Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આમ, કવિતાનો સર્વોત્તમ ગુણ જીવનદર્શન કરાવવાનો છે. ઉત્તમોત્તમ કવિતા માત્ર આનંદ જ નથી આપતી, પરંતુ જીવનનું દર્શન પણ કરાવે છે. કાવ્યની ઉત્તમતા માટે વાસ્તવમાં ચિંતનની આવશ્યકતા છે કે જે ચિંતન ઊર્મિસ્પષ્ટ બની અનુભવના રસાયણથી રસાઈને કવિતામાં આવે. આવા ચિંતનને કવિતામાં રજૂ કરતી રચનાઓમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એક ઉત્તમ નમૂનારૂપ છે. તેમાં શ્રીમદે પ્રશ્નોત્તરશૈલીના માધ્યમથી વિવિધ દૃષ્ટિકોણો વડે આત્મતત્ત્વની ગહન વિચારણા રજૂ કરી છે. કવિતામાં દાર્શનિક માન્યતાઓ રજૂ કરી, ઊંડું અધ્યાત્મ ગૂંથવાનું કાર્ય અત્યંત અત્યંત મુશ્કેલ અને અટપટું છે. આવા કઠિન અને દુર્બોધ વિષયને કાવ્યનું રૂપ આપવું તે શ્રીમનું ઉચ્ચ પ્રકારનું રચનાસામર્થ્ય દર્શાવે છે. અધ્યાત્મના ઉન્નત ભાવોને પદ્યરૂપે ગૂંથી, તેને ગેયરૂપ આપી, જનહૃદય સુધી પહોંચાડી શ્રીમદે પોતાની ઉચ્ચ કવિત્વપ્રતિભાનો પરિચય આપ્યો છે.
શ્રી તીર્થંકર પ્રભુના મુખ્ય ગુણોમાં જે ગુણ ગણના પામે છે, તે છે તેમની ભાષાનું સર્વસાહિત્વ; અર્થાતુ પ્રત્યેક પ્રાણી સમજી શકે એવી ભાષામાં બોલવાની તેમની વિશિષ્ટતા. એમાં અતિશયતાનું તત્ત્વ બાજુ ઉપર રાખીએ તોપણ એ ભાષાની સફળતા એની સર્વભોગ્યતામાં છે અને એ વાત બહુ ઉપયોગી મુદ્દો પૂરો પાડે છે. ભાષાનું કાર્ય વિચારવહનિકા તરીકેનું છે. એમાં ચાતુર્ય કે ચમત્કૃતિ હોય તો તે ભાષાની શોભામાં વધારો કરે છે, પણ સમજવાની સરળતા અને સર્વદેશીયતાનો જ્યાં નાશ થતો હોય ત્યાં મૂળ મુદ્દો ઊડી જતાં તે કૃતિ જનસામાન્યને ઉપયોગી થતી નથી. શ્રીમદે એ વાત કદી વિસારી નથી એ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નો અભ્યાસ કરવાથી સ્પષ્ટ જણાઈ આવે છે.
શ્રીમદ્ કવિ ઉપરાંત જ્ઞાની પણ હતા, તેથી કાવ્યરચના કરવા માટેનો તેમનો ઉદ્દેશ મહાકવિનું બિરુદ પામવાનો, મહાપંડિત કે મહાવિદ્વાન કહેવડાવવાનો અથવા ઐહિક પ્રશંસા પ્રાપ્ત કરવાનો ન હતો. ત્રિવિધ તાપથી દુ:ખી જીવોને સત્ય માર્ગનું દર્શન કરાવી તેમાં પ્રવૃત્ત કરાવવા એ જ તેમની લેખણીનો મુખ્ય લક્ષ હતો. એ પ્રધાન હેતુ ફળીભૂત થાય તે અર્થે તેમણે પોતાની ભાષા વિકભોગ્ય બનાવવા કરતાં સામાન્ય ક્ષયોપશમવાળા જીવ સમજી શકે એવા આકારમાં કરી છે. તેમનામાં પંડિતોની ભાષા વાપરવાની શક્તિ હતી, પરંતુ તેમને તો સામાન્ય જનસમૂહને પ્રબોધવો હતો. ક્લિષ્ટ ભાષા વાપરી, ગ્રંથને સમજી ન શકાય એવો કોયડારૂપ બનાવવાની તેમની ઇચ્છા ન હતી. સર્વ જીવનું કલ્યાણ થાય એવા મહાકાર્યમાં પોતાનો બનતો ફાળો આપવાની ઉન્નત ભાવના હોવાથી શ્રીમદે તેમનો ઉપદેશ સર્વભોગ્ય થાય એવી સરળ ભાષામાં આપ્યો છે. તેમણે લાંબા લાંબા સમાસવાળી કે અપ્રસિદ્ધ અર્થવાળી ભારેખમ ભાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org