Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 446 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અપેક્ષાઓનો અપલાપ કરી, આ આમ ‘જ' છે એવા જ કારરૂપ દુર્નયને અનેકાંત દૂર કરે છે અને સર્વ નય પ્રત્યે સમદષ્ટિ ધરી, કોઈ પણ અપેક્ષાનો અપલાપ નહીં કરતાં ‘આ અપેક્ષાએ આ આમ છે' એમ મધ્યસ્થપણે વસ્તુતત્ત્વનું સુનયરૂપે સમ્યક પ્રતિપાદન કરે છે. અનંત નયમાંથી એક પણ નયને ઉત્થાપનાર કે એકાંતે નિષેધનાર જીવ એકાંતવાદી છે, મિથ્યાત્વી છે, કારણ કે તે શ્રી જિનેશ્વર ભગવાનની વાણીને યથાર્થપણે સદ્દહતો નથી. ‘કેવળ મારા જ વિચાર સત્ય છે' એવો વિચાર છોડીને જો તે બીજાના વિચારને યથાયોગ્ય સ્થાન આપે તો વસ્તુના સત્ય સ્વરૂપને પામી શકે. મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે અને તેને તેનો અભિનિવેશ બહુધા વિશેષ હોય છે. જ્યારે કોઈ પણ બાબતમાં તે જે વિચાર કરે છે, તે વિચારને તે છેવટનો અને સંપૂર્ણ માનવા પ્રેરાય છે. તે પોતાના આંશિક જ્ઞાનને સંપૂર્ણ જ્ઞાન માની બેસે છે અને બીજાના વિચારને સમજવાની ધીરજ ખોઈ બેસે છે. તે કારણે એક વસ્તુ પરત્વે સત્ય કિંતુ જુદા જુદા વિચાર ધરાવનારાઓ વચ્ચે અથડામણો ઊભી થાય છે અને પરિણામે સમ્યક્ જ્ઞાનનું દ્વાર બંધ થઈ જાય છે. એક નય દ્વારા વસ્તુનું યથાર્થ નિરૂપણ થઈ શકે નહીં, તે છતાં એકાદ નયને ગ્રહણ કરી તેનો આગ્રહ કરતાં વિવાદ ઊભો થાય છે. આ વિવાદ દૂર કરવા અનેકાંતશૈલી ઉપયોગી નીવડે છે. અનેકાંતશૈલી પરસ્પરના વિચારોને સમજવાની અને સ્વીકારવાની કળા શીખવે છે. જે વ્યક્તિ અનેકાંતનાં રહસ્યને જાણે છે, તેના મનમાં કોઈ પણ પ્રકારની મિથ્યા ભાંતિ રહેતી નથી. આ પ્રકારે જીવનશુદ્ધિ માટે વિચારોની વિશાળતા તથા અન્યને પોતામાં સમાવી લેવાની ઉદારતા જોઈએ, જે અનેકાંતવાદ કરી શકે છે. અનેકાંતવાદ જીવને આગ્રહથી મુક્ત કરે છે અને પરિણામને સમભાવમાં સ્થિર થવામાં મદદ કરે છે. તે સાધકને વાસ્તવિકતા સમજાવી સ્વમાં સ્થિત થવામાં સહાયક બને છે. આ અનેકાંતવાદનું સ્વરૂપ જાણવા માટે સાધારણ વાચક જ્યારે ધર્મગ્રંથોનું અવલોકન કરે છે ત્યારે તે એમાં નિરૂપાયેલાં વિવિધ વિવક્ષાનાં કથનમાં મૂંઝાઈ જાય છે. તે અધ્યયનથી કંટાળી, મિથ્યા અભિપ્રાયનું પોષણ કરે છે કે “આ તો વિદ્વાનોની વાત છે, એમાં અમારે ઉલઝાવું નથી.' આમ વિચારી તે તેની ઉપેક્ષા કરે છે. નયસિદ્ધાંતના પરિજ્ઞાનના અભાવે, સમાજમાં પ્રવર્તી રહેલી વ્યવહાર-નિશ્ચય સંબંધી ભાતિઓના પ્રવાહમાં તે ફસાઈ જાય છે. ‘જ્ઞાનથી જ મોક્ષ છે', 'ક્રિયાથી જ કલ્યાણ છે', 'નિશ્ચય જ સાચો છે', વ્યવહાર જ કામનો છે' એમ સૌ પોતપોતાની એકાંત માન્યતા પકડી બેઠા છે. સર્વજ્ઞ વીતરાગનાં વચનોનું રહસ્ય ન્યાયની સંધિથી સમજ્યા વિના, માત્ર એક પડખાની વાત પકડી આગ્રહ, વિપર્યાલ આદિ અનેક દોષોમાં જીવો ફસાયા છે. પૂર્વાપર સંબંધ અને અનેકાંતથી એ વાતો સમજ્યા વગર તેઓ શાસ્ત્રોમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org