Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 448 આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન અનેકાંતમાર્ગને પૂર્ણ ન્યાય આપ્યો છે, નિશ્ચય-વ્યવહારના પ્રયોજનને જિજ્ઞાસુઓના અંતરમાં ઉતારવાનો સફળ પ્રયાસ કર્યો છે. તેમણે વ્યવહાર કરતી વખતે નિશ્ચયનું લક્ષ ન ચુકાય તેની જાગૃતિ આપી છે. વ્યવહાર પણ ધર્મનું સાધન ત્યારે જ બને કે જ્યારે તે નિશ્ચયના લક્ષપૂર્વક હોય. નિશ્ચયને દૃષ્ટિમાં રાખીને જ સાધકે વ્યવહાર આદરવાનો છે. લક્ષ્ય પ્રત્યેની સતત જાગૃતિ સાધકને વિકાસપંથે દોરી જાય છે. આત્માની શુદ્ધતા પ્રગટ કરવા અર્થે નિશ્ચયના લક્ષ સહિત દૈનિક જીવનમાં ‘વ્યવહાર' પણ હોવો ઘટે તે વાતનું અહીં સ્પષ્ટ અને યુક્તિસંગત નિરૂપણ કર્યું છે. શ્રીમનું લક્ષ્ય તો એ જ છે કે આત્માનું જ્ઞાન કેવળ શાબ્દિક ન રહે, પરંતુ આત્માનો અનુભવાત્મક બોધ પ્રાપ્ત થાય. શ્રીમદે નિશ્ચય અને વ્યવહારની રજૂઆત અતિ સંક્ષેપમાં છતાં એવી વિશદ અને રોચક શૈલીમાં કરી છે કે તે શબ્દો વાંચતાં-સાંભળતાં જ અધિકારી જીવના હૃદયમાં વસી જાય છે. આગમોના સારરૂપ આ તત્ત્વ સાધકોને ખૂબ સહાયક બને છે. એકાંતનિશ્ચયપક્ષી અને એકાંતવ્યવહારપક્ષી બન્ને પક્ષોને સાધનામાં નિશ્ચય-વ્યવહારનું સંતુલન રાખવાનું માર્ગદર્શન મળે છે. આમ, નિશ્ચય અને વ્યવહારની યથાસ્થાને અનિવાર્યતા દર્શાવીને શ્રીમદે અનેકાંતના હાર્દને પ્રગટ કર્યું છે. તેમણે સર્વ જીવના કલ્યાણના ઉદાત્ત આશયથી બન્નેની સંધિ ઉદ્ઘાટિત કરી છે. ગ્રંથને સાધંત વાંચ્યા પછી દઢતાપૂર્વક કહી શકાય કે શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સર્વત્ર નિશ્ચયનય અને વ્યવહારનયના સમન્વયની સુગંધ ફોરવી છે. તેમણે સ્વયં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કોઈ કથન એકાંતિક નથી એમ સ્પષ્ટ કરતાં ૧૩૨મી ગાથામાં પ્રકાશ્ય છે - નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.” (132) શ્રીમદે અધ્યાત્મવિકાસમાં આવશ્યક એવા ઉપાદાન-નિમિત્તના સિદ્ધાંતને પણ સમજાવ્યો છે. કાર્યની સિદ્ધિ માટે ઉપાદાન અને નિમિત્ત બને કારણની આવશ્યકતા છે. સ્વશુદ્ધિરૂપ કાર્યમાં ઉપાદાનકારણ આત્મા સ્વયં છે, પરંતુ તેની યોગ્યતાનું પ્રગટીકરણ યોગ્ય નિમિત્તથી થાય છે. જે જીવ મારી જાતે સમજીને હું મોક્ષ પામીશ' એવું વિચારીને નિમિત્તોને છોડી દે છે, તે ફક્ત ભ્રમમાં જ રહે છે. ઉપાદાનનો એકાંતે આગ્રહ કરી નિમિત્તને તજનાર જીવની મિથ્યા માન્યતાનો નિષેધ કરી શ્રીમદે મોક્ષપ્રાપ્તિ માટે નિમિત્તની આવશ્યકતા પ્રગટ કરી છે. તેમણે સમજાવ્યું છે કે આત્માને એકાંતે શુદ્ધ માનીને નિમિત્તની ઉપેક્ષા કરવી ન ઘટે. આત્માની ઉપાદાનશક્તિ સદ્ગુરુની આજ્ઞા તથા જિનદશારૂપ પુષ્ટ નિમિત્તના સંયોગે પ્રગટ થાય છે ત્યારે આત્મશુદ્ધિરૂપ કાર્ય સધાય છે. શુભ નિમિત્તના અવલંબને સાધક પોતાના આત્માની સત્તામાં રહેલી અનંત શક્તિઓ પ્રગટ કરે છે. ઉપાદાન-નિમિત્તનો આ અનેકાંત સિદ્ધાંત શ્રીમદે જગજીવો સમક્ષ રજૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org