સમજીને પોતાની આત્મોન્નતિ સાધી શકે એવી સરળ પણ ગંભીર પ્રૌઢ ભાષા દ્વારા આધુનિક યુગમાં કેવાં શાસ્ત્રો રચવાં જોઈએ તેનો યથાર્થ આદર્શ આ શાસ્ત્ર રચીને શ્રીમદે રજૂ કર્યો છે.”
આમ, શ્રીમદ્ભી અસાધારણ લેખનશૈલીના કારણે અલ્પ બુદ્ધિવાળા વાચક માટે પણ આ રચના સરળતાથી સમજાય એવી બની છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે તે કેવળ સાધારણ વાચકો માટે જ ઉપયોગી નીવડે છે એવું નથી, વિદ્વાનોને પણ વિચાર કરતા કરી મૂકે એવો તે ગહન અને ગંભીર ગ્રંથ છે. આ ગ્રંથ સામાન્ય વાચકોને તો આનંદ આપે એવો છે જ, પરંતુ તત્ત્વના જાણકાર અધિકારીને તે સવિશેષ આનંદ આપે ૧- શ્રી મુકુલભાઈ કલાર્થી, ‘શ્રીમદ્ રાજચંદ્ર જીવન-સાધના', પૃ.૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org