Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, શ્રીમદે તેમની અપૂર્વ રચનાશક્તિ વડે ઊંડી અનુભવયુક્ત વાણીમાં છ પદના શાસ્ત્રોક્ત વિષયને મૌલિક શૈલીએ નિરૂપ્યો છે. અધ્યાત્મશાસ્ત્રનાં અનેક રહસ્યોને તેમણે ખૂબીથી ગૂંથી લીધાં છે. અર્થસભર શબ્દો દ્વારા મનોહર સંકલન કરીને તેમણે થોડી પંક્તિઓમાં ઘણો અર્થ ભર્યો છે. પ્રત્યેક પંક્તિમાં તેમણે ગૂઢ ભાવ ભર્યા છે. આ શાસ્ત્રની કોઈ પણ પંક્તિ ઉપેક્ષા કરી શકાય એવી નથી. તેના ઉપર વિશેષ ને વિશેષ વિચારણા કરવામાં આવે તો તેના પ્રત્યેક વિભાગમાં, પ્રત્યેક ગાથામાં, પ્રત્યેક શબ્દમાં રહેલો ગર્ભિત આશય વધુ ને વધુ પ્રગટ થતો જાય. થોડા શબ્દોમાં ઘણું કહી શકવાની શ્રીમદ્દની શક્તિ અભુત છે, અસાધારણ છે, અતિશયવંત છે. તેમણે કોઈ પણ જગ્યાએ ભવ્યતા અને રસની ક્ષતિ આવવા દીધી નથી. એક મુદ્દામાંથી બીજો, બીજામાંથી ત્રીજો એમ ઉત્તરોત્તર એવી સુસંગત સંકલના થઈ છે કે તેમાં કાંઈ નકામું નથી આવતું, કામનું રહી જતું નથી એ આ ગ્રંથની એક ખૂબી છે. ગહન તત્ત્વજ્ઞાન જેવા વિષયને લોકભોગ્ય કરવા તેમણે સઘન શૈલીનો ઉપયોગ કર્યો છે. તેમની વાણી સીધી, સાદી, સહજ, સુપ્રસન્ન અને માધુર્યથી સભર છે. ગ્રંથની વિષયરચના ઉત્તમ, ઉપયોગી, હૃદયને અસર કરે તેવી છે અને વાંચીને વિચારનારને તો મહાલાભ કરનારી છે. સરળતા, સ્પષ્ટતા અને અસંદિગ્ધતા તે આ કૃતિના મૂળભૂત ગુણો છે. તેના ઉપરથી શ્રીમદુનો તે વિષય ઉપરનો ઊંડો અભ્યાસ, ભાષા ઉપરનો અદ્ભુત કાબૂ તથા તેમની ગ્રંથકાર તરીકેની સફળતાનો ખ્યાલ આવે છે. અધ્યાત્મનું ગહન સ્વરૂપ સાંગોપાંગ રજૂ કરતી શ્રીમદ્ગી આગવી અને અનૂઠી શૈલી તથા સુરેખ વાણીમાં તેમની અપરંપાર શક્તિનાં દર્શન થાય છે. પોતાનાં અસાધારણ ભાષાબળ અને વિવેકપ્રજ્ઞા વડે તેમણે જે ભાવ દર્શાવ્યો છે, તે હૃદયમાં બેસી જાય છે અને આત્માને જાગૃત કરે છે.
આમ, અપૂર્વ આત્મજાગૃતિપૂર્વક મોક્ષમાર્ગે પુરુષાર્થ આદરનાર અસીમ આત્મપુરુષાર્થી શ્રીમનાં લખાણનો દરેકે દરેક અક્ષર આત્માનુભવરૂપ તીવ્ર સ્વસંવેદનથી, અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલો સુપ્રતીત થઈ, સહૃદય શ્રોતાના હૃદયસોંસરો નીકળી જાય એવો વેધક અને માર્મિક છે. અખ્ખલિત ભાવે વહેતી ગાથાઓમાં તેમણે અનુભવના ક્ષેત્ર તરફ વધવા માટે પ્રેરણા કરી છે. આત્મસ્વરૂપને પ્રગટ કરતી મૂળ વાત તેમણે જુદા જુદા સ્વરૂપે એવી રીતે કરી છે કે કશે પણ પુનરાવર્તન થયું હોય એમ જણાતું નથી. તેમના પ્રૌઢ અને આત્મલક્ષી વિચારો હૃદયને સ્પર્શી જાય છે. ગ્રંથનો વિષય અને આશય સાધકને ગંભીર ભાવોથી ભરી દે છે. તેની એક એક ગાથા માનવીના બળતા હૃદયને ઠારનાર શાંત અને શીતળ પાણી સમાન છે, ગોશીષ ચંદન સમાન છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ની જે પ્રસાદી શ્રીમદે જગતને આપી છે, તે માત્ર તર્કપટુતા, બુદ્ધિચાતુર્ય કે કવિત્વશક્તિનું પ્રદર્શન નથી, પરંતુ આત્માના અનુભવથી સિદ્ધ થયેલું ઉત્તમ તત્ત્વજ્ઞાન છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org