Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દષ્ટિએ મૂલ્યાંકન 447 પોતાને અનુકૂળ વાક્યો ઉપાડી લે છે, તેથી તેમનું કલ્યાણ થતું નથી. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ ધર્મસમાજમાં વ્યાપ્ત થયેલા એકાંતવાદરૂપ રોગની ઔષધિ છે. શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં એકાંતવાદનો નિષેધ કરી, સર્વ નયના આશ્રયરૂપ અનેકાંતની સિદ્ધિ કરી છે. તેમાં સરળ અને સુબોધ ભાષામાં નય સંબંધી થતી મૂંઝવણ દૂર કરવામાં આવી છે અને આત્મહિતરૂપ પ્રયોજનની સિદ્ધિ કઈ રીતે થઈ શકે તેની સુંદર રજૂઆત કરવામાં આવી છે. શ્રીમદે આ મહાન ઐતિહાસિક કૃતિમાં નય સંબંધી સમુચિત સમાધાન પ્રસ્તુત કર્યું છે. એકબીજાનાં વિરોધી પ્રતીત થવાવાળાં વિભિન્ન કથનોમાં સાર્થક સમન્વય સ્થાપિત કર્યો છે. અનાદિની કર્મશૃંખલાને કાપવા માટે શ્રીમદે બહુ સરળ અને રોચક શૈલીમાં અનેકાંતનો સિદ્ધાંત સમજાવ્યો છે. તેમણે આ ગ્રંથમાં અનેકાંતનો મર્મ ખોલ્યો છે તથા એકાંતમતનું નિરાકરણ કર્યું છે, જે જિજ્ઞાસુ જીવો માટે અત્યંત ઉપયોગી છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીમદે છ પદની દેશના અનેકાંતદષ્ટિએ પ્રકાશી છે. તેમણે ‘આત્મા નિત્ય છે', ‘આત્મા અનિત્ય છે', ‘આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા સ્વભાવનો કર્તા છે' આદિ વિધાનો અનેકાંતશૈલીએ સ્પષ્ટ કર્યા છે. એક નયથી આત્માનું પૂર્ણસ્વરૂપ સિદ્ધ થઈ શકતું નથી. જુદા જુદા નયથી આત્માને જોવાથી તેનું સ્વરૂપ સમજી શકાય છે. તેઓ જણાવે છે - આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય;' (68) “ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્ત નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.” (78) છ પદનું પ્રતિપાદન કરતાં શ્રીમદ્ કોઈ પણ દર્શનનો વિરોધ કર્યા વિના તેના વિરોધનાં મૂળને શોધી, સર્વને અવિરોધ તરફ લઈ ગયા છે. તેમણે અનેકાંતવાદ દ્વારા દરેક દર્શનનું મૂળ તપાસ્યું છે અને તેનો ઉદારતાપૂર્વક વિચાર કરી સમસ્યાનું સમાધાન કર્યું છે. અન્ય દર્શનો વસ્તુને એકાંતરૂપ માને છે. તે દરેકનો દૃષ્ટિકોણ એક અપેક્ષાએ સત્ય છે, અર્થાત્ પૂર્ણ સત્ય ન હોવા છતાં આંશિક સત્ય છે. બૌદ્ધ દર્શન આત્માને અનિત્ય માને છે. તે વાત પૂર્ણ સત્ય નથી, પરંતુ પર્યાય અપેક્ષાએ સત્ય છે. અન્ય દર્શનકારોની વાત કોઈ નયની અપેક્ષાએ બરાબર છે. જૈન દર્શન વસ્તુનું સ્વરૂપ અનેકાંતરૂપ માને છે અને તેથી શ્રીમદે એકાંતવાદીઓની એકાંતદષ્ટિયુક્ત માન્યતાઓનું નિરસન કરી, અનેકાંતની પ્રરૂપણા કરી છે. તેમણે અનેક દષ્ટિએ આત્મતત્ત્વનું દર્શન કરાવી, પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મોનો સુમેળ સાધ્યો છે, જેથી વાસ્તવિકતા સુધી પહોંચી શકાય. અનેકાંતવાદના ઉદાર સર્વગ્રાહી સિદ્ધાંત દ્વારા તેમણે સર્વ દર્શનોના કલહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org