Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૪૨૧ જુદી રીતે છૂટક છૂટક નિરૂપાયેલો દેખાય છે; ‘ગણધરવાદ'માં જે વિચાર તર્કશૈલીથી સ્થપાયો છે અને આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' માં તથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “અધ્યાત્મસાર', અને “સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઇ” માં જે વિચાર રજૂ કર્યો છે; તે છ પદ વિષેના વિચારો શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સહજ ભાવે ગૂંથ્યા છે. તેથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિરૂપાયેલ આત્માનાં છે પદનો વિષય પૂર્વગ્રંથોમાં મળી આવે તે સ્વાભાવિક છે.
પૂર્વાચાર્યોના અનેક ગ્રંથોનો આધાર લઈને શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી હોવા છતાં આ તેમની મૌલિક કૃતિ છે. વિષયની દૃષ્ટિએ તે મૌલિક નથી, પણ તેનું નિરૂપણ મૌલિક છે. વિષયને પોતે વાંચી, વિચારી, અનુભવીને શ્રીમદે પોતાની સ્વતંત્ર શૈલીમાં આ શાસ્ત્રની રચના કરી છે. તેમણે શાસ્ત્રોમાં વર્ણિત વિષયોને સંકલિત કરી, પોતાની મૌલિક શૈલીમાં જિનાગમના મર્મોને ખોલ્યા છે. શ્રી જિનેશ્વર ભગવાનના આશયને અંતરમાં અવધારી, પોતાની કવિત્વશક્તિથી તેમણે તે ભાવોને શબ્દોમાં ઉતાર્યા છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ તેમણે ગ્રહણ કરેલા વિષયોનું મૌલિક પદ્યાત્મક પ્રતિપાદન છે. શ્રીમની અભિવ્યક્તિ કેટલી વિશદ છે તથા તેમની રચનાશક્તિ કેવી મૌલિક અને ભવ્ય છે તેનો સુંદર પરિચય આ ગ્રંથ કરાવે છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીમન્ના અનુભવનો રણકાર છે. તેમને જે અનુભવમૌક્તિક લાધ્યું હતું, તેના પરિપાકરૂપે આ રચના થયેલી છે. અનુભવના ક્ષેત્રમાં આગળ વધીને શ્રીમદે અનુભવના અર્કરૂપ આ ગ્રંથની રચના કરી છે. તેમણે પોતાના અનુભવોનો ઉત્તમ નિચોડ આત્માર્થી જીવોને આપ્યો છે. તેમાં એટલું ઊંડાણ છે કે તેના ઉપર સૂક્ષ્મતાપૂર્વક વિચાર કરવાથી જ તેની મહત્તા સમજાય છે. તેમની અભિવ્યક્તિમાં આત્માનુભવની અનોખી ખુમારી અને નિજાનંદની મસ્તી દષ્ટિગોચર થાય છે. તેમના પ્રત્યેક શબ્દમાં અધ્યાત્મની સુવાસ ભળેલી છે. અભ્યાસ, અવલોકન અને અનુભવ વગર આવી અસાધારણ વાણી વ્યક્ત થઈ શકે નહીં. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે, આત્મસ્વરૂપના ભાન વિના મોહનિદ્રામાં સૂતેલા જીવોને પોતાના પરમાત્મસ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. તેમનાં અનુભવસિદ્ધ વચનો આત્મજાગૃતિ કરાવનારાં છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ધારારૂપે વહી રહેલી શ્રીમની વાણીમાં અનુભવનું અમૃત અનુભવાય છે. તેમણે શાસ્ત્રીય વિષયોનો પ્રયોગ કરીને, તેને આત્મસાત્ કરીને, મૌલિક શૈલીમાં આ ગ્રંથની રચના કરી છે. પ્રયોગ દ્વારા શાસ્ત્રોને અનુભવસિદ્ધ કરનાર શ્રીમદ્ વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
કાકા સાહેબ કાલેલકરે શ્રીમદ્ રાજચંદ્રને માટે “પ્રયોગવીર' એવો સૂચક અર્થગર્ભ શબ્દ પ્રયોજ્યો છે. તે સર્વથા યથાર્થ છે. શ્રીમદ્ ખરેખર પ્રયોગવીર જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org